વાલીમંડળનો આક્ષેપ:શહેરની સ્કૂલો દર વર્ષે સ્ટેશનરી-યુનિ‌ફોર્મના કમિશન પેટે 30 કરોડની જંગી કમાણી કરે છે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
  • દરેક સ્કૂલ ચોક્કસ વિક્રેતા પાસેથી જ સ્ટેશનરી-યુનિફોર્મ ખરીદવાનાે આગ્રહ રાખે છે

વાલી મંડળે આક્ષેપ કર્યો છે કે, અમદાવાદની ખાનગી સ્કૂલો એક વર્ષમાં સ્ટેશનરી અને યુનિફોર્મના કમિશન તરીકે 30 કરોડ જેટલી જંગી કમાણી કરી છે. દરેક સ્કૂલ પોતાના નક્કી કરેલા સ્ટેશનરી વિક્રેતા પાસેથી વાલીને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખે છે. જેથી વાલીએ મજબૂરીમાં માર્કેટમાં મળતી કિંમત કરતા પણ વધારે રૂપિયા ચૂકવીને સ્ટેશનરી ખરીદવી પડે છે. સ્ટેશનરી માટે વાલીઓ પર દબાણ કરાતો હોવાનો મુદ્દો દરેક અધિકારી જાણતા હોવા છતા પણ આજ સુધી કોઇ સ્કૂલ સામે પગલાં લેવાયા નથી.

વાલી મંડળના આગેવાન અને જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ અભ્યાસ માટે બાળકો પાસેથી મોટા પ્રમાણમાં સ્ટેશનરી મગાવાઇ રહી છે. સરકારનો જી.આર હોવા છતા પણ સ્કૂલો વાલીઓ પાસેથી પ્રાઇવેટ પબ્લિકેશનની બુક્સ મગાવે છે. સ્ટેશનરીના લોકો પણ વાલીઓ માટે બુક્સ, નોટબુક, પેન્સિલ, પેન વગેરે તૈયાર જ રાખે છે. વાલીએ પોતાની પાસે બુક્સ હોવા છતા પણ પેકેજમાં હોવાથી નવી ખરીદવી પડે છે. જેટલી મોટી સ્કૂલ એટલું મોટુ કમિશન. સંચાલકો પોતાના કમિશનને એફઆરસીમાં દર્શાવતા નથી. આ મુદ્દે અમે ઇન્કમટેક્સમાં પણ રજૂઆત કરીશું અને હિસાબો તપાસવાની માગ કરીશું.

સ્કૂલોને મળતું કમિશન આ રીતે સમજો
અમદાવાદમાં 1500 જેટલી ખાનગી સ્કૂલો આવેલી છે. જેમાં 15 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો સ્કૂલ સ્ટેશનરી અને યુનિફોર્મ પર માત્ર રૂ.200નું કમિશન ગણે છે તો સ્કૂલો દર વર્ષે 30 કરોડ રૂપિયા માત્ર કમિશન તરીકે સ્કૂલો કમાણી કરે છે.

સરકારનો નિયમ માત્ર કાગળ પર રહે છે
શિક્ષણ વિભાગ કહ્યું છે કે, કોઈપણ સ્કૂલમાં ખાનગી પબ્લિકેશનની બુક્સ ભણાવાશે નહીં. બાળકોને રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની અને પાઠ્યપુસ્તક મંડળે માન્ય કરેલા પુસ્તકો જ ભણાવવા. વાલી વિરોધ કરે તો બાળકોનું ભવિષ્ય બગડશે કહી વાલીને ચુપ કરાવી દેવાય છે.

સ્કૂલને 70 ટકા સુધી કમિશન મળે છે
સ્ટેશનરીના માલિકો તરફથી મળતી માહિતી પ્રમાણે, સ્કૂલોને સ્ટેશનરી ખરીદવા અને લખીને આપવા માટે 60થી 70 ટકા સુધીનું કમિશન અપાય છે. પબ્લિકેશન જે પુસ્તકની માગ વધે તેનો ભાવ વધારી દે છે. તેથી સંચાલકો અને સ્ટેશનરી માલિકો બંનેને ફાયદો થાય છે.

અન્ય સમાચારો પણ છે...