શિક્ષણ:ચિન્મય વિશ્વવિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર્સમાં ડિગ્રીની તક, સંગીતમાં સર્ટિફિકેટ સાથે કરિયર બનાવવાની પણ તક

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ કરતા ચિન્મય વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ - Divya Bhaskar
શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ કરતા ચિન્મય વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ
  • શાસ્ત્રીય ગાયન, બાંસુરી અને તબલાવાદનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી શકાય એવા કોર્સ કાર્યરત

કોરોનાની બીજી લહેર વખતે ઘણા એવા કિસ્સા જોવા મળ્યા જ્યાં સંગીતના માધ્યમથી દર્દીઓને માનસિક રાહત આપી ખુશ રાખવાના, કોઈ સંગીતવાદ્ય વગાડીને તેમની એકલતા દૂર કરવાના અને ભયાનક બીમારી સામે લડવાની પ્રેરણા આપવાના સફળ પ્રયાસો થયા હોય. આમ પણ સંગીતનો થેરાપી તરીકે પ્રયોગ થતો આવ્યો છે. તે એક વિદ્યા જ તો છે, વિજ્ઞાન પણ છે. બીજા વિષયોની જેમ એમાં પણ સફળ કારકિર્દી બનાવી શકાય છે અને હવે યુવાનો સંગીત ક્ષેત્રમાં કરિયર બનાવવા વિશે ગંભીરતાથી વિચારવા લાગ્યા છે.

ચિન્યમ વિશ્વવિદ્યાપીઠમાં સંગીતનો સર્ટિફાઈડ કોર્સ
જોકે એમાં ડિગ્રી પણ મળે અને સ્ટેજ પરફોર્મર પણ બની શકાય એ બંને સાથે નથી બનતું કારણ કે આજે એવાં ગુરુકુળો છે જ્યાં રહીને સંગીતકળા શીખી શકાય છે પણ તેનું કોઈ ડિગ્રી સર્ટિફિકેટ નથી મળતું અને બીજી બાજુ, યુનિવર્સિટીમાં સંગીતના અભ્યાસક્રમો ભણીને ડિગ્રી સર્ટિફિકેટ મેળવી શકાય છે પણ ફક્ત તેનાથી પરફોર્મર નથી બની જવાતું. આ ખામીઓને દૂર કરવા ચિન્મય વિશ્વવિદ્યાપીઠે એવા અભ્યાસક્રમ ઘડ્યા છે જેમાં ડિગ્રી સર્ટિફિકેટ પણ મળે છે અને ગુરુના સાંનિધ્યમાં રહીને સંગીતકલામાં પારંગત થઈ શકાય છે. આમ આનો સંગીતજગતને અને વિદ્યાર્થીઓ બંનેને ફાયદો છે.

શાસ્ત્રીય સંગીત, તબલાવાદનમાં માસ્ટર્સ ડિગ્રી
વિશ્વભરમાં 350થી વધુ કેન્દ્રો દ્વારા સમાજની આધ્યાત્મિક-સાંસ્કૃતિક ઉન્નતિ થાય એ માટે સાત દાયકાથી કાર્યરત ચિન્મય મિશન શિક્ષણના ક્ષેત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. સંસ્થાએ ભારતીય સંગીત અને જ્ઞાનના પ્રસાર માટે પૂનાથી 40 કિલોમીટર દૂર કોલવણ ખાતે આવેલા ચિન્મય નાદ બિંદુ ગુરુકુળની સ્થાપના કરી છે. દિવંગત સંગીતમાર્તંડ પંડિત જસરાજે આ ગુરુકુળનું 2011માં ઉદ્ઘાટન કર્યું ત્યારથી આ ગુરુકુળ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં સુંદર યોગદાન આપી રહ્યું છે. હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયન, બાંસુરી અને તબલાવાદનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી શકાય એવા કોર્સીસ અહીં છેલ્લાં અગિયાર વર્ષથી ચાલે છે. ચિન્મય વિભૂતિ પરિસરમાં આવેલું આ ગુરુકુળ સહ્યાદ્રી પર્વતમાળા અને પ્રકૃતિની ગોદમાં નાદબ્રહ્મ સાથે એકાકાર થવાની તક આપે છે.

ચિન્મય વિશ્વવિદ્યાલયમાં સંગીતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
ચિન્મય વિશ્વવિદ્યાલયમાં સંગીતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

શાસ્ત્રીય સંગીતના મહારથીઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ
હાલમાં અહીં ગાયન માટે પદ્મશ્રી ઉલ્લાસ કશાલકરનાં શિષ્યા વિદુષી મંજૂષા પાટિલ, બાંસુરીવાદન માટે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય પંડિત રૂપક કુલકર્ણી અને તબલાં વાદન માટે પંડિત જ્ઞાનપ્રકાશ ઘોષના શિષ્ય પંડિત અભિજિત બેનરજી વિદ્યાર્થીઓને કેળવી રહ્યા છે. અત્યંત વિખ્યાત સંગીતગુરુઓના શિષ્યો અહીં વિદ્યાર્થીની સતત સાથે રહીને તેમને માર્ગદર્શન આપે છે. અહીં રહીને શીખવાનો ફાયદો એ છે કે ગુરુની સંગતમાં રહીને જ શિષ્ય વધુ શીખી શકે છે અને આ ગુરુકુળ પરંપરા ખરેખર અસરકારક પુરવાર થઈ છે કારણ કે સંગીત “ગુરુમુખી વિદ્યા” છે જે ગુરુ કે શિક્ષકના સાનિધ્યમાં, સામે બેસીને જ શીખી શકાય છે.

સંગીતના અભ્યાસક્રમમાં થિયરી અને રિયાઝ બંનેનો સમન્વય
આમ પણ પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં સતત પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળવી સૌથી મહત્ત્વની છે. એ ચોપડીમાંથી જોઈને કે માત્ર સોશિયલ મીડિયા પર જોઈને શીખી શકાતી નથી. આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને થિયરી સાથે પરફોર્મન્સની તક પણ આપવામાં આવે છે એટલે જ્યારે બહારની દુનિયામાં પોતાની કલા રજૂ કરવાની આવે ત્યારે વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે તે કરી શકે છે. અનુભવી વિદ્વાનો અને કલાકારોએ સાથે મળીને સંગીતમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે જેમાં થિયરી અને રિયાઝ બંનેનો એટલે કે યુનિવર્સિટી અને ગુરુકુળ પરંપરાનો સુંદર સમન્વય કર્યો છે. સંગીત ઉપરાંત સંસ્કૃત અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ વિશે પણ અહીં ભણાવાય છે.

દરવર્ષે ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓ દ્વારા નાદ બિંદુ ફેસ્ટિવલનું આયોજન
વિદ્યાર્થીઓને પોતાની કલા રજૂ કરવા માટે ઘણી તકો પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ પોતાની ટેલેન્ટને ધારદાર બનાવી શકે. દર વર્ષે ફેબ્રુઆરીમાં નાદ બિંદુ ફેસ્ટિવલનું આયોજન થાય છે જેમાં વિશ્વવિખ્યાત સંગીતજ્ઞો કલાની પ્રસ્તુતિ કરે છે અને વિદ્યાર્થીઓ સાથે સંગીતના જ્ઞાનનું આદાનપ્રદાન કરે છે. વિદ્યાર્થીઓને યોગ અને આધ્યાત્મિક વક્તવ્યોનો લાભ પણ મળે છે જેથી તેમનું વ્યક્તિત્વ સર્વગ્રાહી બની શકે છે.