ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદા આજે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સૌજન્ય મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ પણ આપી છે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દાદા ભગવાનની બુક આપી હતી.
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે PM મોદીને સીમંધર સ્વામીની મૂર્તિ આપી હતી. આમ મુખ્યમંત્રીની ઓફિસથી લઈ વડાપ્રધાનની ઓફિસમાં સીમંધર સ્વામી બિરાજમાન થઈ ગયા છે.
માંડવિયાથી લઈ રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન તથા ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ સોમવાર રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં સીમંધર સ્વામીની મૂર્તિ સ્થાપિત કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ પહેલા સીમંધર સ્વામી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું. ત્યાર બાદ શપથગ્રહણ કરીને તેઓએ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે શ્રદ્ધાપૂર્વક દાદા ભગવાન-સીમંધર સ્વામીની મૂર્તિને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.
દાદા ભગવાન પંથમાં 'મહાત્મા'નો દરજ્જો ધરાવે છે નવા CM
દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે જેઓ વર્ષોથી સંકળાયેલા હોય તેમજ કેટલીક ચોક્કસ મહત્ત્વપૂર્ણ જ્ઞાનવિધિ મેળવી હોય તેને મહાત્માનો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત સીમંધર સ્વામીની પ્રતિમાને માનસિક રુપે હંમેશા માથે રાખીને તેમના નિયમોનું પાલન કરવું પણ મહાત્માઓ માટે જરૂરી છે. દાદા ભગવાન ફાઉન્ડેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્રભાઈ વર્ષો પહેલાં જ મહાત્માનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કોઈને પણ ખોટું ન લાગે તેવા આચાર-વિચારના વર્તન અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
સીમંધર સિટીમાં પણ ભૂપેન્દ્રભાઈનું છે એક નિવાસ
અડાલજ ત્રિમંદિરના સાંનિધ્યમાં સંસ્થાની સીમંધર સિટી આવેલી છે. આ સીમંધર સિટીમાં સંસ્થાના અંતેવાસીઓ તેમજ આપ્તપુત્રો તથા મહાત્મા સત્સંગીઓના નિવાસસ્થાન આવેલા છે. ચોક્કસ રકમનું યોગદાન આપીને અહીં ઘર તથા જમીન ઉપયોગ માટે મેળવી શકાય છે. આ સુવિધા ફક્ત મહાત્મા તથા તેથી ઉંચો દરજ્જો ધરાવનારાને જ મળે છે. ભૂપેન્દ્રભાઈ પણ સીમંધર સિટીમાં નિવાસ ધરાવે છે અને શાંતિની શોધમાં અવારનવાર ત્યાં જઈને ત્રણ-ચાર દિવસ રોકાય પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.