દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી 2022માં યોજાનારી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે (આઠ ડિસેમ્બર, બુધવાર) રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઇ મુલાકાતે જવા રવાના થશે. દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહિ, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.
10મી વાઈબ્રન્ટ સમિટ 10થી 12 જાન્યુઆરીએ યોજાશે
દુબઈ રોડ-શોમાં મુખ્યમંત્રી સાથે જઇ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગો) ડૉ. રાજીવકુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ રહી છે. આ ઉપરાંત એ જ ગાળામાં 9થી 13 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયેલું છે.
વાઈબ્રન્ટ સમિટમાં અનેક દેશો રસ લઈ રહ્યાં છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં 2003થી શરૂ થયેલી દ્વિ વાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વધુને વધુ દેશો પણ રસ લઈ રહ્યા છે એ કારણે મૂડીરોકાણ તેમજ વેપારના ક્ષેત્રમાં ગુજરાતને વૈશ્વિક મંચ જેવું સ્થાન મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો જે કોલ આપેલો છે તેને સુસંગત આ વર્ષના વાઈબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇમાં યોજાનારા રોડ-શોને લઇને અખાત ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.