છેતરપિંડી:નેધરલેન્ડમાં ડોક્ટર હોવાનું કહીને ગઠિયાએ વસ્ત્રાપુરની યુવતી પાસેથી 1.38 લાખ પડાવ્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગઠિયાએ યુવતીને ડોક્ટર તરીકેનું કાર્ડ, ક્લિનિકના લાઇસન્સના ફોટા મોકલ્યા હતા
  • મેટ્રિમોનિયલ સાઇટ પરથી માહિતી મેળવી ગઠિયાએ યુવતીનો સંપર્ક કર્યો હતો

વસ્ત્રાપુરમાં રહેતી અને જજીસ બંગલા ખાતેની એક કંપનીમાં એડમિનની જોબ કરતી યુવતીએ મેટ્રિમોનિયલ સાઈટ પર મૂકેલ બાયોડેટાને આધારે ગઠિયાએ નેધરલેન્ડના ડેન્ટિસ્ટ તરીકે ઓળખ આપી યુવતી સાથે ઓનલાઈન પરિચય કેળવી તે મેડિકલના લાઈસન્સ માટે દિલ્હી આવ્યો હોવાનું જણાવી નેધરલેન્ડથી આવેલા ડોક્યુમેન્ટસના પાર્સલના ચાર્જ, જીએસટી અને ટેક્સ પેટે યુવતી પાસેથી રૂ.1.38 લાખ પડાવ્યા હતા. વસ્ત્રાપુરમાં રહેતી પાયલ(નામ બદલેલ છે.)એ મેટ્રિમોનિયલ સાઈટ પર બાયોડેટા મૂક્યો હતો. દરમિયાન 29 મે 2021ના રોજ પાયલને અજાણ્યા નંબરથી વોટસએપ કોલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ વિહાન મહેતા, નેધરલેન્ડમાં ડોક્ટર હોવાનું કહીને મેટ્રિમોનિયલ સાઈટ પરથી માહિતી મેળવ્યાનું કહીને વાત કરી હતી. ત્યારબાદ વિહાને પાયલને તેના ડેન્ટલ ક્લિનિકનું વિઝિટીંગ કાર્ડ, ડોક્ટરનું લાઈસન્સ વગેરે ડોક્યુમેન્ટસ મોકલ્યા હતા.

ત્યારબાદ વિહાન અને પાયલ રેગ્યુલર વાતો કરતા રહેતા. 31 મેએ વિહાને પાયલને તેને ઈન્ડિયામાં ક્લિનિક ખોલવા માટે લાઇસન્સ મળ્યું છે કહી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્યુમેન્ટસ મોકલી પાયલને કહ્યું કે, 7 જૂને દિલ્હીમાં એક કોન્ફરન્સ છે, જેમાં તેને આઈએમએ સેક્શન કરેલા ડોક્યુમેન્ટસ લઈને જવાનું છે. તે ડોક્યુમેન્ટસ નેધરલેન્ડ મેડિકલ યુનિ. શિપિંગથી ઈન્ડિયા મોકલશે. પરંતુ ઈન્ડિયામાં તેના કોઇ સગાં-સંબંધી કે પરિચિત નહીં હોવાથી પાયલને તેનું સરનામું, ફોન નંબર, ઈમેલ એડ્રેસ આપવા કહેતાં, પાયલે તે તમામ માહિતી વિહાનને આપી હતી.

વિહાને કહ્યું કે, થોડો ગણો ચાર્જ થશે તે હમણાં તું આપી દેજે, આપણે રૂબરૂ મળીશું ત્યારે હું તે પૈસા આપી દઈશ. જેના આધારે વિહાનનું કુરિયર આવ્યું હોવાનું કહીને ગઠિયાએ પાયલ પાસેથી ઈન્સ્યોરન્સ ફી, જીએસટી ચાર્જ પેટે કુલ રૂ.1.38 લાખ પડાવ્યા હતા. આ અંગે પાયલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાર્સલ છોડાવવાના નામે પૈસા પડાવ્યા
નેધરલેન્ડથી વિહાનનું પાર્સલ આવ્યાનું કહીને ગઠિયાએ પાયલને ઈન્સ્યોરન્સ ફી, જીએસટી પેટે રૂ.1.05 લાખ ભરવાનું કહ્યું, પાયલ આટલા બધાં પૈસા ભરવા તૈયાર ન થતા ગઠિયાએ તેને ઈન્સ્યોરન્સ ફીના 70 ટકા ડિલિવરી વખતે પાછા મળી જશે કહેતાં, પાયલે પૈસા ચૂકવ્યા હતા.

‘હું બીજા દેશમાં છું’ કહી પૈસા ભરાવડાવ્યા હતા
કુરિયર કંપનીમાંથી પાર્સલ માટે રૂ.1.05 લાખ માગતાં, પાયલે વિહાનને કહ્યું કે, મારી પાસે આટલા બધાં પૈસા નથી. વિહાને પાયલને કહ્યું કે, હમણાં હું બીજા દેશમાં છું, એટલે આટલા બધા પૈસા મારી પાસે નથી. હમણાં તુ પૈસા આપી દે હું ત્યાં આવીશ એટલે તને પૈસા આપી દઈશ.