1અમદાવાદના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં કોઈ સુધારા-વધારા અથવા તો નામમાં ફેરફાર કરવા માટે AMCના ટેક્સ વિભાગ દ્વારા આજે 4 માર્ચથી શહેરની તમામ ઝોનલ ઓફિસ ખાતે ટેક્સ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં આજે 2329 જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી 1400થી વધુ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં 2300થી વધુ અરજીઓ મળી
આજે યોજાયેલા પ્રોપર્ટી ટેક્સના સેવાસેતુ કાર્યક્રમમાં કુલ 2329 જેટલી અરજીઓ આવી હતી. જેમાં 1430 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે 899 અરજીઓના નિકાલ અંગે કાર્યવાહી પ્રોસેસમાં છે. સૌથી વધુ અરજીઓ પ્રોપર્ટી ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટેની આવી હતી. કુલ 899 જેટલી અરજીઓ હતી તેમાંથી 793નો નિકાલ કરી દેવામાં આવ્યો છે. નવી આકારણી, ટેક્ષ ઘટાડાની, કબ્જેદાર ટ્રાન્સફર, નામ ટ્રાન્સફર, ખાલી-બંધ, ડુપ્લીકેટ બિલ, ટેક્સ જનરલ અને પ્રોફેશનલ ટેક્સ એમ અલગ અલગ અરજીઓ આવી હતી. સૌથી વધુ પૂર્વ ઝોનમાંથી 411 અરજીઓ આવી હતી.
પશ્ચિમ ઝોનના કાઉન્સિલરોએ કાર્યક્રમની મુલાકાત લીધી
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે આ અંગે જણાવ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સના બિલમાં નામમાં ભૂલ, સ્પેલિંગમાં ભૂલ, નામ ઉમેરવું કે બદલવું જેવા અનેક સુધારા વધારા સામે આવતા હોય છે. નાગરિકોને આવા સુધારા વધારા માટે ધક્કા ખાવા ન પડે તેના માટે આજે તમામ સાતેય ઝોનમાં આવેલી ઝોનલ ઓફિસમાં ટેક્સ વિભાગમાં પ્રોપર્ટી ટેક્સ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનની વોર્ડ ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા અને તમામ પશ્ચિમ ઝોનના કાઉન્સિલરોએ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
અરજદારનો પ્રશ્ન હોય તો સ્થળ પર નિકાલ કરાય છે
જે અરજદારનો પ્રશ્ન હોય તેને સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે અને સ્થળ તપાસની જરૂર હોય એમ વધુમાં વધુ બે દિવસમાં તેનો નિકાલ કરવા જણાવ્યું છે. સવારથી તમામ ઝોનલ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અડધા કલાકમાં 10થી વધુ અરજીઓનો નિકાલ થયો છે.ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની વોર્ડ ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ, ડેપ્યુટી ચેરમેન પ્રદિપ દવે અને પશ્ચિમ ઝોનના તમામ કાઉન્સિલરોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.