ગુજરાતનાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજભવન ખાતે શપથવિધી બાદ સૌથી પહેલા સ્વામિનારાયણ ધામ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં વડા ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પસ્વામીનાં આશીર્વાદ લેવા પધાર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના 17મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત શાલીન અને મૃદુભાષી હોવા ઉપરાંત આધ્યાત્મિક વિચારોના રંગે પણ રંગાયેલા છે.
SMVS સ્વામિનારાયણ ધામ ખાતે દર્શન કર્યા
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ગાંધીનગર-રાજભવન ખાતે શપથવિધિ બાદ તુરંત જ મુખ્યમંત્રી SMVS સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન તથા SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં વડા ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પસ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે પધાર્યા હતા.
પ.પૂ.સત્યસંકલ્પસ્વામીએ મુખ્યમંત્રીનાં હસ્તમાં રક્ષા બાંધી
નવા સીએમને સંસ્થાના વડીલ સંતોએ તેમને મંદિર પરિસરમાં આવકાર્યા હતા. ત્યારબાદ તેઓએ સંસ્થાનાં આદ્ય સ્થાપક ગુરુદેવ પ.પૂ.બાપજીનાં સ્મૃતિ સ્થળ “અનાદિમુક્ત પીઠીકા” આગળ પુષ્પ વધાવી દર્શન કર્યા હતા. અનાદીમુક્ત પીઠીકાનાં દર્શન કરી તેઓ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન માટે મંદિરે પધાર્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પસ્વામીનાં દિવ્ય આશીર્વાદ ગ્રહણ કર્યા અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીએ મુખ્યમંત્રીનાં હસ્તમાં રક્ષા બાંધી, પેંડાથી મોં મીઠું કરાવ્યું હતું તથા સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ.પૂ.સ્વામીશ્રી એ ગુજરાત રાજ્યનાં નાનામાં નાના છેવાડાનાં વ્યક્તિની ખુબ સેવા થાય અને ગુજરાત પ્રગતિનાં શ્રેષ્ઠ શિખરો સર કરે તેવી શુભેચ્છા સહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આશીર્વાદ પાઠવ્યા હતા.
શપથગ્રહણમાં મોટી સંખ્યામાં હાજરી રહી
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યાં હતાં. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.