રાજ્યની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી 26 જુલાઇ 2021 એટલે કે, સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે, એટલું જ નહીં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે
શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધો-9થી 11ના વર્ગો આગામી 26 જુલાઈ-2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
હવે ધો-9થી 11ના શાળા વર્ગો 26 જુલાઈથી શરૂ થશે
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધો-12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે ધો-9થી 11ના શાળા ઓફલાઇ વર્ગો પણ આગામી 26 જુલાઈથી શરૂ થશે.
CMની અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય લેવાયો
કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.