તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જય શ્રીકૃષ્ણ’:ભક્તિમાં બાળક, કર્મમાં યુવાન અને જ્ઞાનમાં વૃદ્ધ બનો, રમેશ ઓઝાનો જન્માષ્ટમી વિશેષ લેખ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાકોરના રણછોડરાયજીનાં દર્શન - Divya Bhaskar
ડાકોરના રણછોડરાયજીનાં દર્શન

ભ ગવાન વેણુનાદ થકી સદવૃત્તિઓનો પ્રસાર કરે છે અને પંચજન્ય શંખનાદ થકી આસુરી વૃત્તિઓનું ઉન્મૂલન કરે છે. ગાયન, વાદન અને નૃત્યુ આ ત્રણેયના સમન્વયને સંગીત કહે છે. અને આપણા કૃષ્ણ આ ત્રણેમાં કુશળ છે. શ્રીકૃષ્ણનું વેણુવાદન સંપૂર્ણ સૃષ્ટિને નાદમય કરે છે. જડ ચેતન અને ચેતન જડવત બની જાય છે. શ્રીમદ ભાગવતનું વેણુગીત, ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીને સમર્પિત છે. વ્રજમાં વેણુનાદ અને કુરુક્ષેત્રમાં શંખનાદ.

મીરા એ દ્વાપરની વ્રજગોપી છે. જે કળિકાળમાં હાથમાં તાનપુરો અને કરતાલ લઈને શ્રીકૃષ્ણપ્રેમમાં તરબોળ થઈને ગાય છે, વાદન કરે છે અને નાચે છે. ભગવાન શ્રીકૃષ્ણ નૃત્ય કરે છે. કાળિયા નાગની ફેણ પર પણ નૃત્ય કરે છે અને વ્રજની ગોપીઓ સાથે પણ રાસલીલા પણ કરે છે. મીરાબાઈએ પ્રેમ થકી વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણને પોતાના ‘હૃદયવિહારી’ બનાવ્યા છે. વિકારી હૃદયમાં વૃંદાવનવિહારી વિહાર કરે તો સમસ્ત વિકારોનો નાશ, વિચારોનું શમન થાય છે. તેથી જ મીરાની જેમ ભગવાનને નિશ્ચલ, નિ:સ્વાર્થ પ્રેમ કરવો જોઈએ.

મીરાબાઈ શ્રીકૃષ્ણની અનન્ય ભક્ત છે. શ્રીકૃષ્ણને આત્મસાત કરતા મીરાબાઈએ સકળ કલાનિધિ શ્રીકૃષ્ણને પોતાના વાદન, ગાયન અને નૃત્યથી રીઝવ્યાં હતા. ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી રે...’ શ્રીકૃષ્ણની ભક્તિ બાળપણથી જ શરૂ કરવી જોઈએ. સંન્યાસ ભલે ચોથા આશ્રમનું નામ હોય, ભક્તિ તો બાલ્યાવસ્થાથી જ થવી જોઈએ. જેમ પ્રહલાદ, ધ્રુવ વગેરેએ કરી હતી. કહેવાય છે કે ભક્તિમાં બાળક બનો,કર્મમાં યુવાન બનો અને જ્ઞાનમાં વૃદ્ધ બનો. બાળકૃષ્ણની નિર્દોષતા અને સહજતા, કિશોર કૃષ્ણના ઉત્સાહ-સ્ફૂર્તિ શૌર્ય આદિ અને પછી કુરુક્ષેત્રમાં ગીતાજ્ઞાનના પ્રબોધક જગદગુરુ શ્રીકૃષ્ણ.

સંત મહાપુરુષોને પ્રગટ કરનારી, તેમના પ્રત્યે ઉત્કૃષ્ટ આસ્થા રાખનારી ભારત ભૂમિ અને તેની ભગવદપ્રેમી ભાવુક જનતાને જન્માષ્ટમીની હાર્દિક વધામણી. કરીએ આનંદધન પ્રભુનું સ્વાગત અને જીવનની ઝોળીને ઉત્સાહ અને પ્રસન્નતાના પંજરી પ્રસાદથી ભરી દઈએ. ભગવાનના જન્મ વખતે ગાઈએ..

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.

શ્રીકૃષ્ણ તમે સર્વત્ર છો...
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો; યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, સેનાપતિમાં કાર્તિકેયને, જળાશયોમાં સમુદ્ર છો; પુરોહિતોમાં બૃહસ્પતિ છો,વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ છો; તેજપુંજમાં સૂર્ય તમે છો, દેવગણોમાં ઇન્દ્ર તમે છો, નક્ષત્રોમાં ચંદ્ર તમે છો; ઈન્દ્રિયોમાં મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો...

125 વર્ષની કૃષ્ણલીલા...
ઇસવીસન પૂર્વે 3228ની 21 જુલાઇ, બુધવારના રોજ મથુરામાં કંસના કારાગારમાં માતા દેવકીની કૂખે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેમના પિતા વાસુદેવ હતા. એ જ દિવસે વાસુદેવ બાળકૃષ્ણને ગોકુળમાં નંદ અને યશોદાના ઘરે મૂકી આવ્યા હતા...

 • માત્ર 6 દિવસની વયે ભાદ્રપદ કૃષ્ણની ચતુર્દશી, 27 જુલાઇ, મંગળવાર, ષષ્ઠી સ્નાનના દિવસે કંસની રાક્ષસી પૂતનાનો વધ કર્યો.
 • 1 વર્ષ, 5 મહિના અને 20 દિવસની વયે માઘ શુક્લ ચતુર્દશીના દિવસે અન્નપ્રાશન સંસ્કાર.
 • 2 વર્ષની વયે મહર્ષિ ગંગાચાર્ય દ્વારા નામકરણ.
 • 2 વર્ષ 10 માસની વયે ગોકુળથી વૃંદાવન ગયા.
 • 5 વર્ષની વયે કાળિયાનાગનું મર્દન કર્યું અને દાવાગ્નિનું પાન કર્યું.
 • 7 વર્ષ, 2 માસ, 7 દિવસની વયે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઊંચકી ઇન્દ્રનું ઘમંડ તોડ્યું
 • 9 વર્ષની વયે અરિષ્ટાસુર (વૃષભાસુર) અને કેશી નામના દાનવનો વધ કર્યો. જેથી ‘કેશવ’ નામ પડ્યું.
 • 10 વર્ષ, 2 માસ અને 20 દિવસની આયુમાં મથુરા નગરીમાં કંસનો વધ કર્યો તથા કંસના પિતા ઉગ્રસેનને મથુરાના સિંહાસન પર બેસાડ્યા.
 • 11 વર્ષની વયે અવન્તિકામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં 126 દિવસમાં છ અંગો સહિત સંપૂર્ણ વેદ, ગજશિક્ષા, અશ્વશિક્ષા અને ધનુર્વેદ (કુલ 64 કળાઓ)નું જ્ઞાન પ્રાપ્ત કર્યું. દૈત્યના વધ બાદ પંચજન્ય શંખ ધારણ કર્યો.
 • 12થી 28 વર્ષની વયમાં રત્નાકર (સિંધુસાગર) પર દ્વારકા નગરીની સ્થાપના કરી તથા આ જ વયે મથુરામાં કાલયવનની સેનાનો સંહાર કર્યો.
 • 29થી 37 વર્ષની વય દરમિયાન રુક્મણિ હરણ, દ્વારકામાં રુક્મણિ સાથે વિવાહ. નરકાસુર પાસેથી છોડાવવામાં આવેલી 16,100 કન્યાઓ સાથે દ્વારકામાં વિવાહ. કર્યા.
 • 75 વર્ષ, 2 માસ અને 20 દિવસની વયે જરાસંધના વધમાં ભીમની મદદ કરી.
 • 75 વર્ષ, 6 માસની વયે શિશુપાલનો વધ કર્યો.
 • 75 વર્ષ 10 માસ, 24 દિવસની વયે પ્રથમ જુગટુમાં દ્વૌપદીના ચિર પૂર્યા.
 • 89 વર્ષ અને 2 માસની વયે મદદ માટેની દુર્યોધન અને અર્જુન બન્નેની વિનંતી સ્વીકારી. અર્જુનના સારથિ બનવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો.
 • 89 વર્ષ 3 માસ અને 17 દિવસની વયે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું.
 • 89 વર્ષ, 7 માસ અને 7 દિવસની વયે ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરાવ્યો.
 • 125 વર્ષ, 4 માસની વયે દ્વારકામાં યદુવંશના કુળનો વિનાશ થયો. ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો.
 • 125 વર્ષ, 5 માસ અને 21 દિવસની વયે બપોરે 2 વાગ્યેને 27 મિનિટે પ્રભાસ ક્ષેત્રમાં સ્વર્ગારોહણ કર્યું એ સાથે કળિયુગનો આરંભ થયો.
અન્ય સમાચારો પણ છે...