મોર્નિંગ ન્યૂઝ બ્રીફકોંગ્રેસના ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ:CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી લોન્ચ કરી, આજે શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે રવિવાર, તારીખ 11 સપ્ટેમ્બર, ભાદરવા વદ એકમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે જંગ, બંને ટીમોએ ભારતને રેસમાંથી બહાર કર્યું હતું
2) આજે અમિત શાહ સાયન્સ સિટી ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવના સમાપન સમારોહમાં હાજરી આપશે
3) આજે ભાજપ યુવા મોરચો દિગ્વિજય યુવા દિવસ ઉજવશે, અમદાવાદ યુનિવર્સિટીના સેનેટ હોલમાં કાર્યક્રમમાં CM હાજરી આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો, જગદીશ ઠાકોરે કહ્યું, મોંઘવારીના વિરોધમાં બંધ, વેપારીઓને દુકાનો બંધ નહીં કરવા ભાજપે ધમકીઓ આપી
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બનીને શનિવારે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. સવારે 8થી બપોરના 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધનું એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત કરાઈ હતી. ઠાકોરે કહ્યું, મોંઘવારીના વિરોધમાં આજે બંધનું આયોજન હતું, વેપારીઓને દુકાનો બંધ નહીં કરવા ભાજપે ધમકીઓ આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) ભારત રિસર્ચ-ઇનોવેશનનું વૈશ્વિક કેન્દ્ર બનશે- PM, મોદીએ સાયન્સ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું; કહ્યું- દેશના ઈન્ડેક્સ રેન્કિંગમાં પણ સુધારો થઈ રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદમાં સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે જ્યારે આપણે જ્ઞાન અને વિજ્ઞાનથી પરિચિત થઈએ છીએ, ત્યારે જગતની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. ઉકેલ અને ઈનોવેશનનો આધાર વિજ્ઞાન છે. આ પ્રેરણાથી આજનું નવુ ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનની સાથે જ જય સંશોધનના આહ્વાન સાથે આગળ વધી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતની પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી લોન્ચ; ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અજય દેવગણ સહિતનાએ 1022 કરોડના MOU કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટિક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું. તો રાજ્યમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના 1022 કરોડના MOU કરાયા છે. જેમાં અજય દેવગણે પણ ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) સુખરામ રાઠવાએ કહ્યું, હું તો ચૂંટણી લડવાનો જ છું, રાજકારણમાં કોઈને ઘડપણ નડતું નથી; છોટા ઉદેપુરની ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ
ચૂંટણી તો લડવાનો જ છું, રાજકારણમાં ચૂંટણી લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી અને હું ઘરડો પણ નથી થયો. આ શબ્દો કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાના છે, જેમનો એક વીડિયો વાઈરલ થયો હતો, કે તેઓ ચૂંટણી લડવાના નથી. તેઓએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી આ અફવા છે અને ચૂંટણી તો હું ચોક્કસ લડીશ તેમ જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદ સહિત રાજ્યમાં કડાકાભડાકા સાથે વરસાદ, ભારે પવન સાથે બપોર બાદ અચાનક રાત જેવું અંધારું છવાયું
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાંક ઠેકાણે ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે શનિવારે બપોર બાદ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. જોતજોતાંમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળાં ડિબાંગ વાદળ છવાઈ જતાં અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો હાઈવે પર પસાર થતા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.
વાંચો સમાચાર વિગતવાર

6) ભાદરવી પૂનમનો મહામેળામાં અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, બોલ માડી અંબે જય જય અંબેના નાદથી 'ગોલ્ડન ટેમ્પલ' ગુંજ્યું
અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આજના દિવસે મા અંબાના મંદિરે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા કરી પવિત્ર ભાદરવી પૂનમે માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. આજે ભાદરવી પૂનમના દિવસે મંગળા આરતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે, જેને લઈને અંબાજીમાં આજે ભાદરવી પૂનમની મંગળા આરતી વહેલી સવારે 5 વાગ્યે કરાઈ હતી. અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા માતાજીની આરતી કરાતી હોય છે.
વાંચો સમાચાર વિગતવાર

7) રાહુલ ગાંધીની હાજરીમાં તમિલ પાદરીનું વિવાદિત નિવેદન, કહ્યું- ઈસુ જ સાચા ભગવાન છે, તેઓ મનુષ્યની જેમ દેખાય છે; તે ભગવાન જેવી નિરાકાર શક્તિ નથી
તમિલ પાદરી જ્યોર્જ પોનૈયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઇસુ ખ્રિસ્તને સાચા ભગવાન તરીકે વર્ણવતા, હિંદુ ધર્મમાં પૂજવામાં આવતી નિરાકાર શક્તિને ભગવાન તરીકે સ્વીકારવાની ના પાડી છે. પોન્નૈયાએ કહ્યું કે ભગવાન પોતાને વાસ્તવિક માનવ તરીકે રજૂ કરે છે...શક્તિના સ્વરૂપમાં નહીં... માટે આપણે ભગવાનને એક વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પ્રથમ રાષ્ટ્ર સંબોધનમાં કિંગ ચાર્લ્સ મહારાણીને યાદ કરી કહ્યું- ડાર્લિંગ મમ્મા, તમે મારા માટે પ્રેરણારૂપ હતાં, હું તમારી જેમ જ પ્રેમથી લોકોની સેવા કરીશ
2) આસામના CMની સૂરક્ષામાં ચૂક,સીએમની સામે સ્ટેજ પર માઈક તોડવાનો પ્રયાસ,હુમલો કરનાર TRSનો કાર્યકર
3) ખાલિસ્તાનીઓની અલગ દેશની માગ, કેનેડાના બ્રેમ્પટન શહેરમાં માહોલ ગરમાયો, શીખો ખાલિસ્તાની ધ્વજ સાથે રસ્તા પર નીકળી પડ્યા
4) સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવમાં PM મોદીએ કહ્યું, વિદ્યાર્થીઓને માતૃભાષામાં વિજ્ઞાનની સમજ આપવી જોઈએ
5) વડોદરાના માંજલપુરમાં ગણેશ વિસર્જનમાં પોલીસે DJ બંધ કરાવતા મામલો બિચક્યો, PIને ધક્કે ચઢાવતા લાઠીચાર્જથી દોડધામ મચી
6) કોરોનાકાળ બાદ 8 ફિલ્મ રિલીઝ થઈ, 'બ્રહ્માસ્ત્ર' પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, બોક્સ ઓફિસ પર 75 કરોડનો વકરો
7) બનાસકાંઠાના પરિવારનો રાજસ્થાનમાં અકસ્માતમાં ચારનાં મોત; બાડમેરથી પરિવાર પરત ફરી રહ્યો હતો, 8 વર્ષના બાળકની હાલત ગંભીર

આજનો ઈતિહાસ
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001નાં રોજ રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે બે બોઈંગ પ્લેન અથડાયા હતા જેમાં 93 દેશના લગભગ 3000 લોકો માર્યા ગયા હતા.

આજનો સુવિચાર
સારા શબ્દોના પ્રયોગથી ખરાબ લોકોનું દિલ પણ જીતી શકાય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...