ઑનલાઇન વર્ગ:ચિન્મય મિશન અમદાવાદ દ્વારા 1થી 15 વર્ષના બાળકો માટે બાલવિહારના ઑનલાઇન વર્ગો શરૂ કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિન્મય મિશનના પરમધામ મંદિર ખાતે છેલ્લાં 11 વર્ષથી આ વર્ગો ચાલે છે.

બાળકો, યુવાનો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ એમ સૌને માટે વિવિધ પ્રવૃત્તિઓથી સમાજમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતના જગાવવા કાર્યરત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા વર્ષ 2021-22 માટે બાલવિહારના ઑનલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. 1થી 5 વર્ષના બાળકો માટે શિશુવિહાર અને 5થી 15 વર્ષના બાળકો માટે બાલવિહારના વર્ગો 6 જૂનથી ઑનલાઇન યોજાશે.

ચિન્મય મિશનના પરમધામ મંદિર ખાતે છેલ્લાં 11 વર્ષથી આ વર્ગો ચાલે છે. જોકે ગયા વર્ષથી કોરોના મહામારીના કારણે તેનું ઑનલાઇન આયોજન કરાઈ રહ્યું છે. “બાળકોનાં મન ફક્ત માહિતીથી ભરી દેવા માટે નથી, એ તો દીવા છે જેને જ્ઞાનથી પ્રગટાવવાનાં છે” એ ઉદ્દેશ સાથે સંસ્થાના પ્રેરણાસ્રોત સ્વામી ચિન્મયાનંદજીએ દાયકાઓ પહેલાં બાળકો માટે જ ખાસ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વર્ગો શરૂ કર્યા હતા.

આજે વિશ્વભરમાં ૩૦૦થી વધુ કેન્દ્રો ધરાવતાં ચિન્મય મિશનમાં હજારોની સંખ્યામાં બાળકો બાલવિહાર વર્ગોમાં જોડાય છે અને મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓ કરે છે. શ્લોકો, વાર્તાઓ, એક્શન ગીતો, આર્ટ-ક્રાફ્ટ, યોગ અને જુદા જુદા તહેવારોની ઉજવણીના માધ્યમથી બાળકોમાં વૈશ્વિક પ્રેમ, શાંતિ, ભાઈચારાની ભાવના જાગ્રત થાય અને તેઓ મૂલ્યનિષ્ઠ નાગરિકો બને તે લક્ષ્ય સાથે દર રવિવારે આ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન બાળકોને નિયમિત રહેવાની અને નિષ્ઠાપૂર્વક કાર્યો કરવાની સુટેવ કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

વર્ષના અંતે બાળકો માટે ખાસ ગ્રેજ્યુએશન સેરેમની યોજાય છે જેમાં તેઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે અને તેમને નિયમિતતા માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે. દર મે મહિનામાં બાળકો માટે સમર કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાય છે. જોકે કોરોના મહામારીના કારણે અત્યારે બધી જ પ્રવૃત્તિઓ ઑનલાઇન કરવામાં આવી રહી છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા પણ બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે અને આ વિકટ પરિસ્થિતિમાં ડર અને હતાશાનો સામનો કરવા સક્ષમ બને.

અન્ય સમાચારો પણ છે...