તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMની મોટી જાહેરાત:અમદાવાદમાં વિકાસ કાર્યો માટે 702 કરોડની ફાળવણી, પ્રહલાદનગર, સિંધુભવન તથા ચાંદલોડીયામાં મલ્ટીલેવલ પાર્કિંગ બનશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર
  • ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના 63 કામો માટે રૂ. 355 કરોડની ફાળવણી
  • સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના 9 કામો માટે રૂ. 85 કરોડની ફાળવણી
  • 8 મહાનગર પાલિકાઓમાં આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ રૂ. 1555 કરોડ મંજૂર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના 63 કામો માટે રૂ.354.80 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ 63 કામોમાં રસ્તા રીસરફેસ તથા માઇક્રો સરફેસીંગના 22 કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના 13, પાણી પુરવઠાના 2, ફાયર સાધનો 2 તથા સોલા ગામ તળાવ ડેવલપમેન્ટનું 1 અને વિવિધ ઝોનના 21 વિકાસ કામોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 3 સ્થળે મલ્ટીલેવલ પાર્કિંગ બનશે
મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજીક આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. 85 કરોડની રકમ ફાળવી છે. આ કામો અંતર્ગત બિલ્ડીંગ, શાળા અને વોર્ડ ઓફિસના 6 કામો અને પ્રહલાદનગર, સિંધુભવન તથા ચાંદલોડીયા એમ 3 મલ્ટીલેવલ પાર્કિંગના કામો હાથ ધરાશે. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ બે રેલવે ઓવરબ્રીજ અને 1 રેલવે અંડરબ્રીજ એમ 3 કામો માટે રૂ.8 કરોડની ફાળવણી કરવાનો પણ નિર્ણય અમદાવાદ મહાનગર માટે કર્યો છે.

દાણીલીમડામાં આવેલી AMCની ઓફિસની તસવીર
દાણીલીમડામાં આવેલી AMCની ઓફિસની તસવીર

રોડ-રસ્તા, ગટરના પ્રોજેક્ટ્સ માટે 164 કરોડની ફાળવણી
તેમણે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કાર્યરત એવા રોડ-રસ્તા, પાણી, ગટર વિગેરેના પ્રોજેકટસ માટે રૂ. 164 કરોડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રસ્તા-માર્ગોના 41 કામો માટે 90 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ 2009થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આઠ મહાનગરોમાં લોકહિતના કાર્યો માટે 1555 કરોડની મંજૂરી
આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા વિકાસ કામોથી લોકહિત કાર્યોને વેગ આપી શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ કરવાનો છે. રાજ્ય સરકારે આ હેતુસર 20-21ના વર્ષમાં આઠ મહાનગરોમાં આવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યો માટે 1555 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. અમદાવાદ મહાનગર માટે રૂ. 576 કરોડ, સુરત માટે રૂ. 470 કરોડ, વડોદરા માટે 176 કરોડ, રાજકોટ માટે રૂ. 140 કરોડ તેમજ ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર માટે અનુક્રમે રૂ. 65 કરોડ, 62 કરોડ, 32 કરોડ અને 33 કરોડ એમ કુલ 1555 કરોડ રૂપિયા મંજૂર કરીને મહાનગરોને ચૂકવી દેવામાં આવેલા છે.

અમદાવાદના શિવરંજની વિસ્તારની ફાઈલ તસવીર
અમદાવાદના શિવરંજની વિસ્તારની ફાઈલ તસવીર

નગરપાલિકા-મહાનગરુપાલિકા વિસ્તારોમાં રસ્તાના કામે માટે 300 કરોડની ફાળવણી
2021-22ના આ વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 8 મહાનગરોમાં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રાજ્ય સરકારે કુલ 1699 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રસ્તાના કામો માટે 300 કરોડ રૂપિયાની જોગવાઇ થયેલી છે. આ રકમમાંથી 8 મહાનગરો માટે 200 કરોડ રૂપિયા વર્ષ 2020-21માં મંજૂર થયેલા છે તથા 2021-22 માટે પણ રૂ.200 કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે.