ભાસ્કર બ્રેકિંગ:ચૂંટણીમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર CID નજર રાખશે, 34 સેન્ટર રાજ્યના દરેક જિલ્લા પર નજર રાખશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતની ચૂંટણીમાં પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ વધારશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસે વિવિધ સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવાની તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી આ વખતે પોલીસે પણ ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. પછી તે સોશિયલ મીડિયા સર્વેલન્સ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ. પોલીસ નથી ઈચ્છતી કે ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો ઉપદ્રવ થાય. પરંપરાગત પેટ્રોલિંગ અને સર્વેલન્સની સાથે આ વખતે પોલીસે 34 કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી નજર રાખવાની તૈયારી કરી છે. તેને માઇક્રો સર્વેલન્સ પણ કહેવાય છે.

આ માટે દરેક જિલ્લામાં એક કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે, જે રાજ્યના મુખ્ય કેન્દ્ર સાથે જોડાયેલું રહેશે. એટલું જ નહીં, રાજ્ય પોલીસ પાડોશી રાજ્યોના એક્સાઇઝ, પોલીસ, આઇટી, જીએસટી જેવા વિભાગો પાસેથી પણ ડેટા ભેગો કરી રહી છે. તેની મદદથી પણ સર્વેલન્સનો વ્યાપ વધારાશે અને સંભવિત ગુનેગારો પર નજર રખાશે. આ ઉપરાંત પોલીસ ઇન્ટરપોલની મદદથી રાજ્યના નામચીન બુટલેગરો અને ભાગી ગયેલા કેદીઓને પણ પકડી રહી છે. પોલીસનું માનવું છે કે ચૂંટણી પહેલાં રોકડ અને દારૂની હેરાફેરી વધી જાય છે. ગયા વર્ષે આશરે દસ લાખ લિટર દારૂ જપ્ત કરાયો હતો.

આ ઉપરાંત આશરે રૂ. 3.5 કરોડ રોકડ પણ ઝડપાઇ હતી. તેને ધ્યાનમાં રાખીને રાજ્યની સરહદોએ પણ સુરક્ષા વધારી દેવાઇ છે.એઆઈ કેમેરા વડે માસ ટ્રાન્સપોર્ટ બેઝ પર નજર રખાશે એડિશનલ જનરલ ઑફ પોલીસ (લૉ એન્ડ ઓર્ડર) નરસિમ્હા કોમારે કહ્યું કે, અમે ચૂંટણી પહેલાં સંપૂર્ણ તૈયારી પૂરી કરી દઇશું. સ્થાનિક પોલીસ ઉપરાંત સીઆરપીએફ, બીએસએફની પણ મદદ લેવાશે.

ચૂંટણીમાં કોઈ ગરબડ ના થાય તે માટે અમે પરંપરાગત પદ્ધતિની સાથે આઈટીના ઉપયોગ પર વધુ ભાર મૂક્યો છે. જેમાં પોલીસકર્મીઓ માટે બોડી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ, સોશિયલ મીડિયા સર્વેલન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરેની મદદ પણ લીધી છે. માસ ટ્રાન્સપોર્ટ સ્થળે પણ કેમેરાની મદદથી નજર રખાઈ રહી છે. અમારી પાસે સર્વર પર વૉન્ટેડ ગુનેગારોની માહિતી છે. જો તેમાંથી કોઈ કેમેરાની હદમાંથી પસાર થાય તો અમને તેની જાણ થઈ જાય છે.

60 હજાર હથિયાર માલિકોની સ્ક્રૂટીની થશે, દરેક જિલ્લામાં સ્ક્રૂટિની સમિતિ રચાઇ
રાજ્યમાં લગભગ 60,000 લોકોને પોલીસ દ્વારા બંદૂક રાખવાની મંજૂરી છે. ચૂંટણીની તારીખ નક્કી થતાં જ આ તમામ લોકોને પોલીસ સ્ક્રૂટિની માટે બોલાવાશે. સ્ક્રૂટિની બાદ નક્કી કરાશે કે તેમણે બંદૂક રાખવી જોઈએ કે નહીં. આ સ્ક્રૂટિની સમિતિની રચના કરી દેવાઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આ લોકોને બોલાવાશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 51,000 લોકોએ તેમની બંદૂકો સરન્ડર કરી દીધી હતી. જોકે સમિતિ દ્વારા લગભગ નવ હજાર લોકોને બંદૂક રાખવાની મંજૂરી અપાઈ હતી.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, દીવ-દમણની એક્સાઇઝ ટીમ સાથે બેઠકો યોજાઇ
ગુજરાત પોલીસે ગયા સપ્તાહે જ પાડોશી રાજ્યોની એક્સાઇઝ ટીમો સાથે પણ બેઠક કરી છે, જેમાં ગેરકાયદે રીતે ગુજરાતમાં આવતા દારૂને રોકવાની તૈયારી પર પણ ચર્ચા શરૂ થઇ છે. તે અંતર્ગત એક્સાઇઝ વિભાગ ગુજરાત પોલીસને વિવિધ ડેટા આપશે. તેનાથી ગુનેગારો પર નજર રખાશે. આ ઉપરાંત રાજ્યની સરહદો પર કુલ 130 ચેકપોસ્ટ પણ બનાવાશે, જેથી રાજ્યમાં આવતા દારૂ અને રોકડને પણ ઝડપી શકાશે.

કમાન્ડ કંટ્રોલ સેન્ટર જીપીએસથી દરેક પોલીસ વાહન પર નજર રખાશે
પોલીસે દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે, જેને તમામને જોડતું એક સ્ટેટ કંટ્રોલ સેન્ટર પણ બનાવ્યું છે. જેથી કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પરથી પોલીસના દરેક વાહન પર જીપીએસ ટ્રેકિંગની મદદથી નજર રખાશે. જેથી કોઈ પણ ફરિયાદ પછી પોલીસને ઝડપથી જે તે સ્થળે મોકલી શકાય. આ ઉપરાંત પોલીસને બોડી કેમેરા પણ આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...