હાલાકી:રહીશો માટે વસ્ત્રાલ બન્યું નરક સમાન, ગંદકી, કચરો અને મચ્છરોથી છે પરેશાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર ન તો સફાઈ કરાવે છે ન તો મચ્છરોને રોકવા દવાનો છંટકાવ કરાવે છે

વસ્ત્રાલમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થવાને લીધે તળાવની જેમ રસ્તાની પડખે પાણી ભરાઇ ગયા છે. તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તંત્ર દ્વારા ન તો આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, ન તો મચ્છરોને રોકવાની દવાનો છંટકાવ કરવામાં આવે છે. પાણી ભરાઈ રહેવાને લીધે ત્યાં કચરાનો પણ ભરાવો થઈ રહ્યો છે. જેના લીધે રહીશોને ગંદકી, કચરાનો ઢગલો અને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે.

માત્ર ચૂંટણી વખતે જ લોકો મોઢું બતાવે છે પછી તેમને સ્થાનિકોની મુશ્કેલી સાથે કોઈ લેવા-દેવા હોતો નથી
વસ્ત્રાલમાં રોડ, પાણી અને ગંદકીની સમસ્યા વર્ષોથી છે. સમસ્યાઓ વધવા છતાં વહીવટદારો માત્ર ચૂંટણી વખતે મોઢું બતાવે છે. બાકીના દિવસો અમારે એમની આગળ-પાછળ ફરવું પડે છે. મોટાભાગના વિકાસ કામો બાકી હોવા છતાં કોર્પોરેટરો પોતાના ખિસ્સાે ભરતા હોય તેમ લાગે છે. તંત્રને સ્થાનિકોને થઈ રહેલી મુશ્કેલીઓની કોઈ ચિંતા નથી એવું લાગે છે. - વિનય શુકલા, રહીશ

વસ્ત્રાલ મેટ્રો રૂટ પાસેનું મેદાન બન્યું તળાવ
વસ્ત્રાલના મેટ્રો રૂટ પાસે આવેલા મેદાનમાં વરસાદ બાદ પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. ચોમાસાના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે તેમ છતાં તંત્ર દ્વારા આ પાણીનો કોઈ નિવેડો લાવવામાં નથી આવતો. આ પાણીને લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. તંત્ર દ્વારા આ પાણીનાં નિકાલ માટે કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવતી.

અન્ય સમાચારો પણ છે...