ટિકિટ ન મળતાં મનહર પટેલ નારાજ:બોટાદ બેઠક પર ટિકિટ કપાતાં ગેહલોત સાથે બંધબારણે મિટિંગ કરી, કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ

અમદાવાદ3 મહિનો પહેલા

કોંગ્રેસે પ્રવક્તા હિંમાશું પટેલને ગાંધીનગરની દક્ષિણ બેઠક પરથી ઉતાર્યા છે. ત્યારે બીજા પ્રવક્તા એવા મનહર પટેલને ટિકિટ ન મળતાં નારાજ થયા છે. બોટાદ બેઠક પર દાવેદારી કરવા છતાં ટિકિટ ન મળતાં નારાજ મનહર પટેલ અશોક ગેહલોત સમક્ષ નારાજગી ઠાલવી હતી. જોકે, ગેહલોતે દોઢ કલાક બેઠક યોજીને અંતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાતચીત કરવા માટે સૂચના આપી દીધી હતી. મનહર પટેલે નિવેદન આપ્યું હતું કે, બોટાદ બેઠક પર જનતા મને કહેશે તે મુજબ આગળ વધીશ. ટિકિટ નહીં મળે તો પણ ભાજપ કે આમ આદમી પાર્ટી સિવાયનો અન્ય કોઈપણ વિકલ્પ પસંદ કરીશ.

ટિકિટ ન મળતાં કોંગ્રેસ પ્રવક્તા નારાજ છે
વિધાનસભાની પહેલાં તબક્કાનું ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ સમી રહ્યો નથી. બોટાદથી કોંગ્રેસની ટિકિટ કપાતા નારાજ કોંગ્રેસ નેતા અને પ્રવક્તા મનહર પટેલ નારાજ થયા છે. એટલું જ નહીં, ટિકિટ કપાતા ઘૂઆપૂઆ થયેલા પટેલ સીધા અશોક ગેહલોતને મળવા દોડી ગયા હતા. તેમણે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક પણ યોજી હતી. જોકે, તેમને આશ્વાસન આપીને ફેરવિચારણાનું હૈયાધારણા આપી હતી.

વિરોધને ખાળવા ગેહલોત સક્રિય થયાં
મનહર પટેલે અગાઉ પણ ટિકિટની માગણી કરી હતી અને જે તે સમયે પણ તેમને કોંગ્રેસી આગેવાનો ટિકિટ ન આપીને સમજાવી દીધા હતા. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મનહર પટેલ તીખા તેવર બતાવી રહ્યા છે. પોતાના સમર્થક સાથે જીવરાજ પાર્ક નજીક એક પાર્ટી પ્લોટમાં બેસીને ટિકિટ માટે રણનીતિ બનાવી રહ્યા છે. મનહર પટેલની નારાજગીને ટાળવા માટે અશોક ગેહલોતે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બંધબારણે એક બેઠકનું આયોજન પણ કર્યું હતું.

અગાઉ બે વાર વિધાનસભા ચૂક્યા હતા
2002 અને 2017થી દરેક વિધાન સભામાં મનહર પટેલને ટિકિટ માટે આશ્વાસન જ આપવામાં આવ્યું હતું. દરેક વખતે અપમાન જેવું મહેસૂસ કરતા હોવાનું કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું. સર્કિટ હાઉસમાં કરવામાં આવેલી ખાનગી બેઠકમાં અશોક ગેહલોતે આશ્વાસન આપીને ફેર વિચારણા કરવાનું જણાવ્યું છે. પણ આ વખતે મનહર પટેલ ખાલી આશ્વાસનથી માને તેમ નથી. કોંગ્રેસે બોટાદ બેઠક પરથી રમેશ મેરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે ટિકિટને લઈને કોંગ્રેસમાં નવાજૂની થવાના એધાણ વર્તાઇ રહ્યા છે. કોંગ્રેસનો આંતરિક વિરોધ વધી રહ્યો છે. આગામી ચૂંટણીમાં જો તે વિરોધને શાંત નહીં કરવામાં આવે, તો આંતરિક કલેહ કોંગ્રેસ પક્ષને મોટું નુકસાન કરી શકે છે.

બોટાદ બેઠક પરથી હાલ સૌરભ પટેલ ધારાસભ્ય
બોટાદ 107 નંબરની વિધાસનભા બેઠકની પર રમેશ મેરને ઉતારાયા છે. તેઓ બોટાદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે. અહીં કુલ 2.90 હજાર મતદાર છે. જેમાં 60 હજાર કોળી પટેલ અને 45 હજાર પટેલ મતદારો છે. લઘુમતી અને ક્ષત્રિય જેવી જ્ઞાતિના મતદારો છે. આ બેઠક પર ચાર ટર્મથી ભાજપના સૌરભ પટેલ ચૂંટાઈને આવે છે અને તે ભાજપમાંથી મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. બોટાદ બેઠક પર અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે. અમદાવાદ નજીકમાં આવેલી આ વિધાન સભા બેઠકને વિકાસથી છેટું જ રહ્યું છે.

બોટાદમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
ચોમાસામાં પાણી ભરાવવું અને રોડની સમસ્યાઓ છે. સારી સ્કૂલો નથી અને આરોગ્ય સુવિધાઓનો પણ અભાવ છે. મોટાભાગના લોકો ખેતી અને હીરાઉદ્યોગના વ્યવસાય સાથે જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...