વાલીઓ સચેત રહો:અમદાવાદથી માસૂમને ઉઠાવી નરાધમ હારીજ લઈ ગયો, ભીખ મંગાવતો, કચરો વીણાવતો અને અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલો આરોપી - Divya Bhaskar
ઝડપાયેલો આરોપી
  • પાટણ જિલ્લાના હારીજ પાસે રોડ ઉપર બાળક એક પોલીસકર્મીને મળી આવ્યો હતો
  • બાળકને લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 12 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેની પાસે ભીખ મંગાવવાનું અને કચરો મેળવવાનું કામ કરતો હતો. અપહરણ કરનાર વ્યક્તિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. રોડ પર બાળક રડતો હતો ત્યારે ત્યાંથી પસાર થતાં એક પોલીસકર્મીની નજર પડી હતી. પોલીસકર્મી તેને હારીજ પોલીસ સ્ટેશન લઇ ગયો હતો અને પોલીસની તપાસમાં આ સમગ્ર બાબત સામે આવતાં તેને સોલા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને જ્યાં ઉંડાણપૂર્વકની તપાસ કરી સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

14 ડિસેમ્બરના રોજ બાળક ગુમ થઈ ગયો હતો
થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં 12 વર્ષીય બાળક રહેતો હતો. 14 ડિસેમ્બરના રોજ બાળક ગુમ થઈ ગયો હતો જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. સોલા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવી અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં એક જાન્યુઆરીના રોજ પાટણ જિલ્લાના હારીજ પાસે રોડ ઉપર બાળક એક પોલીસકર્મીને મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા એક વ્યક્તિ તેને અમદાવાદથી અહીંયા લઈ આવ્યો છે અને કામ કરાવે છે પરંતુ પાછો જ લઈ જતો નથી. જેથી પોલીસ કર્મીઓને હારીજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સોલા પોલીસમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાતા તેને અમદાવાદ લાવ્યા હતા.

નાસ્તો કરાવવાની લાલચ આપી પાટણ લઈ ગયો હતો
બાળકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે 14 ડીસેમ્બરના રોજ એકલો થલતેજ ગામમાં ગયો હતો. ત્યાં તેને એક વ્યક્તિ મળ્યો હતો. નાસ્તો કરાવી અને ફરવાની લાલચ આપી હતી. બંનેએ થલતેજ ગામમાં નાસ્તો કર્યા બાદ જે વ્યક્તિ મળ્યો હતો તેણે પાટણ પેંડલ રિક્ષા લેવા જવાનું છે. તેથી સાથે ચાલે એમ કહી અને હારીજ ખાતે લઇ ગયો હતો. વ્યક્તિ બાળકને તેની બેનના ઘરે ખેતરમાં લઈ ગયો હતો અને બાદમાં ત્યાં જ તેને બાંધી રાખી આસપાસમાં ભીખ મંગાવતો હતો. તેની પાસે કચરો પણ વીણાવતો હતો. તેની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

આરોપી પ્લાસ્ટિક વીણવાનું કામ કરતો હતો
સોલા પોલીસે તાત્કાલિક આ મામલે આરોપીને પકડી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેનું નામ ભરત વાલ્મિકી હોવાનું જણાવ્યું હતું અમદાવાદમાં હેબતપુર પાસે છાપરામાં રહે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરતો હતો અમદાવાદમાં એકલો જ રહેતો હતો અને પત્નીના મૃત્યુ બાદ તેના બંને બાળકો ગામડે રહેતા હતા. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ બાળક સાથે આ રીતે કૃત્ય કર્યું છે કે કેમ તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...