મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દેતા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ આપેલા રાજીનામા સ્વીકારી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય વ્યવસ્થા થાય ત્યા સુધી મુખ્યમંત્રી રૂપાણી અને તેમના મંત્રીમંડળે તેમના હોદ્દા પર કામગીરી જાળવી રાખવા રાજ્યપાલે વિનંતી કરી છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી બદલાય અને આ પદ માટે નવા ચહેરાની ચર્ચાએ જોર પડક્યું હતું, પણ હવે સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા હવે ગુજરાતની આખી સરકાર જ નવી બનશે અને નવા પ્રધાનોની નિમણૂંક થશે. આ માટે ગુજરાતથી લઈને દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
આવી રીતે ગયા રૂપાણી
શુક્રવારે રાત્રે 8.30થી 9ની વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા અને માત્ર અેક લાઇન કહી ‘સાહેબ ઇચ્છે છે કે તમે...’ સવારે 10 વાગે મોદીના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બપોરે સવા 2 વાગે રૂપાણી રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને કહ્યું- ‘આભાર વ્યક્ત કરવા આવ્યો છું.’ આટલું કહી હિન્દીમાં લખેલું રાજીનામું આપ્યું.
રાજીનામાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઇ પણ અણસાર વગર અચાનક જ રાજીનામું ધરી દેતાં ગુજરાતનાં ઠંડા વરસાદી માહોલમાં ગરમી પ્રસરી ગઇ હતી. લોકોએ પણ અચાનક બનેલી ઘટનાની મજા લેતાં વિવિધ મેસેજ ફરતાં કરીને સોશિયલ મીડિયા માથે લીધું હતું. વિજય રૂપાણી, નીતિન પટેલ, પાટીદાર, ગાંધીનગર જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયાં હતાં.
રાજીનામુ આપી રૂપાણીએ સૌને ચોકાવી દીધા
આ અગાઉ સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા હતા. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. દરમિયાન સી આર પાટીલ અને નીતિન પટેલ કમલમ્ ખાતે મળ્યા હતા. જ્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મનસુખ માંડવિયા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસદંગી માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.
રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ્ ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. રાજ્યપાલે રાજીનામું સ્વીકારી લીધું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી મળી શકે છે. રવિવારે ધારાસભ્યની બેઠક બાદ નવા મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત થશે.
ગુજરાત ભાજપમાં હલચલ તેજ
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ્ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ-પ્રમુખ સી. આર. પાટીલની બેઠક ચાલી હતી, જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર હતા.
એકાએક કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમદાવાદ આવ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમનાં બહેનના ત્યાં ગયા હતા, ત્યાર બાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.