ગુજરાત યુનિવર્સિટીમાં આવતીકાલે પદવીદાન સમારોહ યોજાવવાનો છે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહેવાના છે. ત્યારે સાફ સફાઈ મુદ્દે ગુજરાત વિદ્યાપીઠ જેવી સ્થિતિ ગુજરાત યુનિવર્સિટીમાં ના થાય તે માટે યુનિવર્સિટીમાં અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર યુનિવર્સિટીમાં અત્યારે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ગંદકી કરનારને એક હજારનો દંડ ફટકારવાની નોટિસ પણ લગાવવામાં આવી છે.
યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન
ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાફ સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જાતે જ સાફ સફાઈ કરી હતી. રાજ્યપાલ માત્ર વિદ્યાપીઢના જ નહીં પરંતુ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીના કુલાધિપતિ પણ છે. પરંતુ ક્યાંય સફાઈ અભિયાન જોવા ગયા નહોતા. માત્ર તમામ યુનિવર્સિટીઓમાં સાફ સફાઈ રાખવા સૂચના આપી હતી. જોકે, આ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં પરિપત્ર આવ્યો ત્યારે અમલ ના થયો. હવે કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવવાના છે ત્યારે આજે યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગંદકી કરનારને એક હજારનો દંડ
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જ્યાં દીવાલ પર ગંદકી હતી ત્યાં કલર કરી દેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીમાં પાન મસાલા ખાઈને થુકવાની કે ગંદકી થાય તેમ કરવાની સખત મનાઈ છે. તેમ છતાં જે કોઈ પકડાશે તેની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ તાત્કાલિક વસુલવામાં આવશે અને ઘટતી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જેની યુનિવર્સિટીના કર્મચારીઓએ અને સત્તાવાળાઓએ નોંધ લેવી.
યુનિવર્સિટીનો 71મો વાર્ષિક પદવીદાન સમારોહ
ગુજરાત યુનિવર્સિટીનો 71મો વાર્ષિક પદવીદાન સમારોહ 5 જાન્યુઆરીએ યોજાશે. આ પદવીદાન સમારોહમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. ટોપર્સને મેડલ અને સ્કોલરશીપ પણ આપવામાં આવશે. પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.
65 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે
સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાય છે. પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. જેમાં 302 વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે. 65 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. અત્યાર સુધી પદવીદાન સમારોહ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાતો હતો. ત્યારે પહેલી વખત પદવીદાન સમારોહ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે
ગુજરાતી યુનિવર્સિટીના અલગ અલગ વિદ્યાશાખાના મોટા ભાગના ડીન નિવૃત્ત થઈ ચૂક્યા છે. ત્યારે ઇન્ચાર્જ ડીન દ્વારા આવતીકાલે પદવીદાન સમારોહમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે. રાજપાલ અને બે શિક્ષણમંત્રીની હાજરીમાં પદવીદાન સમારોહ યોજાશે. ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર પી.એમ પટેલે જણાવ્યું હતું કે 51000 કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં ડિગ્રી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.