રિસામણા-મનામણા:આખુ મંત્રીમંડળ બદલાશે? 29 મંત્રી-MLA કોપભવનમાં, આજે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ યોજાશે

અમદાવાદ10 મહિનો પહેલા
શપથવિધિનાં પોસ્ટર્સ હટાવી લેવાયાં.
 • મોટા હોદ્દાઓ માટે જુદાં જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબારમાં ગયો
 • હોદ્દાઓ માટે બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નથી!
 • છેલ્લી ઘડીએ શપથવિધિ કરવાના નિર્ણયથી નો-રિપીટ થિયરી લાગુ થવાની પક્ષમાં આશંકા
 • પાટીદાર – 7થી 8, અન્ય સવર્ણ – 5, ઓબીસી- 8થી 10, દલિત – 2, આદિવાસી – 2થી 3 મંત્રીઓ હોઈ શકે
 • આજે 27 મંત્રીઓની શપથવિધિ, બધાં નવા ચહેરા, કોઇ નાયબ મુખ્યમંત્રી નહીં
 • રૂપાણી અને પાટીલને ડેમેજ કંટ્રોલની જવાબદારી, મોટા મંત્રી, મોટી સમસ્યા

ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. મંચ સજાવી દીધા બાદ, બેનરો લગાવી દીધા પછી છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટાળી દેવામાં આવ્યું હોય એવું દેશમાં પહેલીવાર જોવા મળ્યું હતું. કોઈ પણ પ્રધાનને રિપીટ નહીં કરવાની થિયરીના કારણે 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પોતાના મંત્રીઓની નારાજગીના કારણે આ પગલું ભરવું પડ્યું હતું. બુધવારે શપથવિધિ ટળી ગયા બાદ તાબડતોડ બધા જ બેનર ફાડી દેવામાં આવ્યા હતા. હવે ગુરુવારે 1.30 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ 30 જેટલા મંત્રીઓ-ધારાસભ્યો નો-રિપિટ થિયરીથી અત્યંત નારાજ છે અને કોઈપણ હદે જવા માટે મક્કમ છે. એમાંથી મોટાભાગના એ મંત્રી છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. કુંવરજી બાવળિયા તો ખુલીને બહાર આવી ગયા છે. સમાજ દ્વારા પાર્ટી હાઇકમાન્ડને ચેતવણી આપી રહ્યા છે કે કોળી સમાજનું અપમાન થયું તો ચૂંટણીમાં જોઈ લઈશું. અંતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સંભાળવી પડી છે.

બુધવારે સવારથી જ રાજભવનમાં મંત્રીમંડળના શપથવિધી સમારોહનું આયોજન થઇ રહ્યું હતું. ત્યાં જૂના મંત્રીમંડળના તમામ સભ્યો એક-એક કરીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. આ તરફ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને ત્યાં ગણપત વસાવા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો સાથે તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા મળવા આવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી.

બપોરે 4 વાગ્યા પછી રાજભવનમાં તૈયાર કરાયેલાં મંચ પરથી શપથવિધી સમારોહના પોસ્ટર ફાડીને દૂર કરવા પડ્યાં હતાં. આ તરફ નીતિન પટેલ, કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી સહિતના નેતાઓના સમર્થકો ગાંધીનગરમાં તેમના બંગલા પર મળવા આવી પહોંચ્યાં હતાં. આ ઘટનાના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડતાં નેતાઓના સમર્થકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધાં હતાં. પણ પક્ષની નેતાગીરીએ મક્કમ સ્વરે જણાવ્યું છે કે ગુરૂવારે નવા ચહેરાંઓ સાથેના જ મંત્રીમંડળના શપથગ્રહણ માટે કેન્દ્રીય નેતૃત્વ મક્કમ છે.

ભાજપ-પ્રમુખ સીઆર પાટીલના ઘરેથી ગણપત વસાવા,ઈશ્વર પરમાર અને મોહન કુંડારિયા રવાના થયા, ગણપત વસાવાએ જણાવ્યું હતું કે અમને કોઈ સૂચના આપી નથી, અમે બધા ભાજપના સૈનિકો છીએ. ભાજપ અમને જે પણ કામ સોંપશે એ કામ કરવા અમે તૈયાર છીએ. બીજી તરફ, સુરતના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા પાટીલના ઘરે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ ગુજરાતની જનતા માટે સરપ્રાઈઝ નામ હતું. હવે મંત્રીમંડળની રચના માટે અનેક જૂના લોકોને પડતા મૂકીને નવાને સ્થાન આપવાની વાત વહેતી થઈ છે, પરંતુ જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ પણ એક ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં.

સરકાર, શાખ અને સન્માનની લડાઈ
બુધવારે મધરાતે 12 વાગ્યા બાદ જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના છે તેમને પાર્ટીના નેતાઓ તરફથી ફોન કરીને જણાવવામાં આવશે. ત્યારબાદ સવારે તમામ ધારાસભ્યોને ગાંધીનગર રાજભવન ખાતે હાજર રહેવા જણાવાશે. જો કે એ દરમિયાન કોઈપણ નામ જાહેર ન થાય તેની કાળજી રાખવામાં આવશે. બપોરે દોઢ વાગ્યે નવું મંત્રીમંડળ શપથગ્રહણ કરી લેશે. આ ઔપચારિકતા પૂર્ણ થયા બાદ થોડી જ વારમાં સચિવાલયમાં નવા બનેલા તમામ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક યોજશે. આ બેઠકમાં દરેક મંત્રીને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે. દરમિયાન પ્રદેશ નેતૃત્વ ડેમેજ કન્ટ્રોલ કવાયત કરી રહ્યું છે.

આ નારાજ...
19 મંત્રી, 10 ધારાસભ્યો ‘નો રિપીટ’થી ભડક્યા

1. નીતિન પટેલ, મંત્રી
2. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી
3. પ્રદીપસિંહ જાડેજા, મંત્રી
4. કૌશિક પટેલ, મંત્રી
5. દિલીપ ઠાકોર, મંત્રી
6. સૌરભ પટેલ, મંત્રી
7. જયેશ રાદડિયા, મંત્રી
8. કુંવરજી બાવળિયા, મંત્રી
9. જવાહર ચાવડા, મંત્રી
10.ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી
11. જયદ્રથસિંહ પરમાર, મંત્રી
12. કિશોર કાનાણી, મંત્રી
13. ઇશ્વરસિંહ પટેલ, મંત્રી
14. રમણ પાટકર, મંત્રી
15.યોગેશ પટેલ, મંત્રી
16.પરસોત્તમ સોલંકી, મંત્રી
17. વિભાવરી દવે, મંત્રી
18. બચુ ખાબડ, મંત્રી
19. વાસણ આહિર, મંત્રી
20. રાજેન્દ્ર ત્રિવેદી, સ્પીકર
21. જીતુ સુખડીયા, MLA
22. રાઘવજી પટેલ, MLA
23. આર.સી.પટેલ, MLA
24. જેઠા ભરવાડ, MLA
25. સી.કે.રાઉલજી, MLA
26.પૂર્ણેશ મોદી, MLA
27.ગોવિંદ પરમાર, MLA
28. મધુ શ્રીવાસ્તવ, MLA
29. ઝંખના પટેલ, MLA

લગાવેલાં પોસ્ટર કાઢી નાખવામાં આવ્યાં.
લગાવેલાં પોસ્ટર કાઢી નાખવામાં આવ્યાં.

વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરાશે
ભાજપનાં આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય એવી શક્યતા છે. એટલું જ નહીં, જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. આજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ યોજાશે. રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ.

ધારાસભ્યોને મંત્રી બનાવવા બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ
બીજી બાજુ, સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભૂપેન્દ્રભાઈ સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિનું આંકલન કરવા માટે ગાંધીનગરથી નીકળી ગયા હતા. તેમની ગેરહાજરીમાં કમલમ-સી.આર.ના બંગલે 24 કલાકથી મંત્રીઓનાં નામની યાદીમાં ફેરફારો થઈ રહ્યા છે. ગુજરાત ભાજપમાં બે મોટાં જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે અંદરખાને મોટી તડાફડી છે, એટલે મંત્રીમંડળની રચના જેમ બને એમ વહેલી થાય તો સારું અને એ દિશામાં જ કામગીરી ચાલી રહી છે.

વિજય રૂપાણીના મંત્રીમંડળના 90 ટકા મંત્રીઓને ડ્રોપ કરી દેવાશે.
વિજય રૂપાણીના મંત્રીમંડળના 90 ટકા મંત્રીઓને ડ્રોપ કરી દેવાશે.

મંગળવારે રાત્રે ધારાસભ્યોને રાજભવન પહોંચવા સૂચના અપાઈ
આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાવાની તૈયારી કરાઈ હતી. પક્ષ તરફથી તમામ ધારાસભ્યોને આજે અથવા આવતીકાલે ગાંધીનગરમાં રાજભવન ખાતે હાજર થઈ જવા આદેશ કરાયો છે. બીજી તરફ શપથગ્રહણ મુદ્દે GAD,પ્રોટોકોલ વિભાગને કોઈ સૂચના હજી સુધી નહીં મળી હોવાનું જાણવા મળ્યું છે. હવે શપથગ્રહણ ક્યારે થશે એને લઈને અસમંજસ યથાવત્ છે. જૂના મંત્રીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. જોકે છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાનો નિર્ણય લેવાતાં નો-રિપીટ થિયરી લાગુ કરાય એવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.

કેટલાક સિનિયર મંત્રીઓને સ્થાન મળી શકે છે
ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 22 કે 25 સભ્યો હોવાને બદલે 27 સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

નવી સરકારના સંભવિત મંત્રીઓ

 • નિમાબહેન આચાર્ય- ભુજ
 • જગદીશ પટેલ- અમરાઈવાડી
 • શશિકાંત પંડ્યા- ડીસા
 • ઋષિકેશ પટેલ- વીસનગર
 • ગજેન્દ્રસિંહ પરમાર-પ્રાંતિજ
 • ગોવિંદ પટેલ- રાજકોટ
 • આર.સી. મકવાણા- મહુવા
 • જિતુ વાઘાણી- ભાવનગર
 • પંકજ દેસાઇ- નડિયાદ
 • કુબેર ડિંડોર- સંતરામપુર
 • કેતન ઇનામદાર- સાવલી
 • મનીષા વકીલ- વડોદરા
 • દુષ્યંત પટેલ- ભરૂચ
 • સંગીતા પાટીલ- સુરત
 • મોહન ઢોડિયા- મહુવા
 • નરેશ પટેલ- ગણદેવી
 • કનુભાઈ દેસાઈ- પારડી
 • ડો. આશાબેન પટેલ- ઊંઝા
 • હર્ષ સંઘવી- સુરત

રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરી 4ને સ્થાન મળી શકે
ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજવામાં આવી છે. ત્યારે રૂપાણી સરકારના 22 મંત્રીના કદને ઘટાડી 16 મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે.

ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્ચમંત્રીપદના શપથ લીધા હતા.
ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્ચમંત્રીપદના શપથ લીધા હતા.

યુવા નેતાઓને મંત્રીપદમાં સમાવવામાં આવી શકે
નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે, પરંતુ ગૃહ ખાતાને બદલે પ્રદીપસિંહને અન્ય ખાતાની ફાળવણી કરવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને પ્રદીપસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ છે, જ્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બદલે શિક્ષણખાતું આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ 60 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવે એવી શક્યતાઓ છે.

નવું મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

અન્ય સમાચારો પણ છે...