ચાઇલ્ડ ટ્રાફિકિંગનો પર્દાફાશ:બિહારથી ગુજરાતમાં લવાયેલા બાળમજૂરોને CID ક્રાઇમે બચાવ્યા, 32 બાળકોને જેતપુર અને રાજકોટ મોકલવાના હતા

અમદાવાદએક વર્ષ પહેલા
બિહારથી આવેલી ટ્રેનમાંથી 32 બાળકોને ઝડપી બાળમજૂરી કરતાં બચાવાયાં છે. - Divya Bhaskar
બિહારથી આવેલી ટ્રેનમાંથી 32 બાળકોને ઝડપી બાળમજૂરી કરતાં બચાવાયાં છે.
  • અમદાવાદ રેલવે સ્ટેશન પર CID ક્રાઇમે વિવિધ NGOની સાથે મળી કૌભાંડને ખુલ્લું પાડ્યું

કાલુપુર રેલ્વે સ્ટેશને આવેલી નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં 32 બાળકોને NGO અને CID ક્રાઈમ બ્રાન્ચે મજૂરી માટે મોકલતા પહેલા બચાવી લીધા છે. બિહારથી લવાયેલા માસૂમ બાળકોને ગુજરાતના અલગ અલગ જગ્યાએ મજૂરી માટે લઈ જવાતા હતા. લોકડાઉન બાદ હાલ અલગ -અલગ જગ્યાએ મજૂરોની જરૂર હોવાથી પણ મોટા પ્રમાણમાં બાળમજૂરોને ગુજરાત લાવવામાં આવ્યા હોવાની પોલીસને શંકા છે. બીજી તરફ રાજસ્થાનના કોટા, ગુજરાતમાં વડોદરા અને અમદાવાદ મળી અંદાજે 50થી વધુ બાળકોને બચાવી લેવાયા છે.

દિલ્હીની NGO ઓફિસને બાળમજૂરોની જાણકારી મળી હતી
ગુરુવારે રાતે NGOની દિલ્હીમાં આવેલી ઓફિસમાં જાણ થઈ હતી કે, 50 જેટલા બાળકોને બિહારથી મજૂરી માટે અલગ-અલગ જગ્યાએ લઈ જવાયા છે. જેના આધારે પોલીસની મદદ માંગવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ટ્રેનમાંથી બાળકોને રેસ્ક્યુ કર્યા છે.

બાળકોને ગામના પરિચિત જ મજૂરી માટે લાવે છે
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકોના ગામના પરિચિત લોકો ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ લેબર કોન્ટ્રાક્ટર હોય છે. જે બાળકોના પરિવારજનોને અમુક રૂપિયા આપીને બાળકોને મજૂરી માટે બોલાવતા હતા.

કાલુપુર રેલવે સ્ટેશને ઓપરેશન પાર પડાયું
લોકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાય છે, જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું એક એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું. સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.

નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બાળકો મળી આવ્યાં.
નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બાળકો મળી આવ્યાં.

રાજકોટ-જેતપુરમાં મજૂરી માટે અમદાવાદથી બાળકો રવાના થવાના હતા
CID ક્રાઇમ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રેસ્ક્યુ કરાયેલા બાળકોને રાજકોટ અને જેતપુરમાં મજૂરી માટે મોકલવામાં આવી રહ્યા હતા . હજુ બાળકો પાસે વધુ વિગત મળે તો આખા રેકેટમાં સંડોવાયેલા લોકો વિશે વધારે વિગતો સામે આવશે.

ક્યાંથી કેટલા બાળકો રેસ્ક્યુ કરાયા

સ્થળબાળકો
અમદાવાદ32
રતલામ3
વડોદરા7
રાજસ્થાન9

આર્થિક તંગીને કારણે દલાલો મારફત બાળકો મોકલાતાં હોવાનું તારણ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે. બાળકોને હાલ કાલુપુર પોલીસ સ્ટેશને લઈ જવાયાં છે. આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

2019માં 29 ડિસેમ્બરે ગુજરાતમાં સૌથી મોટા દરોડા પડાયા હતા
9 મહિના પહેલાં 2019ના ડિસેમ્બરના અંતમાં રાજસ્થાન પોલીસે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સ્થાનિક પોલીસ તથા એક NGOના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતાં 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...