દમદાર તસવીર પર એક નજર:પાટીદાર સમાજના કાર્યક્રમમાં રૂપાણી-નીતિન પટેલને વાતચીત કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખુરશી નડી!

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમમાંથી રવાના થયા હતા
  • રૂપાણી અને નીતિન પટેલની ખુરશીની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાલી ખુરશી નજરે પડે છે

અમદાવાદના પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનું અંતર કેટલું વધ્યુ છે અને વચ્ચે કોણ આવી ગયું છે તે દર્શાવતી એક દમદાર તસવીર સામે આવી છે. જેમા રૂપાણી અને નીતિન પટેલની ખુરશીની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાલી ખુરશી નજરે પડે છે. જેથી રૂપાણી અને નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલની ખુરશીના પાયાને પકડીને અંતર રાખીને ચર્ચા કરતા નજરે પડે છે. જોકે થોડીવાર બાદ નીતિન પટેલ પોતાની જગ્યા છોડીને જીતુ વાઘણી પાસે બેઠા અને પ્રદીપ પરમાર ઉભા થઈને પ્રદીપસિંહ જાડેજા પાસે બેઠા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમમાંથી રવાના થયા હતા.

રૂપાણી અને નીતિન પટેલની તસવીર બની ચર્ચાનો વિષય
રૂપાણી અને નીતિન પટેલની તસવીર બની ચર્ચાનો વિષય

પદ છોડ્યા બાદ જાહેર કાર્યક્રમોમાં ઓછા જોવા મળે છે રૂપાણી-નીતિન પટેલ
ગત 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સહિત આખી સરકારને ઘર ભેગી કરવામાં આવી હતી. જ્યારે નવા મુખ્યમંત્રી તરીકે નવાસવા ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક કરાઈ હતી. જ્યારે રૂપાણીની સરકારના એકપણ મંત્રીને રિપીટ કર્યા વગર આખી પટેલ સરકાર નવી જ રચાઈ હતી. જેથી રૂપાણી સહિતના તમામ મંત્રીઓ પદ પરથી રવાના થઈ ગયા હતા. જેથી તેઓ જાહેર કાર્યક્રમોમાં ખુબ જ ઓછા જોવા મળતા હતા. પરંતુ આજે અમદાવાદ ખાતેના વિશ્વ ઉમિયા ફાઈન્ડેશનના મંદિર નિર્માણ કાર્યક્રમમાં પૂર્વ સીએમ અને પૂર્વ નાયબ સીમે સહિતના પૂર્વ મંત્રીઓની સાથે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રિત કરાયા હતા.

ભાજપના અન્ય પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા
ભાજપના અન્ય પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા

ખુરશી નડતી હોય તેવા બંનેના ચહેરાના હાવભાવ હતા
આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી વ્યવસ્થા પણ એકપણ ઉડીને આંખે વડગે તેવી હતી. કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખુરશી સ્ટેજની વચ્ચોવચ ગોઠવાઈ હતી. જ્યારે તેમની ડાબી અને જમણી બાજુ વિજય રૂપાણી અને નિતીન પટેલની ખુરશીઓ મુકાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના સ્થળે પહોંચે તે પહેલા પૂર્વ થઈ ગયેલા રૂપાણી અને નીતિન પટેલ વહેલા પહોંચી ગયા હતા. આ દમિયાન રૂપાણી અને નીતિન પટેલે અંદરોઅંદર વાતચીત કરતી વખતે ભૂપેન્દ્ર પટેલની ખુરશી નડતી હોય તેવા બંનેના ચહેરાના હાવભાવ જોવા મળતા હતા.

પાટીદાર સમાજના કાર્યક્રમ બાદ રૂપાણીએ આપી દીધું હતું રાજીનામું
ગત 11 સપ્ટેબર 2021ને શનિવારે અમદાવાદ ખાતે પાટીદાર સમાજદ્વારા નિર્મિત સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પૂર્ણ થયાના કલાકોમાં જ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. તેમના રાજીનામાં બાદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી સોશિયલ મીડિયામાં કોઈ પ્રતિક્રિયા ન આવતા સો.મીડિયા યુઝર્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોએ પણ અચાનક બનેલી ઘટનાની મજા લેતાં વિવિધ મેસેજ ફરતાં કરીને સોશિયલ મીડિયા માથે લીધું હતું. વિજય રૂપાણી, નીતિન પટેલ, પાટીદાર, ગાંધીનગર જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...