તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ મરચાંની સીઝન શરૂ થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડો મરચાંથી ઊભરાઈ રહ્યાં છે, જેને પગલે ગૃહિણીઓએ પણ મરચું ભરવાની શરૂઆત કરી દીધી છે. ઝાલાવાડમાં ચૂડા અને વઢવાણી તથા કાઠિયાવાડમાં ગોંડલના મરચાં દેશ-વિદેશમાં વખણાય છે, જેને પગલે સુરેન્દ્રનગરથી લઈ સુરત સુધી મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂક્યા છે, પરંતુ આ વર્ષે લાલ મરચાંના પાઉડરના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.100થી રૂ.200 સુધીનો ભાવવધારો થતાં ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તીખાશ આંખમાં પાણી લાવી રહી છે. મરચાંના વધેલા ભાવ અને ગૃહિણીઓના ખોરવાયેલા બજેટ અંગે અમદાવાદમાં હિરેન પારેખ, સુરતમાં પંકજ રામાણી, વડોદરામાં રોહિત ચાવડા અને રાજકોટમાં શૈલેષ રાદડિયાએ વેપારીઓ અને ગૃહિણીઓ સાથે વાત કરીને એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ગૃહિણીઓએ કહ્યું કે, મરચાંના ભાવો સાંભળીને આંખમાં પાણી આવી જાય છે. ના છૂટકે ઓછા જથ્થામાં પણ ખરીદી કરવી પડશે.
કમોસમી વરસાદથી મરચાંના પાકમાં રોગચાળો આવ્યો હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનું ખેડૂત અને વેપારીઓ જણાવી રહ્યા છે. આ વર્ષે હવામાન અનુકૂળ ન હોવાથી મરચાંનો છોડ યોગ્ય ઊગ્યો જ નહીં અને રોગચાળાના લીધે 20 ટકા ઉત્પાદન ઘટ્યું હતું. ખેડૂતો પાસે ઓછા ભાવે લઇ વેપારી 25 ટકા વધુ ભાવે મરચાંનો મસાલો બનાવી વેચી દે છે. આમ, ઓછું ઉત્પાદન અને રોગચાળો આ ભાવવધારાના મુખ્ય કારણ બન્યાં છે.
અમદાવાદમાં કાશ્મીરી મરચાંના ભાવમાં કિલોએ રૂ.70થી રૂ.80નો વધારો
અમદાવાદની વાત કરીએ તો મરચાંના ભાવમાં રૂ.70થી રૂ. 80નો વધારો થયો છે. શહેરના આનંદનગર વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પ્રેમાજીભાઈ પ્રજાપતિને મરચાંના ભાવની સ્થિતિ વિશે પૂછતાં તેઓ જણાવ્યું હતું કે હાલમાં માત્ર કાશ્મીરી મરચાંના ભાવમાં કિલોએ રૂ.70થી રૂ. 80નો વધારો થયો છે, જ્યારે રેશમપટ્ટી, તીખું દેશી મરચાંના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી. હાલમાં સીઝન શરૂ થવામાં એક મહિનાની વાર છે, એટલે મહિના પછી ભાવમાં વધારો-ઘટાડો થાય ત્યારે ખબર પડે. ગ્રાહકોમાં પણ ભાવવધારાથી ખાસ કોઈ ફેર પડ્યો નથી.
વડોદરામાં કુમઠી મરચાંના ભાવ ડબલ થઈ ગયા, પટણી મરચાંના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો
વડોદરા શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કાશ્મીરી કુમઠી મરચાંના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે પટણી મરચાંમાં નજીવો વધારો થયો છે. બરોડા ગ્રેન મર્ચન્ટ એસોસિયેશનના સભ્ય અને હાથીખાનાના મસાલાના વેપારી ગિરીશભાઇ નવલાણીએ જણાવ્યું હતું કે મરચાંમાં ડિસેમ્બરની સરખામણીમાં પટણી મરચાંમાં 10થી 15 ટકા જેટલો ઘટાડો થયો છે. પટણી મરચાંનો પાક પૂરતો હોવાથી ભાવમાં ઘટાડો થયો છે. જો નિકાસમાં વધારો થાય તો પટણી મરચાંનો ભાવ વધી શકે છે. જ્યારે કુમઠી મરચાંમાં ડિસેમ્બરની સરખામણીમાં 10થી લઇને 25 ટકા જેટલો વધારો થયો છે. કુમઠી મરચાંના પાકમાં આ વર્ષે નુકસાન હોવાથી એમાં ભાવ વધ્યો છે, જેમાં ભાવ ઘટવાની શક્યતા ખૂબ ઓછી છે.
વડોદરામાં પ્રતિ કિલો મરચાંનો ભાવ
મરચાંનો પ્રકાર | ફેબ્રુ.-2020 | ડિસે.-2020 | ફેબ્રુ.-2021 |
કાશ્મીરી કુમઠી | 250 | 380 | 500 |
પટણી | 220 | 250 | 240 |
તેજા | 240 | 300 | 240 |
રેશમપટ્ટી | 290 | 300 | 300 |
શેરથા | 230 | 240 | 240 |
સુરતમાં દરેક મરચાના પાઉડરના ભાવમાં પ્રતિ કિલો 40થી 50 રૂપિયાનો વધારો
સુરતની વાત કરીએ તો ગત વર્ષ કરતાં સુરતમાં દરેક મરચાના પાઉડરના ભાવમાં પ્રતિ કિલો 40થી 50 રૂપિયાનો થયો છે, જેને પગલે ગૃહિણીના બજેટને અસર પહોંચી છે. દર વર્ષે આખા વર્ષનું મરચું લેતી ગૃહિણીઓમાં ભાવવધારાને લઈને તેમના બજેટ ખોરવાઈ ગયાં છે.
રાણાભાઇ વશરામભાઈ ભોજાણી(સુમિત મસાલા ભંડાર માલિક)એ જણાવ્યું હતું કે રેશમપટ્ટી, ઘોલર, દેશી, કાશ્મીરી અલગ અલગ પ્રકારના મરચાં-પાઉડરનું વેચાણ કરવામાં આવે છે. ગત વર્ષ કરતાં 40થી 50 રૂપિયાનો ભાવવધારો થયો છે. પાછોતરા વરસાદને કારણે મરચાંના પાકને નુકસાન થતાં ભાવમાં વધારો આવ્યો છે. એક તરફ મરચાંના પાકને નુકસાન થયું અને આવક પણ મોડી તથા ઓછી થઈ છે. હાલ ગોંડલથી મરચાંની આવક થઈ રહી છે. જોકે મોટા ભાગે આંધ્રપ્રદેશ, કર્ણાટક મહારાષ્ટ્રથી મરચાંની આવક થતી હોય છે.
સુરતમાં મરચાંનો પ્રતિ કિલો ભાવ
મરચાંનો પ્રકાર | 2020 | 2021 |
કાશ્મીરી | 520 | 600 |
દેશી | 280 | 340 |
રેશમપટ્ટી | 320 | 350 |
સિંગલ લેડી | 480 | 520 |
ડબલપટ્ટી | 280 | 320 |
રાજકોટમાં કિલોએ રૂ.100થી રૂ.150નો ભાવવધારો
રાજકોટ મરચાંના વેપારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પટણી અને શેરથા મરચાં કોઇ ખાતું નથી.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રેશમપટ્ટો, ઘોલર અને કાશ્મીરી મરચાંની માગ વધુ રહે છે. ઘોલર એટલે કે ગોંડલિયા અને કાશ્મીરી મરચાંમાં આ વર્ષે ગત વર્ષ કરતાં કિલોએ 100થી 150 રૂપિયા ભાવવધારો આવ્યો છે, જ્યારે તીખાં મરચાંના ભાવ ઘટતા જાય છે. મોળાં મરચાંનું ઉત્પાદન સૌથી વધુ સાઉથના રાજ્ય કર્ણાટકમાં વધુ થાય છે.
મધ્યમવર્ગીય પરિવાર માટે આ ભાવવધારો ખૂબ જ મોટો કહેવાય:ગૃહિણી
મરચાં-પાઉડરના ભાવવધારા વિશે વાત કરતાં રાજકોટનાં ગૃહિણી નમ્રતાબેને જણાવ્યું હતું કે અમારો પરિવાર મધ્યમ વર્ગીય છે, મરચાંના ભાવમાં રૂ.100થી રૂ. 150નો વધારો પણ અમારા માટે ખૂબ જ મોટી વસ્તુ કહેવાય, હાલ અમારી માસિક આવક 10 હજાર છે તો તેમાં આ ભાવવધારો અમારા મહિનાના ખર્ચમાં મોટું અંતર પેદા કરે છે. પૈસાદાર વર્ગ માટે આ ભાવવધારો કંઈ ન કહેવાય, પણ અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવાર માટે આ ભાવવધારો ખૂબ જ મોટો કહેવાય.
રાજકોટમાં મરચાં-પાઉડરના ભાવ પ્રતિ કિલો
રેશમપટ્ટો- 380
ઘોલર-420
કાશ્મીરી- 480
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.