તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેખૌફ બનેલા લૂંટારૂ:લૂંટની ઘટનાઓ વધતાં સાણંદ, બોપલ, શેલા ના નાગરીકોમાં પોલીસની કામગીરી સામે રોષ, PIની બદલીઓ થવા છતાં સ્થિતિ જૈસે થે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાણંદ આસપાસના વિસ્તારોમાં નાના મોટા ચોરી અને લૂંટના બનાવ બને છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધાતી નથી.
  • ચોરી અને લૂંટ વધતા જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક પીઆઇઓની આંતરિક બદલીઓ કરી
  • અમદાવાદ જિલ્લામાં પોલીસની કામગીરી અત્યંત નબળી રહી

અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ચોરી અને લૂંટના બનાવો બનતા જિલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. બોપલ અને શેલા વિસ્તારમાં તસ્કર ટોળકીઓ બંગ્લોઝમાં ઘૂસી પરિવારને હથિયાર બતાવી લૂંટ કરવા લાગી છે. હવે રોડ પર ચાલતા કે વાહન પર જતાં લોકો પણ સુરક્ષિત રહ્યા નથી. સાણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોને રોકી હથિયાર બતાવી લૂંટના બે કિસ્સા બનતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. સાણંદ, બોપલ, શેલા, સનાથલ રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પોલીસની કામગીરીથી રોષમાં છે. જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે લૂંટ અને ચોરીના કિસ્સા વધતા બદલીઓ કરી છે.

સુરેન્દ્રનગરનો ડમ્પર ચાલક લૂંટાયો
બે દિવસ પહેલા સાણંદ બાવળા બાયપાસ રોડ સુરેન્દ્રનગરના ડમ્પર ચાલક પાસેથી બાઈક પર આવેલ બે અજાણ્યા ઈસમોએ આઠ હજારની રોકડ અને મોબાઇલ લૂંટ્યો હતો. જ્યારે સાણંદના ઘોડાગાડી પાસે નોકરી કરવા ચાલતા જતા ઇસમનો મોબાઈલ લૂંટીને બાઈક પર આવેલ અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયાં હતાં.લુંટની ઘટનાઓ બનતા સમગ્ર સાણંદમાં ચકચાર મચી જવા પામી છે.

આર્કસ સ્કાય સીટી બંગલોઝમાં 1.80 લાખની લૂંટ થઈ હતી
આર્કસ સ્કાય સીટી બંગલોઝમાં 1.80 લાખની લૂંટ થઈ હતી

બોપલમાં બંગ્લોઝમાંથી 1.80 લાખના દાગીનાની લૂંટ
પહેલી ઓગસ્ટે બોપલ - શેલા ગામની સીમમાં આવેલા આર્કસ સ્કાય સીટી બંગલોઝમાં રહેતા એચ.એન.સફલ કંપનીના સીએ મનોજભાઈ અગ્રવાલના બંગલામાં દિલધડક લૂંટની ઘટના બની હતી. બંગલાની બારી તોડીને ઘુસી આવેલા 4 હાઈફાઈ ચોરે દંપતીને ધમકાવીને શરીર ઉપર પહેરેલા રૂ.1.80 લાખના દાગીના અને લેપટોપ પણ લૂંટી ગયા હતા. ચારેય ચોર બરમુડા - ટ્રેક - ટી શર્ટ - સ્માર્ટ વોચ અને મોંઘા માસ્ક પહેરીને આવ્યા હતા. આ દરમિયાન અન્ય 3 યુવકો નીચે ઊભા રહીને ધ્યાન રાખતા હતા.

બોપલ - ઘુમાના ઈસ્કોન ગ્રીન બંગલોઝમાં 30 લાખની લૂંટ
પહેલી ઓગસ્ટે બોપલ-ઘુમાના એક વૈભવી બંગલામાં મોડી રાત્રે ઘૂસેલા લુટારુઓએ દંપતીને બંધક બનાવી સશસ્ત્ર હુમલો કરી રૂ.30 લાખની લૂંટ ચલાવી હતી. દંપતીને બેડરૂમમાં અડધો કલાક પૂરી રાખી, ચપ્પા-લોખંડના રોડ વડે હુમલો કરી શરીર પરના દાગીના અને પૈસા, તિજોરીમાંથી દાગીના, 3 મોબાઈલ, આઈપેડ, બીએમડબલ્યુ કાર અને ઘરની ચાવી લૂંટી ગયા હતા. દંપતીએ લૂંટારુઓને માર નહીં મારવા વિનંતી કરી હોવા છતાં તેમણે દંપતી પર હુમલો કરીને લૂંટ ચલાવી હતી.

ઈસ્કોન ગ્રીન બંગલોઝમાં 30 લાખની લૂંટ થઈ હતી
ઈસ્કોન ગ્રીન બંગલોઝમાં 30 લાખની લૂંટ થઈ હતી

લૂંટના કિસ્સામાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો
બોપલ, ઘુમા, શેલા, સાણંદ અને આસપાસના વિસ્તારોમાં નવી રહેણાંક સ્કીમો બની છે. નાના મોટા ચોરી અને લૂંટના બનાવ બને છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધાતી નથી. જિલ્લામાં હાઇવે અને કેટલોક અંતરિયાળ વિસ્તાર આવે છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ અને ગ્રામ રક્ષક દળ વધારી અને સુરક્ષા વધુ મજબૂત કરવાની હોય છે પરંતુ બે લૂંટના કિસ્સા બાદ પણ જિલ્લા પોલીસ નબળી પુરવાર થઈ છે. અમદાવાદ જિલ્લા LCB અને SOGની ટીમોની કામગીરી અત્યંત નબળી રહી છે. ચોરી અને લૂંટ વધતા જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક પીઆઇઓની આંતરિક બદલીઓ કરી છે. છતાં લૂંટના કિસ્સામાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...