AMC સ્કૂલ બોર્ડનું બજેટ:સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને હવે રમતગમત ક્ષેત્રે આગળ વધશે, એલિસબ્રિજ શાળા 17માં સ્પોર્ટસ સંકુલ બનાવાશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (AMC સ્કૂલ બોર્ડ)નું વર્ષ 2023-24નું રૂ.1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસન અધિકારી ડો. લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતા અને ડેપ્યુટી ચેરમેન વિપુલ સેવક સહિતના સભ્યો દ્વારા રૂ. 4 કરોડનો વધારો કરી રૂ.1,071 કરોડનું બજેટ આજે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું છે. ભાજપના શાસકો દ્વારા સ્કૂલ બોર્ડ માટે મંજૂર કરવામાં આવેલા બજેટમાં બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ, રમત ગમત ક્ષેત્રે પ્રશિક્ષણ, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો માટે ખાસ પ્રશિક્ષણ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકનું લેખન- પઠન, શાળાઓની સ્વચ્છતા વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

બજેટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મંજૂર કર્યુ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતા દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા બજેટમાં સૌથી વધારે ખર્ચ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી શાળા નંબર 17ના સ્પોર્ટસ સંકુલનો વિકાસ કરવા પાછળ રૂ. અને રમતગમત ક્ષેત્ર પાછળ રૂ. 50 લાખ એમ કુલ રૂ. 1 કરોડ, સ્કૂલોમાં વિજ્ઞાનના જીવંત પ્રયોગો પાછળ રૂપિયા 50 લાખ અને કરાટે તેમજ યોગ પાછળ રૂપિયા 25 લાખ ખર્ચવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે બજેટમાં જે રીતે દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ આવશે તેને પૂર્ણ કર્યું છે અને અત્યાર સુધીમાં 60 થી વધુ સ્માર્ટ સ્કૂલો કાર્યરત છે 9,600થી વધુ બાળકો ખાનગી શાળા છોડી અને મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.

બજેટમાં શું નવું હશે

પ્રાયમરી આત્મનિર્ભર ભારત અંતર્ગત ધો.6 થી 8ના બાળકોનું સ્કિલ ડેવલોપમેન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારત અંતર્ગત સ્કિલ ડેવલોપ કરવા માટે ધો.6 થી 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ દરમ્યાન પરંપરાગત વ્યવસાયો શીખે અને તેમનામાં વિવિધ સ્કિલ વિકસે, પ્રારંભિક તબકકે વિવિધ ચીજવસ્તુઓ બનાવતા થાય, ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવાની તક પૂરી પાડવામાં આવશે.

ન.પ્રા.શિ.સમિતિના વિદ્યાર્થીઓ માટેના સ્પોર્ટસ સંકુલનો વિકાસ
‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ' મુજબ વિદ્યાર્થીઓમાં રમતગમતથી સાહસ, એકતા, ભાતૃભાવ, નૈતિકતા જેવા ગુણોનો વિકાસ થાય અને અમદાવાદના બાળકો આગામી સમયમાં ઑલમ્પિક 2036માં શહેરનું પ્રતિનિધિત્વ કરે તે સપનું સાકાર કરવા માટે એલિસબ્રીજ શાળા નં.17માં આવેલા સ્પોર્ટસ સંકુલનો વિકાસ કરવામાં આવશે.

વધુ વીજ વપરાશ ધરાવતી શાળાઓમાં સોલાર પેનલ
વડાપ્રધાન દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ થાય તેવી નીતિ બનાવવામાં આવી છે. સૌર ઉર્જા એ ઉર્જાનો અખૂટ સ્રોત છે. તેનો મહત્તમ ઉપયોગ મ્યુનિ. શાળાઓમાં થાય તે માટે, પ્રારંભિક તબક્કે વધુ વીજ વપરાશ ધરાવતી મ્યુનિ. શાળાઓમાં ‘સોલાર પેનલ’ નાંખવામાં આવશે.

સ્કૂલ બોર્ડના દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક ઉત્સવ
રાઈટ ટુ એજયુકેશન એકટ- 2009 મુજબ દરેક વિદ્યાર્થી મહત્વનો છે. ભારતીય સંસદ દ્વારા સને 2016માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે રાઈટ ઓફ પર્સન્સ વીથ ડિસેબિલિટિસ-2016 કાયદો બનાવવામાં આવ્યો છે. કાયદાની જોગવાઈ મુજબ શાળાઓમાં સમાવેશી શિક્ષણ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકોને તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓ અભિવ્યક્ત કરવાની તક મળે તે હેતુથી વિવિધ સહઅભ્યાસિક કાર્યક્રમો થાય તે આવશ્યક છે. દિવ્યાંગ બાળકોની શ્રેષ્ઠ અભિવ્યક્તિને ઉજાગર કરવા સ્કૂલ બોર્ડ કક્ષાનો દિવ્યાંગ બાળકોનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવશે.

‘ભિક્ષા નહીં શિક્ષા’ અંતર્ગત સિગ્નલ સ્કૂલના બાળકોના વાલીઓ માટે વ્યવસાયિક પ્રશિક્ષણ
ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ દ્વારા દેશ લેવલે સફળતાપૂર્વક સિગ્નલ સ્કૂલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. શિક્ષણનો મૂળભુત હેતુ છેવાડાના માનવીનો વિકાસ કરવાનો રહ્યો છે. તે હેતુથી સિગ્નલ સ્કૂલના બાળકોના માતા-પિતાને વ્યવસાયિક પ્રશિક્ષણ આપવામાં આવશે.

નૂતન તાલીમ વિભાગ દ્વારા એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા માટે કોરગૃપની રચના, પ્રશિક્ષણ અને સાહિત્ય નિર્માણ
શિક્ષણ જગતમાં રોજ નવા સંશોધનો થાય છે તેમજ શિક્ષણના નૂતન પ્રવાહો આવે છે. તે સંશોધનો અને નૂતન પ્રવાહોથી વિદ્યાર્થીને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ મેળવી શિક્ષણમાં નાવિન્ય લાવી શકાય છે. આ માટે વિષયવાર તજજ્ઞ શિક્ષકોના કોરગૃપ બનાવવામાં આવશે. જેમાં શિક્ષકો અને તજજ્ઞોના સંકલનથી શિક્ષણનું સ્તર સતત ઉંચુ લઈ જઈ વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના વિકાસલક્ષી કાર્યક્રમો તેમજ શિક્ષકોની પ્રશિક્ષણ આપવામાં આવશે અને સાહિત્યનું નિર્માણ કરવામાં આવશે.

બાળકોને રમત-ગમત ક્ષેત્રે પ્રશિક્ષણ
વિદ્યાર્થીઓને શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે ૨મત એક ઉત્તમ માધ્યમ છે. સાથે સાથે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, અભ્યાસ સાથે ખેલકૂદ જગતમાં રસરૂચિ મુજબ આગળ વધે તે ખૂબ મહત્વનું છે. આ માટે સમયાંતરે વિવિધ ૨મતોનું શાળાકક્ષાએથી આયોજન થાય વિદ્યાર્થીને ચોકકસ માર્ગદર્શન મળે, સ્ટેટ લેવલે, નેશનલ લેવલે અને ઈન્ટરનેશનલ લેવલે પોતાનું નામ રોશન કરે તે હેતુથી વિવિધ રમતો માટે કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.

મ્યુનિ. સ્કૂલ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાનના રૉ મટિરીયલથી જીવંત પ્રયોગો
મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત પાંચ માધ્યમમાં ધો.1થી 8માં 459 શાળાઓમાં 1.66 લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાઓ પૈકી ધો.6 થી 8 ધરાવતી 350 જેટલી શાળાઓમાં વિજ્ઞાન વિષય શિખવવા માટે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રયોગ પદ્ધતિથી મેળવેલ જ્ઞાન ચિરંજીવી રહે છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા સમયાંતરે શાળાઓને વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવે છે. આ સાધનોમાં વિવિધ પ્રકારના રસાયણોની પૂર્તતા કરવા અને અન્ય સાધનોની મરામત માટે શાળાઓને પુરવણી સાધનો આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને શાળા સંચાલન અને નેતૃત્વનું પ્રશિક્ષણ
શાળાકીય પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે જેથી સમુહભાવના કેળવાય, વિવિધ કૌશલ્ય વર્ધન કાર્યક્રમોનું આયોજન થાય તે માટે વિદ્યાર્થીઓને શાળા સંચાલન અને નેતૃત્વનું પ્રશિક્ષણ આપવામાં આવશે.

મ્યુનિ. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાસાર અને શ્લોકનું લેખન-પઠન
ભારતવર્ષના તમામ વૈચારિક દ્રષ્ટિકોણનો મુખ્ય આધાર શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. વિદ્યાર્થીઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક અને સારાંશની સમજ કેળવાય અને ભારતીય તત્વજ્ઞાનથી વિદ્યાર્થીઓ સજ્જ બને તે હેતુથી શ્રીમદ્ ભગવદ્ ગીતાસાર અને શ્લોકનું લેખન-પઠન કરાવવામાં આવશે.

શાળાઓને સ્વચ્છતા ગ્રાન્ટ
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાઓમાં સફાઈ રહે તે જરૂરી છે. શાળાઓમાં સ્વચ્છતા અસરકારક રહે તે માટે શાળાઓને વધુ ગ્રાન્ટ આપવામાં આવશે.

માતૃભાષા સજ્જતા કાર્યક્રમ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મુકવામાં આવ્યો છે. આપણી માતૃભાષાઓ સદીઓ પૂરાણી છે. તેમાં અખૂટ સાહિત્ય અને વિપુલ પ્રમાણમાં જ્ઞાન સમાવિષ્ટ છે. આ જ્ઞાનનો વારસો સાચવવા ભાવિ પેઢીને તૈયાર કરવા માટે મ્યુનિ. શાળામાં માતૃભાષા સજજતા કાર્યક્રમ કરવામાં આવશે.

વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો માટે ખાસ પ્રશિક્ષણ વ્યવસ્થા
વિશિષ્ટ પ્રતિભાઓ એ ભારતની મૂડી છે. મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં રહેલી વિશિષ્ટ પ્રતિભાઓને ઓળખીને તેમને યોગ્ય દિશા આપવી અને એમાં વધારો કરવો એ આજના સમયની માંગ છે. મ્યુનિ. શાળામાં અભ્યાસ કરતાં બાળકોની વિશિષ્ટ પ્રતિભાને પ્રશિક્ષણ આપવામાં આવશે.

કરાટે-યોગનું પ્રશિક્ષણ
મ્યુનિ. શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વરક્ષણ માટે કરાટેનું પ્રશિક્ષણ અને વિદ્યાર્થીઓની માનસિક શક્તિઓનો વિકાસ થાય તે માટે યોગનું તજજ્ઞ દ્વારા પ્રશિક્ષણ આપવું આવશ્યક છે. જેનું પ્રશિક્ષણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...