દર્દીઓની સારવાર કોણ કરશે?:અમદાવાદ સિવિલના જુનિયર ડોક્ટર્સે HODના ઘરનું શાક ખરીદવા, પત્નીને લેવા-મૂકવા જવું પડે છે

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • મહિલા ડોક્ટરે દર્દીનાં સગાંને ગાળ ભાંડ્યા પછી કરાયેલી તપાસમાં સ્ટ્રેસનું તથ્ય ખૂલ્યું
  • રેસિડન્ટ ડોક્ટરોએ કહ્યું, વોર્ડમાં અમારી પાસે મજૂરની જેમ કામ લેવાય છે

જાણીને આશ્ચર્ય થાય કે, અમદાવાદ સિવિલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ફર્સ્ટ યર રેસિડન્ટ (જુનિયર) તરીકે ફરજ બજાવતા ડૉક્ટર્સના માથે દર્દીઓની સારવાર ઉપરાંત વિભાગના સિનિયર અને એચઓડી ડૉક્ટર્સના ઘરના શાકભાજી ખરીદવા, બેન્કમાં જવું, એચઓડી કે સિનિયરની પત્નીને લેવા-મૂકવા જવા જેવા અંગત કામો પણ કરવા પડે છે. રવિવાર સાંજે એક મહિલા રેસિડન્ટ ડૉક્ટરે દર્દીને ગાળ ભાંડી હોવાની ઘટના પછી આ ડૉક્ટરને એક અઠવાડિયા સુધી દર્દીઓ નહીં તપાસવાની સજા કરાઈ છે. સિવિલમાં 80થી વધુ યુનિટમાં 250 જેટલા જુનિયર ડોક્ટર છે.

મહિલા તબીબે એવું કહ્યું કે, સ્ટ્રેસના કારણે તેના મોઢામાંથી અપશબ્દો નીકળ્યા હતા. આ બાબતે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશનના ડૉક્ટરોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ પાસે 24 કલાક મજૂરોની જેમ વોર્ડમાં કામ કરાવાય છે. સિનિયર્સ અને એચઓડી તેમના પર્સનલ કામો કરાવે છે. વિદ્યાર્થીઓને એક પણ વીકલી ઓફ અપાતો નથી.

સિવિલમાં રોજ સરેરાશ 2500 દર્દીની ઓપીડી છે. ખાસ કરીને ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ આવે તેમની ગંભીરતાને ધ્યાને રાખી પ્રાયોરિટી અપાય છે. દર્દીની સાથે ટોળેટોળા આવી જાય છે, પણ સિક્યુરિટી તેમને રોકતી નથી. મા કાર્ડને લગતી કામગીરી કરવાની જવાબદારી રેસિડન્ટ ડોક્ટરની નથી છતાં તેમની પાસેથી કામ લેવામાં આવે છે.

કામના ભારણ ઉપરાંત ફેકલ્ટીનું પ્રેશર જુનિયર ડોક્ટરો પરનો સ્ટ્રેસ વધારે છે
વર્કલોડ અને સ્ટ્રેસના કારણે માનસિક પ્રોબલમ થાય છે. ખાસ કરીને સિવિલમાં દર્દીઓ અને ડૉક્ટરોની સંખ્યાનો રેશિયો જળવાતો ના હોવાથી વિદ્યાર્થીઓ ડ્રિપેશનમાં આવે છે. ઘણી વખત ફેકલ્ટીના પ્રેશરના કારણે પણ વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે. બી.જે.મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને માનસિક રોગ નિષ્ણાત ડૉ. માનસંગ ડોડિયા કહે છે કે, તે સિવિલમાં હતા ત્યારે ડિપ્રેશનના લક્ષણો ધરાવતા રેસિડન્ટ ડૉક્ટરો તેમની પાસે તપાસ માટે નિયમિત આવતા હતા. 24 કલાક ડ્યુટી કરવાના કારણે વિદ્યાર્થીઓનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. મેડિકલ વિદ્યાર્થીઓને માનસિક બીમાર હોવાનો ખ્યાલ હોવા છતાં સ્ટીગમાના કારણે સાઈકિયાટ્રિકને બતાવતા નથી.

જુનિયર પર વર્કલોડ, સિનિયરને છૂટો દોર
સિવિલમાં એક તરફ પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ઉપર ભારે વર્કલોડ છે ત્યારે બીજી તરફ સિનિયર ડૉક્ટરોને છૂટો દોર મળેલો છે. યુરોલોજી-2, ઓર્થોપેડિક-4, સર્જરી-4, ગાયનેકોલોજિસ્ટ-2, મેડિસિન-2, પિડિયાટ્રિશિયન-1, એનેસ્થેશિયા-3, ઈએનટી-3, સ્કિન-2 સહિતના વિભાગના પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટરો અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી છે.

પ્રાઈવેટ પ્રેક્ટિસને લીધે 50 ટકાથી વધુ સિનિયર ડૉક્ટર હાજરી પૂરતા જ નથી
સિવિલમાં સિનિયર ડૉક્ટર્સને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી હોસ્પિટલમાં ફરજ બજાવવાની હોય છે, પણ તેઓ પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાથી હોસ્પિટલ આવતા નથી. તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે, મોટાભાગના ડૉક્ટરો બાયોમેટ્રિક હાજરી પણ પૂરતા નથી. ડૉક્ટરોનો પગાર થાય ત્યારે હાજરીનું ક્યારેય ઈવેલ્યુએશન થતું નથી. છેલ્લા 10 વર્ષમાં તમામ યુનિટની સંખ્યા અને રેસિડન્ટ ડૉક્ટર્સની સંખ્યા વધી છે, પણ દર્દીની સ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી. અનિયમિત ડૉક્ટરો સામે કોઈ પગલા લેવાતા નથી.

ડોક્ટરોનો મત
સ્ટ્રેસને લીધે વર્ષે 5 ડોક્ટરો આપઘાતનો પ્રયાસ કરે છે

ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 5 ડૉક્ટર આત્મહત્યાનો પ્રયાસ કરે છે. દેશના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં કુલ 358 ડૉક્ટરોએ આત્મહત્યા કરી છે. ખાસ કરીને પીજીના વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે સાઈકોલોજીકલ સપોર્ટની ખાસ જરૂર છે. પર્યાપ્ત ઉંઘ અને જમવાનો સમય નિશ્ચિત કરવામાં આવે તો પણ મનોસ્થિતિ સુધરી શકતી હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો અને સિનિયર્સ ડૉક્ટર્સનો પોઝિટિવ સપોર્ટ મળે તો સ્ટ્રેસ દૂર થઈ શકે છે. - ડૉ. અજય ચૌહાણ, અમદાવાદ સરકારી મેન્ટલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ.

અન્ય સમાચારો પણ છે...