કોરોનામાં માતા અને પિતા ગુમાવનાર નિરાધાર બાળકો માટે બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાનું બાળ મરણ થયું હોવાની ચર્ચાઓ થતાં જ સરકારે સ્પષ્ટ કર્યુ હતું કે કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે. વડાપ્રધાન મોદીના જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરે વધુ 8 હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે.
સરકારના સામાજિય ન્યાય વિભાગના મંત્રીએ સ્પષ્ટતા કરી
કોરોના કાળમાં અનેક બાળકોએ પોતાના માતા-પિતા બન્ને અથવા તો બન્નેમાંથી એકને ગુમાવ્યા છે. આવા બાળકોની સહાય માટે રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે “બાળ સેવા યોજના”ની જાહેરાત કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે આ યોજના દોઢ મહિનામાં જ બંધ કરી દીધી હોવાની ચર્ચાઓ ચાલુ થઈ હતી. ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય 18 વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે.
નિરાધાર બાળકોને 2 હજારની સહાય રાજ્ય સરકાર આપશે
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી રૂપાણીએ આવા નિરાધાર બાળકોને જુલાઇ-2021માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા 1000 ઉપરાંત બાળકોને માસિક રૂ. 4 હજારની સહાય ચુકવવામાં આવેલી છે. સરકારે 28 મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. 2 હજારની સહાય રાજ્ય સરકાર આપશે.
અત્યાર સુધી 4 હજાર બાળકોને સહાય ચૂકવાઈ
આવા આશરે 4 હજાર બાળકોને મુખ્યમંત્રી રૂપાણીએ બાળક દીઠ રૂ. 2 હજારની સહાય 2 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપુર્ણ પારદર્શીતાથી ચૂકવી પણ આપી છે. આવી સહાય પણ બાળકની વય 18 વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં 15 મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને તા.૩૦મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેટ તા.30 જૂન-ર૦ર૧ નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે તા.31મી ઓગસ્ટ-2021 સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આઠ હજાર બાળકોને સહાય ચૂકવાશે
તેમણે જણાવ્યું કે આવી આવેલી અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા બાળકોના કિસ્સામાં બાળકના માતા-પિતાનું મૃત્યુ કોરોના અથવા કોરોના દરમિયાન કોઇ ગંભીર બિમારીને કારણે થયું હોય તેવા વધુ 8 હજાર જેટલા બાળકોને વડાપ્રધાન મોદીના જન્મ દિવસ આગામી 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાજકોટ ખાતેથી આવા બાળકોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી.થી સહાય ચૂકવવામાં આવશે અને બાળકની વય 18 વર્ષની તથા સુધી માસિક સહાય નિયમિતપણે અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.