75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:CM રૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી 'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપ્યું, રાજ્યમાં નવા 5 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર
  • જૂનાગઢના બિલખા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
  • રાજ્યની પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાઈ, આમ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું.

મુખ્યમંત્રીએ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા અર્પણ કર્યા હતા
મુખ્યમંત્રીએ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા અર્પણ કર્યા હતા

'દેશને આઝાદી અપાવનારા સ્વતંત્રતા સેનાનીઓને નમન'
જૂનાગઢથી ગુજરાતીઓને સંબોધતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.

વેક્સિનેશન મામલે ગુજરાત દેશમાં પ્રથમ
CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.

રાજ્યમાં 5 લાખ ગેસ કનેક્શન આપવાની મુખ્યમંત્રીની જાહેરાત
રાજ્યમાં 5 લાખ ગેસ કનેક્શન આપવાની મુખ્યમંત્રીની જાહેરાત

રાજ્યમાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને અપાશે
CMએ વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરાનાના સંક્રમણને કાબુમાં લેવાયેલા પગલા, તાઉતે વાવાઝોડામાં ખડેપગે રહીને અસરગ્રસ્ત લોકો-ખેડૂતોને તાત્કાલિક સહાય-સધિયારો, કિસાનોને પ્રગતિ માટે સહાય, મહિલાઓના ઉત્કર્ષ, દિવ્યાંગો, ગંગાસ્વરૂપા બહેનો, યુવાઓને રોજગારી તેમજ પાંચ વર્ષમાં સુશાસન, ઇમાનદારી અને સંવેદના પુર્વક સેવાકીય કામગીરી થકી કરેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી. ગુંડાગીરી નાબુદી, ગૌ હત્યા નિવારણ, ભૂ-ડ્રગ્સ માફીયા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કહી ગુજરાતમાં પ્રજાની શાંતિ-સુખાકારી અને સલામતિ માટે લેવાયેલા શ્રેણી બદ્ધ પગલાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.