સમજાવટ:સંતાનનું નામ પાડવાનો ઝઘડો છૂટાછેડા સુધી પહોંચ્યો, કોર્ટે સમજાવતા પતિ-પત્ની 5 વર્ષે ફરી સાથે રહેવા માટે તૈયાર થયાં

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોર્ટે માતા-પિતા વિનાના સંતાનો માટે કામ કરતી સંસ્થાને આવકનો 10 ટકા હિસ્સો આપવા સૂચન કર્યું

સંતાનનું નામ પાડવા જેવી બાબતમાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો છૂટાછેડા સુધી પહોંચી જતાં હાઈકોર્ટની દરમિયાનગીરી અને સમજાવટથી દંપતી 5 વર્ષે ફરીથી એક થયું હતું. કોર્ટે દંપતીને સૂચન કર્યું હતું કે, માતા-પિતા વગરના બાળકો માટે કામ કરતી સંસ્થામાં તમારી આવકનો 10 ટકા ભાગ આપીને ઋણમાંથી મુક્ત થઇ શકાય.

બરોડામાં એમએસસીનો અભ્યાસક્રમ કરતી વખતે બે અલગ-અલગ ધર્મના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા એમએસસી પૂરું કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લેતાં બંનેના પરિવારનો વિરોધ હોવાથી 2015માં મરજી વિરુદ્ધ લગ્ન કરીને અમદાવાદ રહેવા આવ્યા હતા. લગ્નને 3 વર્ષ વીતી ગયા પછી પણ બેમાંથી કોઈ પરિવારે તેમને સ્વીકાર્યા નહોતા. લગ્ન જીવનથી દીકરીનો જન્મ થતાં પરિવારના પ્રેમ વગર પતિ-પત્ની બંને ઝઝૂમી રહ્યા હતા. તેમાં દીકરીના નામકરણ બાબતે બંને પોતાના ધર્માનુસાર નામ પાડવા ઈચ્છતા હોઇ, વિવાદ વધતા પતિએ પત્નીને છૂટાછેડાની નોટિસ આપી, પોતે માતા-પિતાના ઘરે જતો રહ્યો હતો.

બીજી તરફ યુવતી એકલી પોતાની બાળકીને ઉછેરતી હતી. નામ પાડવા જેવી બાબતે માગેલા છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી દેતા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના મિડિએશન સેન્ટરમાં બંને પક્ષની સમજાવટ બાદ પતિ-પત્નીને નિવૃત્ત જજ દ્વારા ખોટા નિર્ણયથી બાળકને શું તકલીફો પડી શકે છે? તે સમજાવતા ત્રીજી મુદતે બંનેએ ભેગાં રહેવાનો નિર્ણય લીધો હતો. તેમણે સમજાવ્યું કે જે બાળકોને માતા-પિતા નથી હોતા તેવાં બાળકોને તમારે આવકનો 10 ટકા હિસ્સો આપવો જોઇએ. દંપતીએ ત્યારે જ દર મહિને આ રીતે સેવા કરવાનો સંકલ્પ લીધો હતો.

એકબીજાના નિર્ણયને માથે ચઢાવશો તો જીવન સરળ બનશે
હાઈકોર્ટના મીડિએશન સેન્ટરમાં આવેલા કેસમાં પતિ-પત્ની વચ્ચે કયા મુદ્દે વિવાદ થયો હતો તે અંગે બન્નેને સાંભળી લીધા બાદ સિનિયર એડવોકેટે બંને એક વાર્તા કહી હતી. આ વાર્તા બાદ તેમણે કહ્યું કે અહંકારને નહીં એકબીજાના નિર્ણયોને માથે ચઢાવશો તો જીવન સરળ બની જશે. તેમણે સમજાવ્યું કે દરેકને સરેરાશ 70-80 વર્ષના જીવનમાં તે પૈકી માત્ર 30 થી 40 વર્ષ સાથે રહેવાનો સમય મળે છે.તેમા પણ આપણે ઝઘડવામાં કે વાંક કાઢવામાં જીવન શું કામ વેડફી નાખવાનું? જીવનની આખરી પડાવમાં અફસોસ લઇને ન જવું પડે માટે સાથે જીવી લો.

અન્ય સમાચારો પણ છે...