રાજ્યના મુખ્યમંત્રીએ વિશ્વકર્મા જયંતિના પર્વે સોમવારે આવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ – શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે 16 વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા 64 પુરસ્કારો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવતાં આ અવસરે જણાવ્યું કે, પોતાના શ્રમ, પરિશ્રમ અને પરસેવાથી ઉદ્યોગ, વેપાર, મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવનારા પાયાના પથ્થર એવા શ્રમિકો માટે ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ હર કામ કા સન્માન’નો મંત્ર વડાપ્રધાનએ આપ્યો છે.
સાથે જ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમનું લોંચીંગ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ઉદ્યોગકારો-રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત લેબર પીસ-શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાત દેશમાં સૌથી ઓછા મેન ડેયઝ લોસ ધરાવતું રાજ્ય છે. શ્રમિકોના સક્રિય સહયોગ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક કલ્યાણ બાબતોમાં દેશમાં અગ્રેસર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે. આ મંત્રને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે રાજ્ય સરકાર શ્રમિક કલ્યાણની અનેક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે શ્રમિકોના પરિવારોની, તેમના સંતાનોની પણ આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ માટે સતત ચિંતા કરી છે. રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યુ-વિન કાર્ડ આપીને તેમને વિવિધ સામાજીક સુરક્ષા યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાય છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અર્થતંત્રને ગતિમય રાખતા શ્રમિકોને કામકાજના સ્થળે જવા-આવવાની સુગમતા માટે ગો-ગ્રીન યોજના અંતર્ગત ઇલેકટ્રીક વ્હીકલ ખરીદી માટે સહાય આપવાની યોજનાની પણ વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, કોરોના મહામારીમાં લોકડાઉન સમયે ‘વન નેશન વન રેશન’ અન્વયે પરપ્રાંતિય શ્રમિકોને તેમના રાજ્યના રેશનકાર્ડ ઉપર આપણે ગુજરાતમાં અનાજ આપીને તેમના પરિવારને ભૂખ્યા સુવું ન પડે તેની કાળજી લીધી હતી. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત વર્ષે યોજાઇ રહેલા આ શ્રમ પારિતોષિક વિતરણને આબાદ ભારતના નિર્માણમાં યોગદાન આપનારા અદના શ્રમિકોના સન્માનનો અમૃત અવસર ગણાવ્યો હતો. શ્રમિકો માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને પારદર્શી અને સરળ બનાવતી DISHA એપનું લોંચીંગ પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું.
શ્રમ રોજગાર રાજયમંત્રી બ્રિજેશકુમાર મેરજાએ સ્વાગત પ્રવચનમા સૌને વિશ્વકર્મા જયંતીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2012થી શ્રમિકોને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક આપી સન્માનિત કરવાની શરૂઆત કરી હતી એને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગળ વધારી રહ્યા છીઐ.
મંત્રી મેરજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હદમાં આવેલ કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને પ્રોત્સાહિત કરવા અને રાજ્યની પ્રગતિ, વિકાસ અને ઉન્નતિના ક્ષેત્રે રાજ્ય સરકાર દર વર્ષે શ્રમયોગીઓ દ્વારા ઉત્પાદનમાં, ગુણવત્તામાં તેમજ ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર કામગીરી તેમજ પોતાના જીવનું જોખમ ખેડીને અને તાકીદે પગલાં ભરીને જીવ બચાવ્યા હોય તેમજ મિલકતને બચાવી હોય તેવી કામગીરી કરી હોય તેવા શ્રમયોગીઓને જુદા જુદા પ્રકારના 16 રાજ્ય શ્રમ પારિતોષિકો પ્રદાન કરવાની યોજના અમલી છે. રાજયના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજય શ્રમ રત્ન, રાજય શ્રમ ભૂષણ, રાજય શ્રમ વીર, રાજય શ્રમ /શ્રમ દેવી જેવા વિવિધ કેટેગરીમા આ પારિતોષિક પ્રતિવર્ષ એનાયત કરવામા આવે છે.
મેરજાએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા શ્રમયોગીઓની પસંદગી કરી રાજયમાં શ્રમયોગીઓએ કરેલ વિશિષ્ટ કામગીરી માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત એમ દરેક રીજીયનમાં 16 પારિતોષિકો એમ કુલ-64 પારિતોષિકો આપવાના છે. રાજ્ય શ્રમ રત્ન પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂ.25000, રાજ્ય શ્રમ ભૂષણ પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂ. 15000, રાજ્ય શ્રમ વીર પારિતોષિક દીઠ રૂ.10000 અને રાજ્ય શ્રમ/શ્રમદેવી પારિતોષિક અંતર્ગત પારિતોષિક દીઠ રૂ. 5000ની રકમ આપવામાં આવે છે.
ઉદ્યોગ રાજયમંત્રી જગદીશ પંચાલે સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્માની જયંતીએ રાજ્યના શ્રમિકોને શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, શ્રમિકો અને કારીગરોને સન્માનિત કરવાનો અણમોલ અવસર રાજય સરકાર દ્વારા પુરો પાડવામાં આવ્યો છે તે સૌ કારીગરો માટે ગૌરવરૂપ છે. આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ મતી અંજુ શર્મા, શ્રમ અને રોજગાર કમિશનર મતી પી. ભારતી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક પી. એમ. શાહ તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શ્રમ પારિતોષિક વિજેતાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.