કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ:પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા દાણીલીમડાના મહિલા કોર્પોરેટરના જનસંપર્ક કાર્યાલયનું કોંગ્રેસ શહેર પ્રમુખે જ ઉદ્ધાટન કર્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાને ગત ફેબ્રુઆરી મહિનામાં કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છતાં જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું આજે ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી અને અન્ય કોર્પોરેટરો દ્વારા ઉદઘાટન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. એકતરફ હજી સુધી કોર્પોરેટર જમનાબેન વેગડા અચોક્કસ મુદત સુધી કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ છે, ત્યારે આ રીતે ખુદ કોંગ્રેસના જ નેતાઓ દ્વારા જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત જમનાબેન વેગડાના કોંગ્રેસનો ખેસ ધારણ કરેલા ફોટો-વીડિયો પણ સામે આવ્યા છે.

પક્ષમાંથી સસ્પેન્ડ હોવા છતાં કોંગ્રેસના કોર્પોરેટરોની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ધાટન
આ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીનો સંપર્ક કરતા તેમનો ફોન બંધ આવ્યો હતો. જ્યારે અમદાવાદના પ્રભારી વિમલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જમનાબેન વેગડાનું સસ્પેન્શન હજી સુધી રદ કરવામાં આવ્યું નથી અને જમનાબેનના કાર્યાલયના ઉદ્ઘાટન અંગે મને જાણ નથી. જ્યારે જમનાબેન બેગડા જણાવ્યું હતું કે, મેં નીરવ બક્ષીને આમંત્રણ આપ્યું હતું અને તેઓ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવ્યા હતા.

જમનાબેન વેગડા પર પક્ષના ધારાસભ્ય પર તાંત્રિક વિધિ કરવાનો આક્ષેપ
દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાની ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે ઓડિયો ક્લિપ આવ્યા બાદ જમનાબેન વેગડાને કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષની ગરિમા ન જાળવતાં હોવાનું કારણ આપીને અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કાર્યાલયના ઉદ્ધાટનમાં અન્ય કોર્પોરેટરો પણ હાજર
એક તરફ કોંગ્રેસ પક્ષમાંથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજી તરફ ખુદ કોંગ્રેસના જ શહેરના પ્રમુખ નીરવ બક્ષી અને અન્ય કોર્પોરેટરો તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જાય છે જેને લઇને હાલ વિવાદ સામે આવ્યો છે. જો તેઓ કોંગ્રેસમાં નથી તો પછી શા માટે કોંગ્રેસનો ખેસ તેઓએ પોતાના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધારણ કર્યો હતો. તેમના ઉદ્ઘાટનમાં બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...