સાહેબ મિટિંગમાં છે:ટ્રાફિકના કાર્યક્રમમાં આવેલા CM રોડના ખાડા જોઈ અકળાયા, મહારાષ્ટ્રમાં 'ગુજરાતવાળી' કરી હોત તો બળવો અટકાવી શકાત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સરકાર સામેના બળવા પાછળ ધારાસભ્યોની નારાજગી અને સરકારમાં અપમાનજનક સ્થિતિ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ જ સ્થિતિ હતી, પરંતુ ભાજપ હાઇકમાન્ડે રાતોરાત આખી સરકારને ઘરભેગી કરી અસંતોષની આગ ભભૂકતી અટકાવી દીધી હતી. આમ જો મહારાષ્ટ્ર સરકારે પણ અગમચેતી વાપરી ગુજરાતવાળી કરી હોત તો સરકાર બચી શકી હોત એવું નિષ્ણાતો માની રહ્યા છે.

રાતોરાત મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળને ઘરભેગું કર્યું
ગુજરાતમાં અગાઉ વિજય રૂપાણીની સરકાર દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો અને પક્ષના આગેવાનોની અવગણના થતી હોવાની ફરિયાદ ઊઠી હતી. આ ફરિયાદો એટલી ગંભીર બની ગઈ હતી કે ભાજપ હાઇકમાન્ડ સુધી ધારાસભ્યોએ રૂપાણી સરકારની કામગીરી અને અસંતોષ અંગેની રજૂઆત કરી હતી. છેવટે ભાજપ હાઇકમાન્ડે રાતોરાત મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળને ઘરભેગું કરીને ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદ હેઠળ નવી જ સરકાર બનાવી દીધી હતી.

રોડના ખાડા જોઈ અકળાયા CM, જાહેરમાં બોલી પણ નાખ્યું
અમદાવાદ શહેર પોલીસના એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેઓ સ્ટેજ પર બોલવા ઊભા થયા ત્યારે ટ્રાફિકની સારી સારી વાત કરી હતી, જોકે અચાનક જ તેમણે શહેરમાં જાહેર રોડ પર પડેલા મોટા મોટા ખાડા અંગે બોલવાનું શરૂ કર્યું હતું. રસ્તામાં મોટા ખાડા હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન રોડની સાઇડમાં કરેલા નાના ખાડા પૂરી દે છે, પરંતુ મહિનાઓ સુધી રોડ પર પાડેલા મોટા ખાડા પૂરતું નથી, એમ કહી કાર્યક્રમમાં હાજર AMCના કમિશનર લોચન સહેરા સામે જોયું હતું. મુખ્યમંત્રીએ મ્યુનિ. કમિશનરને આડે હાથે લેતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તો બીજી બાજુ, મ્યુનિ. કમિશનર સહેરાનો ચહેરો ઊતરી ગયો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવી સામાન્ય સમસ્યાઓને કારણે સરકારે કરેલાં કામ દેખાતાં નથી અને એને કારણે લોકોમાં ભારે રોષ ફેલાય છે.

ભાઈ, ભાજપમાં તો આવ્યા પણ ટિકિટ કે હોદ્દો નહીં આપે તો ક્યાંક...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એ સંજોગોમાં સત્તાધારી પક્ષ ભાજપમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ કાર્યકરોનાં ટોળેટોળાં લઈને શક્તિપ્રદર્શન સાથે ભાજપનો ખેસ પહેરી તો લે છે, પરંતુ ભાજપમાં કામ શું કરવાનું એ નક્કી જ થતું નથી. એની સાથે સાથે આવેલા કાર્યકરોને પણ ભાજપની શિસ્ત અને સિસ્ટમ પ્રમાણે કામ કરવાનું આવે તો મૂંઝાઈ જાય છે. તો બીજી બાજુ પક્ષ અને પદ છોડી આવેલા નેતાઓ ટિકિટની વેતરણમાં પડી ગયા છે. આવા સમયે ભાજપના પક્ષ-પ્રમુખથી લઈને બીજા આગેવાનો તેમને ભાજપની ટિકિટ ફોર્મ્યુલા સમજાવી રહ્યા છે, તેથી ભાજપમાં આવેલા નેતાઓ ટેન્શનમાં આવી ગયા છે અને કહી રહ્યા છે કે યાર ભાજપ ટિકિટ કે હોદ્દો નહીં આપે તો આપણું રાજકારણ પૂરું ના થઇ જાય.

ગુજરાતનું આસામ સાથે મજબૂત કનેકશન
સુરતમાં શિવસેનાના ધારાસભ્યો હોટલમાં શરણ લે અને પછી તેમને દેશના બીજા છેડે(ગુવાહાટી) શરણ મળે છે. ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પણ આસામ કનેકશન નડ્યું. આમ, ઘણા માટે નડતરરૂપ એવા આસામ સાથે ગુજરાત ભાજપના નેતાઓ મજબૂત સંબંધો હોવાનું બતાવી રહ્યા છે. સાથે રાજકીય મોરચે ચર્ચા જામી છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા ભાજપની યુવા પાંખની કામગીરી દરમિયાન સાથે હતા અને સારા મિત્ર હતા. એટલું જ નહીં, રાણી રુક્મિણીના દ્વારકાના રાજા સાથેનો નાતો સેવન સિસ્ટર રાજ્યો સાથે જોડાયેલો છે.

કેન્દ્ર સરકાર આસામથી માધવપુર ઘેડ સુધી રિલિજિયસ ટૂરિઝમ સર્કિટ પણ બનાવવા જઈ રહી છે. આખરે ભાજપને આ મિત્રતાનો લાભ મળ્યો છે. આમ ગુજરાત અને આસામની મિત્રતા મજબૂત બની રહી છે.

ગુજરાતમાં ફરી ડી.જે.ની ધૂન
ગુજરાતના મુખ્ય સચિવ રહી ચૂકેલા ડાઇનેમિક ડી.જે. પાંડિયન વધુ એકવાર ગુજરાતમાં કામગીરી શરૂ કરશે. તેમની ગાંધીનગરની ગિફટ સિટીમાં સ્થપાનારી ઇન્ટરનેશલ બેંક એવી ન્યૂ ડેવલપમેન્ટ બેંક(NDB)ના હેડ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અગાઉ તેઓ આંતરરાષ્ટ્રીય એવી એશિયન ડેવલપમેન્ટ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. હવે તેઓ નવી બેંકને મોબિલાઇઝ કરવા ગુજરાતમાં અને એમાં પણ ગિફ્ટ સિટીમાં તેમનો બેઝ બનાવી રહ્યા છે. બ્રિક્સ દેશોની શાંઘાઈમાં મુખ્ય મથક ધરાવતી ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)એ ડો. ડી.જે. પાંડિયનને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં ભારતની પ્રાદેશિક કચેરીમાં ડિરેક્ટર જનરલ તરીકે નીમ્યા છે.

ગત મહિને બ્રિક્સ દેશોની બેન્ક NDB ગિફ્ટ સિટીમાં IRO(ઇન્ડિયન રીજનલ ઓફિસ)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, NDBએ ભારતમાં 7.2 અબજ ડોલરના 20 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હવે પ્રાદેશિક સ્તરે કચેરીની સ્થાપના,પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણની ધુરા પાંડિયન સંભાળશે અને વિકાસ પ્રોજેકટ આગળ દોડશે.

શિક્ષણ વિભાગના IAS વિનોદ રાવ ચૂપ કેમ છે?
પ્રવેશોત્સવમાં શિક્ષણ વિભાગમાં અવોર્ડ લેતા વિનોદ રાવ ચર્ચામાં રહ્યા કે તેઓ ગામડામાં દેખાયા નહીં, શિક્ષણ વિભાગમાં અધિકારી એસ.જે. હૈદર રજા પર હોવાથી તેમની ગેરહાજરીમાં કાયમી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટમાં તુરંત કામગરાની જેમ લાગી પડે છે. તેઓ પ્રવેશોત્સવમાં નજરમાં ન આવ્યા, હાલમાં હૈદરની ગેરહાજરી વચ્ચે તેઓ એક્ટિવ થવાને બદલે શાંત કે ચૂપ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

રાજીવ ગુપ્તાઃ આપ કતાર મેં હૈ
રાજ્ય સરકારના અધિકારી રાજીવ ગુપ્તા નિવૃત્ત થયાને હવે લગભગ મહિનો થવા આવશે, પરંતુ રાજ્ય સરકારે તેમની નિમણૂકને લઇને કોઇ જાહેરાત ન કરતાં હવે સચિવાલયના અધિકારી પણ તેમના વિશે એવું જણાવી રહ્યા છે કે તેઓ સોશિયલ મીડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઇને થતાં ડેવલપમેન્ટને લઇને ટવીટ કરી દેતા હોય છે. આમ એક્ટિવ તો છે અને તેમને કેવડિયાના પ્રોજેકટમાં જ કોઇ હોદ્દો મળે તેમાં રસ હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...