અમદાવાદ:લોકડાઉનમાં નાગરિકત્વની પ્રક્રિયા અટકી, અમદાવાદમાં પાકિસ્તાની શરણાર્થીઓ દાળ-રોટલી માટે વલખાં મારે છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતના નાગરિકત્વનો એક પણ પુરાવો નથી તેથી કોઈપણ વ્યવસ્થા મળતી નથી
  • 26 માર્ચે સાંજે કલેકટર દ્વારા અમને ફૂડપેકેટ અપાયા હતા

સ્નેહલ બંગાળી, અમદાવાદઃ કોરોના વાઈરસની ચેન તોડવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 21 દિવસના લોકડાઉનના કારણે ગુજરાતમાં અનેક ગરીબ અને શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિવારો માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જોકે આ બધાની વચ્ચે અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક પાકિસ્તાનીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. લોકડાઉનના કારણે તેમની પાસે કામ નથી અને ખાવાનું પણ નથી. ભારતીય નાગરિકત્વના કોઇ પૂરાવા ન હોવાથી સરકારની કોઇ વ્યવસ્થા પણ તેમને મળી શકે તેમ નથી. 

2014માં પહેલીવાર ભારત આવ્યા હતા
મારુ નામ અર્જુન દાફડા છે. હું સિંધ બેન્ક, કરાંચીમાં કામ કરતો હતો. મારો પૂરો પરિવાર અત્યારે પાકિસ્તાનમાં છે. અમને એવું લાગતું હતું કે ભારતમાં અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે એટલા માટે અમે પાકિસ્તાનમાં અમારા પરિવારને છોડીને અહીં રહેવા માટે આવ્યા છીએ. 9 માર્ચ 2014ના રોજ ભારતની ધરતી પર પ્રથમવાર પગ મૂક્યો હતો. હું અને મારો ભાઈ સજ્જન (સાજન) અમારી ફેમિલી સાથે અહીંયા ભાડેથી રહીએ છીએ. 
કુબેરનગરમાં ટેલરિંગનું કામ કરી ઘર ચાલતું હતું
મારા જેવા 300 લોકો પાકિસ્તાનથી આવેલા છે. અમે વાડજમાં થયેલા CAA ના કાર્યક્રમોમાં પણ ફાળો આપેલો છે. અમે ટેલરનું કામ કરીએ છીએ. અમારી પાસે ભારતના નાગરિકત્વનું એક પણ પુરાવા નથી તેથી અમને કોઈપણ વ્યવસ્થા  મળતી નથી. કુબેરનગર વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટના લોકો અમને નાનું મોટું ટેલરનું કામ આપતા હતા એટલે અમારું ઘર ચાલતું હતું પણ અત્યારે હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસના કારણે માર્કેટ બંધ છે અને અમને ખાવાની પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. 
ભારતીય નાગરિકત્વના પુરાવા ન હોવાથી રાશન નહીં મળે
બે દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, ગરીબ લોકોને અનાજ મળશે. અમારી પાસે ભારતીય નાગરિકત્વના પુરાવા ના હોવાના કારણે અમને રાશન મળી શકે તેમ નથી તેથી અમને ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ગઈકાલે એટલે 26 માર્ચના રોજ સાંજે કલેકટર દ્વારા અમને ફૂડપેકેટ અપાયા હતા. અમને અમારા બાળકો પ્રશ્નો કરે છે કે અમને આવી બધી વ્યવસ્થાઓ કેમ નથી મળતી ? તેથી અમે તેમને કહીયે છીએ કે બધું હેમખેમ થઈ જશે. હવે અમે ભગવાનના ભરોસે છીએ. 

અન્ય સમાચારો પણ છે...