મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજના ‘ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન'નું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. આ પ્રસંગે ડાયરેક્ટર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન કે.એસ.વસાવા, LDCE એલ્યુમની એસોસિયેશનના પ્રેસિડેન્ટ દિપેશ શાહ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને કૉલેજના એલ્યુમની ઉપસ્થિત રહ્યા હતા.
એલ.ડી. કૉલેજ વિશે મુ્ખ્યમંત્રીએ શું કહ્યું?
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કૉલેજના એલ્યુમની પોતાની માતૃ સંસ્થાનાં વિકાસ કાર્યો માટે હંમેશા મદદરૂપ બનતા હોય છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75મા વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી થઈ રહી છે ત્યારે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ પણ જૂન 2023 સુધી પોતાના 75મા વર્ષની ‘LDCE@75' કાર્યક્રમ હેઠળ ઉજવણી કરી રહ્યું છે. કૉલેજના ભવિષ્યના રોડમેપ અને વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પૂરતું માર્ગદર્શન અને સહાય કરશે તેવું આશ્વાસન આપ્યું હતું. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક સ્તરની બનાવીને ઉચ્ચ સ્તરીય શિક્ષણ થકી આવનારી પેઢી સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજનું નામ એક બ્રાન્ડ બની ગયું છે’
આ પ્રસંગે સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISROના ડાયરેકટર એન.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે, એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાંથી વિદ્યાર્થીઓને ત્રણ સૌથી મહત્ત્વની બાબતો હંમેશાંથી શીખવા મળી છે. શીખવાની સ્વતંત્રતા, સવાલો પૂછવાની ક્ષમતા, સાથે કામ કરીને સાથે આગળ વધવાની ઇચ્છાશક્તિ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજનું નામ એક બ્રાન્ડ બની ગયું છે, જે દેશ વિદેશમાં ફેલાયેલા તેના એલ્યુમનીની પ્રતિભા અને તેમણે સર કરેલા સફળતાના શિખરને આભારી છે. આવનારા દિવસોમાં વધુને વધુ સારું શિક્ષણ મેળવીને વધુ એન્જિનિયર આ સંસ્થામાંથી સમાજ અને રાજ્યની સેવા માટે આગળ આવે તે માટે કૉલેજ અને રાજ્ય સરકાર કાર્યશીલ રહેશે.
‘નેશનલ એજ્યુકેશન પોલીસીને અમલી બનાવવા એલ.ડી. કૉલેજ પ્રતિબદ્ધ’
આ પ્રસંગે એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.આર.કે. ગજ્જરે જણાવ્યું હતું કે, બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજે લગભગ દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ એન્જિનિયર આપ્યા છે. આજે એલ.ડી.કૉલેજ રોબોટિક્સ, ગ્રીન એનર્જી, ઓટોમેશન, ઈલેક્ટ્રોનિક વાહનોના ક્ષેત્રે નવીન કોર્સિસ દ્વારા રિસર્ચ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન આધારિત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલીસીના નવા આયામોને અમલી બનાવીને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા માટે કૉલેજ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આ ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનના ઉદઘાટન પ્રસંગે ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન કે.એસ.વસાવા, એસ્ટ્રલ ગ્રુપના સંદીપ એન્જિનિયર, એચ.એન.સફલના, ધીરેન વોરા, LDCE એલ્યુમની એસોસિયેશનના પ્રેસિડેન્ટ દિપેશ શાહ, બી.સફલના રાજેશ બ્રહ્મભટ્ટ સહિત એલડી એન્જિનિયરિંગ કૉલેજના પ્રોફેસર વિદ્યાર્થીઓ અને એલ્યુમની ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.