સરકાર હવે હરકતમાં આવી:ઊર્જા વિભાગના ભરતીકૌભાંડમાં સરકાર ઊંઘતી ઝડપાઈ, મીડિયા અહેવાલો બાદ સરકારને જાણ થયા પછી તપાસના આદેશ કર્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી જિતુ વાઘાણી. - Divya Bhaskar
શિક્ષણમંત્રી જિતુ વાઘાણી.
  • આરોપો બાદ પણ પરીક્ષા યથાવત્ રહેશે, હાલમાં આરોપોની તપાસ થશેઃ શિક્ષણમંત્રી જિતુ વાઘાણી

ઊર્જા વિભાગની ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો AAP નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે. આ ભરતીકૌભાંડમાં રાજ્ય સરકાર ઊંઘતી ઝડપાઈ છે. જિતુ વાઘાણીએ કહ્યું હતું કે આ કૌભાંડની મીડિયા અહેવાલો દ્વારા જાણ થઈ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપી દીધા છે.

રાજ્ય સરકારના પ્રવક્તા-શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશાં પારદર્શી છે અને રહેશે જ. રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકના જેટકો દ્વારા ચાલી રહેલી જુનિયર ઇજનેરની પરીક્ષા સંદર્ભે જે આક્ષેપો થયા છે એ તમામની સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરાશે. આક્ષેપોમાં જો તથ્ય જણાશે તો કસૂરવારોને રાજ્ય સરકાર છોડશે નહીં. રાજ્યમાં યોજાઇ રહેલી જુનિયર એન્જિનિયરની આ પરીક્ષાઓ સંદર્ભે મીડિયાના માધ્યમો દ્વારા ગેરરીતિના જે આક્ષેપો જાણવા મળ્યા છે એ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત તપાસના આદેશો આપ્યા છે.

પરીક્ષા પારદર્શી રીતે યોજવા કડક આદેશો કર્યા
જિતુ વાઘાણીએ કહ્યું હતું કે આગામી 7મી જાન્યુઆરી સુધી યોજાનારી પરીક્ષા વધુ સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા કડક આદેશો કર્યા છે. પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે થયેલા આક્ષેપો અંગે જે લોકોએ જાણકારી આપી છે તેને આવકારતાં કહ્યું હતું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ તત્ત્વોને રાજ્ય સરકાર છોડવા માગતી નથી. ભુતકાળમાં પણ અમે ચાર્જશીટ સહિતના કડકમાં કડક પગલાં લીધાં છે. ભવિષ્યમાં પણ આવું કદી ન બને એ માટે અમારું મન હંમેશાં ખુલ્લું છે. ક્યાંય પણ આવું બનતું હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા તેમણે અપીલ પણ કરી છે.

AAPના નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને આક્ષેપ કર્યો.
AAPના નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને આક્ષેપ કર્યો.

CCTV તથા વીડિયોગ્રાફી સાથે પરીક્ષા યોજાઈ રહી છે
જેટકો દ્વારા રાજ્યમાં જુનિયર એન્જિનિયરની સિવિલ અને ઇલેક્ટ્રિકલના સંવર્ગ માટેની 352 જગ્યા માટે આજથી પરીક્ષા શરૂ થઇ છે. 22 સેન્ટરો પર આ પરીક્ષા યોજાઇ રહી છે અને અંદાજે 35 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. પરીક્ષા પારદર્શી રીતે યોજાય એ માટે CCTV તથા વીડિયોગ્રાફી દ્વારા સર્વેલન્સ સાથે પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા ઓનલાઇન લેવાઇ રહી છે, જેમાં મેરિટના આધારે પસંદગી થવાની છે. ઊર્જામંત્રીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પરીક્ષા પારદર્શી રીતે યોજાય એ માટેનું નક્કર આયોજન કરાયું છે.

વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહે ગેરરીતિનો આક્ષેપ કર્યો
ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલાં ધોવાઈ રહ્યાં છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે "અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનાં હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ."

પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ
છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ કરીને તેમણે ખળભળાટ મચાવી દીધો છે, જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે એમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં ઊર્જા વિભાગની ભરતીમાં મોટે પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...