અમદાવાદીઓ તમારુ પાણી દુષિત આવતું હોય તો ચેતજો. શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઉલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા જેવા કેસો પણ નોંધાયા છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કોલેરાની માહિતી છુપાવી રહી છે. આટલા મોટી સંખ્યામાં કોલેરાના કેસો નોંધાયા છતાં આરોગ્ય વિભાગે શહેરીજનોને આ બાબતથી અજાણ રાખી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો નથી. રાજય સરકારનું આરોગ્ય વિભાગ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પર કોઈ નિયંત્રણ કે મોનીટરીંગ ન રાખતું હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે.
છેલ્લા 7 મહિનામાં 59 જેટલા કેસો નોંધાયા
રાજયમાં ગત મહિને ગાંધીનગર જિલ્લામાં કલોલ અને આસપાસના વિસ્તારોમાં તેમજ નડિયાદમાં કોલેરાના કેસો સામે આવતાં હાહાકાર મચી ગયો હતો.ગાંધીનગરના કલોલ અને નડિયાદમાં કોલેરાગ્રસ્ત શહેર જાહેર કરવાની ફરજ પડી હતી. જિલ્લાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લઈ ટેસ્ટીગ માટે મોકલ્યાં હતા. અમદાવાદ શહેરમાં પણ કોલેરાના કેસો સામે આવ્યા છે. છેલ્લા 7 મહિનામાં 59 જેટલા કેસો નોંધાયાની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આપી છે. જો કે કયા મહિનામાં કેટલા કેસો છે. તેની માહિતી આરોગ્ય વિભાગના અધિકારીએ છુપાવી છે. જ્યારે કોલેરાના કેસો સામે આવે ત્યારે વિસ્તારમાં સેમ્પલ લઈ ચેકિંગ કરી અને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો પડે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબત છુપાવી દીધી હોવાનું સ્પષ્ટ જણાય છે.
સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં કેસો નોંધાયા
મળતી માહિતી મુજબ શહેરમાં સાત મહિનામાં જે 59 કેસો નોંધાયા છે. તેમા સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં કેસો નોંધાયા છે. જેમાં લાંભામાં 24, મણિનગર 12, બહેરામપુરા 7, વટવા 5, દાણીલીમડા 3, અમરાઈવાડી, રામોલ અને હાથીજણ 2, ઈસનપુર, ભાઇપુરા, સાબરમતી અને વાસણામાં એક એક કેસ નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં કેસો છતાં આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા ક્યાં મહિનામાં કેટલા કેસ કોલેરાના નોંધાયા છે તેની માહિતી કેમ છુપાવવામાં આવી રહી છે ? અમદાવાદમાં આટલા કોલેરાના કેસો નોંધાયા તેની રાજય સરકારને માહિતી હતી કે કેમ તેની જાણ હતી ? જો જાણ હતી તો કેમ અમદાવાદના નાગરિકોને આ બાબતથી અજાણ રાખવામાં આવ્યા?
અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના 121 કેસ
ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં ખૂબ વધારો થયો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં 7 સાત જ દિવસમાં ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. મચ્છરજન્ય રોગોમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળ અને ટાઇફોઇડના કેસો વધુ અમદાવાદમાં ગોતા, જગતપુર ઉપરાંત કોટ અને મધ્ય ઝોનના વિસ્તારમાં સામે આવ્યા છે.
અઠવાડિયામાં પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું
ચાલુ વર્ષે ઓગસ્ટ માસના પહેલા 7 દિવસ દરમિયાન પાણીજન્ય રોગોમાં ઝાડા- ઉલ્ટીના 121, કમળાના 28 અને ટાઈફોઈડના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયાના 15 કેસો, ઝેરી મેલેરિયાના 02, ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાના 5 કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 382 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી 170 સાઈટને નોટિસ આપી હતી. તેમજ રૂ. 4.98 લાખનો દંડ વસુલ કર્યો હતો. 158 એજ્યુકેશનલ એકમો ચેક કર્યા હતા. જ્યારે 248 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ એકમોને ચેક કરી 70 નોટિસ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.