તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સફળતા:ગુજરાતમાંથી રીક્ષાચાલક, ખેડૂત તથા વૉચમેનના સંતાનોએ NEETની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
NEEની પરિક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું
  • લૉકડાઉનમાં પિતાની આવક બંધ થઈ પરંતુ સંતાનોની કારકિર્દીને કોઈ આંચ ના આવી
  • કોરોના લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને સફળતા મેળવી

તાજેતરમાંજ જાહેર થયેલા નેશનલ એલિઝિબિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)ના પરિણામમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ મોટી સફળતા મેળવી છે. શહેરના ફેઝાન બાવાની અને ઉર્મિલા મકવાણાનું ડૉક્ટર બનવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદમાં રાયખડમાં પૂંજાભાઈની ચાલીમાં રહેતા રિક્ષાચાલક ફારુકભાઈ બાવાનીના પુત્ર ફેઝાન બાવાનીએ NEETની પરીક્ષામાં 602 માર્ક્સ અને 18,712 રેન્ક મેળવ્યો છે. ફેઝાનને લૉકડાઉનનો સમયગાળો આશિર્વાદ સમાન સાબિત થયો હતો કારણ કે તે જે કોચિંગ ક્લાસમાં અભ્યાસ અર્થે જતો હતો ત્યાં તેને ફીમાં 35 ટકા માફી મળી હતી.

રીક્ષા ચાલક પિતાનો પુત્ર ફૈઝાન બાવાની
રીક્ષા ચાલક પિતાનો પુત્ર ફૈઝાન બાવાની

ફૈઝાનનું ધ્યેય કાર્ડિયોલોજીસ્ટ બનવાનું છે
NEETમાં સફળતા મેળવનાર ફૈઝાને કહ્યું હતું કે તે સામાન્ય રીતે 3થી 4 કલાક અભ્યાસ કરતો હતો પરંતુ લૉકડાઉન બાદ તેણે પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે 12 કલાક ફાળવ્યા હતાં. આ સમય દરમિયાન તેને સ્કૂલમાં કે કોચિંગ ક્લાસમાં જવું નહોતું પડતું. આ સમય તેના માટે આશિર્વાદ રૂપ અને ગેમચેન્જર સાબિત થયો હતો. ફૈઝાનનું સપનું હવે કાર્ડિયોલોજિસ્ટ બનવાનું છે. આ અભ્યાસ દરમિયાન તેને આર્થિક મદદની જરૂર હતી કારણ કે તેના પિતા રિક્ષાચાલક છે. તેને અભ્યાસ માટે એક NGO તથા તેના પિતાના મિત્ર પાસેથી આર્થિક મદદ મળી હતી. તેના પિતાની આવક દોઢ લાખ કરતાં પણ ઓછી છે.

ઉર્મિલાને પટણા અથવા જોધપુરની AIIMSમાં એડમિશન મળશે
બીજી તરફ આણંદના તારાપુરના ઈન્દ્રણજ ગામના ખેડૂત મફતભાઈ મકવાણાની દીકરી ઉર્મિલાએ પણ NEETની પરીક્ષા પાસ કરીને મોટી સફળતા મેળવી છે. NEETમાં SC કેટેગરીમાં ઉર્મિલાનો ઓલ ઈન્ડિયા રેન્ક 11,383મો છે. ઉર્મિલાને ભણવા માટે અમદાવાદ સ્થિત વિસામો કિડ્સ ફાઉન્ડેશનની મદદ મળી છે. ઉર્મિલાએ અહીંથી જ પોતાનો શાળાકીય અભ્યાસ પૂરો કર્યો છે. અમદાવાદના બોપલમાં આ ઓર્ગેનાઈઝેશનનું વિશ્રામ ગૃહ આવેલું છે જ્યાં પાંચ વર્ષની ઉંમરથી શરૂ કરીને મોટા 100થી વધુ ગરીબ બાળકો રહે છે. વિસામોની મદદ અને તેના ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સ સાથેના જોડાણને લીધે ઉર્મિલાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ ગોધાવીમાં આવેલી ઝાયડસ સ્કૂલમાં કર્યો છે. બાદમાં આગળના અભ્યાસ માટે ઉર્મિલાએ કામેશ્વર સ્કૂલમાં એડમિશન લીધું હતું. ઉર્મિલાને આશા છે કે પટણા અથવા જોધપુરની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (AIIMS)માં એડમિશન મળશે.

લોકડાઉનના સમયમાં ખંતથી અભ્યાસ કરીને સફળતા મેળવી હતી.
લોકડાઉનના સમયમાં ખંતથી અભ્યાસ કરીને સફળતા મેળવી હતી.

વૉચમેનના પુત્રએ પણ NEETની પરીક્ષા પાસ કરી
અમદાવાદની જેમ સુરતમાં પણ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જેમણે NEETની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. સુરત શહેરમાં વોચમેનને નોકરી કરતા સાહેબરાવ અને સફાઈ કામદાર લતાબેનના દીકરા હર્ષલ દેવરે 720માંથી 658 માર્ક્સ મેળવ્યા છે. ગયા વર્ષે તેણે NEETની પરીક્ષા આપી હતી પરંતુ 340 માર્ક્સ મેળવ્યા હતા. ત્યારે આ વખતના પ્રયાસમાં સારા માર્ક્સ લાવવા માટે હર્ષલ દિવસના 16 કલાક વાંચતો હતો. ધોરણ 12ની પરીક્ષામાં તેણે 80 ટકા મેળવ્યા હતા. હવે તેનું લક્ષ્ય ડૉક્ટર બનીને પરિવારની ગરીબી દૂર કરવાનું છે. હર્ષલે કહ્યું, હું આશા રાખું છું કે, મને ગુજરાતની કોઈપણ ટોચની મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહે." હર્ષલના માતા-પિતાની માસિક આવક 12,000 રૂપિયા છે. ગોડાદરાના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં સાહેબરાવ વોચમેન છે અને અહીં જ તેની માતા લતાબેન સફાઈ કામદારની નોકરી કરે છે.

સફળ થયેલા વિદ્યાર્થીઓએ કેક કાપીને ઉજવણી કરી હતી
સફળ થયેલા વિદ્યાર્થીઓએ કેક કાપીને ઉજવણી કરી હતી

સુરતમાં રીક્ષાચાલકના ટ્વિન્સ દિકરાઓ પણ સફળ થયાં
સુરતમાં આ એક અનોખો કિસ્સો છે. રીક્ષાચાલક પિતા વિજય પાનવાલા અને મહિધરપુરા ડાયમંડ માર્કેટમાં સફાઈ કામદાર તરીકે કામ કરતાં ચેતના બેનના બે ટ્વિન્સ દિકરાઓ કરણ અને કેવલે પણ NEETની પરીક્ષામાં સારો દેખાવ કર્યો છે. કરણને NEETની પરીક્ષામાં 594 માર્ક્સ તેના ભાઈ કેવલને 294 માર્ક્સ મળ્યા છે. કરણને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાની આશા છે. જ્યારે તેના ભાઈ કેવલને ફિઝિયોથેરાપીમાં પોતાની કેરિયર બનાવવી છે. કરણ અને કેવલના માતા-પિતાની કુલ આવક 14,000 રૂપિયા છે.

કરિયાણાના દુકાનદારના પુત્રને સફળતા મળી
આશાદિપ સ્કૂલમાં અભ્યાસ કરતાં પ્રિયલ હિંગરાજીયાએ ઓલ ઇન્ડિયા લેવલે 215મો રેન્ક અને ઇકોનોમિક વિકલ સેક્શન(EWS)માં 14મો રેન્ક મેળવ્યો છે. પ્રિયલએ કહ્યું કે, લોકડાઉનમાં તૈયારી કરવાનો સારો સમય મળી ગયો હતો. નોટસ બનાવતો હતો. સાથે અધરા લાગતાં વિષયોનું રિવિજન પણ કરતો હતો. પ્રિયલના પિતા જીતુભાઈ કરિયાણાની દુકાન ધરાવે છે. પુત્રની સફળતા પર તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો