તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારી મહામંડળનો આક્ષેપ:રાત્રિ કર્ફયૂમાં એસ.ટી.ના કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ખાલી બસ પણ ડેપોએ લઈ જવા શહેરમાં પ્રવેશ નથી અપાતો

અમદાવાદ3 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી ગઈ છે. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પ્રતિબંધો હળવા કરીને ટ્રાન્સપોર્ટેશન અને ધંધા-રોજગારમાં છૂટછાટ આપી છે. જો કે અમદાવાદ સહિત રાજ્યના 36 શહેરોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત છે. આ રાત્રિ કર્ફ્યૂને કારણે એસ.ટી બસને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

હવે એસ.ટી નિગમની મોટાભાગના રૂટ પરની ટ્રીપો 50 ટકા કેપિસિટી સાથે ચાલી રહી છે, પરંતુ રાત્રિ કર્ફ્યુના કારણે લાંબા રૂટની રાત્રે ચાલતી તમામ બસોની ટ્રીપ બંધ હોવાથી એસ.ટી તંત્રને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. જેને પગલે એસ.ટી કર્મચારી મંડળે માંગ કરી છે કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે એસ.ટી બસને રાત્રિ કર્ફ્યુમાં પરવાનગી આપવામા આવે. જેથી નુકસાન અટકી શકે અને મુસાફરોને પણ સુવિધાઓ મળે.

એસ.ટી કર્મચારી મહામંડળે પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, એસ.ટી.ના કર્મચારીઓને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને ખાલી બસ પણ ડેપોએ લઈ જવા માટે પ્રવેશ આપતા નથી.

એસ.ટી કર્મચારી મહામંડળના સેક્રેટરી ધીરેન્દ્રસિંહ
એસ.ટી કર્મચારી મહામંડળના સેક્રેટરી ધીરેન્દ્રસિંહ

કર્ફ્યુમાં રાહત આપવામાં આવેઃ ધીરેન્દ્રસિંહ
એસ.ટી કર્મચારી મહામંડળના સેક્રેટરી ધીરેન્દ્રસિંહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે એસ.ટીની સુવિધાનો 25 લાખ મુસાફરોને લાભ મળે છે.અમારી માંગ છે કે હવે નિગમને થોડી આવક થાય તે માટે રાત્રિ કર્ફ્યુમાં પણ પરવાનગી મળે. રાત્રિ કર્ફ્યુમાં શહેરોમાં એસ.ટી બસને પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી અમુક રૂટની બસો પણ ઓછી ચાલે છે. જોકે હવે કોરોનાના કેસ ઓછા થયા છે તો કર્ફ્યુમાં અમને રાહત આપવામાં આવે તેવી માંગ છે.

‘10 મિનિટ મોડું થાય તો પણ પોલીસ રોકે છે’
બીજું કે અમારા કર્મચારીઓ બસ લઈને કોઈ શહેરમાં આવતા હોય અને કોઈ કારણોસર તેઓને 10 મિનિટ મોડું થાય તો પણ તેને ડેપોમાં જવા માટે પરવાનગી પોલીસ આપતી નથી. જેથી અમારા કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે. બસ ખાલી હોય અને ડેપો પર લઈ જવાની હોય છતાં પોલીસ રોકે છે એટલે આ બધી બાબતોથી મુક્તિ મળે અને એસ.ટી ફરીથી વધુ બસ સાથે દોડતી થાય તેવી અમારી આશા છે. મુસાફરોને શહેરની બહાર ઉતારી દઈએ તો તેઓને અમારી બસના ભાડા કરતા 5 ગણું ભાડું તો તેના ઘર સુધી જવા માટે ચૂકવવું પડે છે. એટલે મુસાફરો અને કર્મચારીઓ ના હિત માં સરકાર કઈ રાહત આપે એવી અમારી માંગ છે.