CMની શુભેચ્છા મુલાકાત:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલ સાથે મુલાકાત, વાઇબ્રન્ટ સમિટનું ભાગ લેવા ઇઝરાયલને આમંત્રણ આપ્યું

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલ સાથે મુખ્યમંત્રી - Divya Bhaskar
ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલ સાથે મુખ્યમંત્રી
  • કો-ઓપરેશન, કો-ઓર્ડિનેશન, મ્યુચ્યુઅલ પાર્ટનરશીપથી ઇઝરાયલ ગુજરાત સંબંધો આગળ વધારવા કોન્સ્યુલેટ જનરલે ઉત્સુકતા દર્શાવી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદ કાર્યકાળમાં ભારત-ઇઝરાયલ સંબંધો સુદ્રઢ થયા છે- મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઇ સ્થિત ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાની સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલના ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સી, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી હતી. સાથે આગામી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઇઝરાયલને નિમંત્રણ આપ્યું હતું.

PM મોદીએ વિશ્વના દેશોમાં વેક્સિન પહોંચાડી તેની સરાહના કરી
શ્રીયુત કોબ્બી શોષાનીએ ખાસ કરીને વોટર મેનેજમેન્ટ અને સાયબર સિક્યુરિટીમાં ઇઝરાયલ વર્લ્ડ લીડર છે તેની વિગતો આપતાં મુખ્યમંત્રીને જણાવ્યું કે, ઇઝરાયલ-ગુજરાત કો-ઓપરેશન, કો-ઓર્ડીનેશન અને મ્યુચ્યુઅલ પાર્ટનરશીપથી આગળ વધી શકે તેમ છે. તેમણે કોરોનાના કપરાકાળમાં ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશોને વેક્સિન પહોંચાડવાનો જે માનવતાવાદી અને બંધુત્વ ભાવ પ્રેરિત પ્રયોગ કર્યો છે તેની પણ સરાહના કરી હતી.

ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલની પ્રથમ ગુજરાત મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલેટ જનરલની ગુજરાતની આ પ્રથમ મુલાકાતથી દ્વિપક્ષી સંબંધોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન ઇઝરાયલ-ભારતના સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે તેની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ વોટર મેનેજમેન્ટ અને સાયબર સિકયુરિટીની ઇઝરાયલની એક્સપર્ટીઝનો ગુજરાતને લાભ મળે તે માટેની તત્પરતા પણ દર્શાવી હતી.

વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઇઝરાયલને આમંત્રણ અપાયું
વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઇઝરાયલને આમંત્રણ અપાયું

રિસર્ચમાં ઇઝરાયલના મળેલા સહયોગની સરાહના કરી
ભૂપેન્દ્ર પટેલે આઇ-ક્રિયેટના સેન્ટર ઓફ એક્સલન્સ, વેજિટેબલ અને ખારેક-ખજૂર માટેના રિસર્ચ અને સેન્ટર ઓફ એકસલન્સમાં ઇઝરાયલનો જે સહયોગ મળ્યો છે તેમજ ડિસેલીનેશન પ્લાન્ટ્સની ઇઝરાયલ પેટર્નનો લાભ પણ ગુજરાતને મળ્યો છે તે માટે આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં એમ પણ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને સાથે રાખીને કઇ રીતે વિકાસ સાધી શકાય તેનું દર્શન સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રથી દુનિયાને કરાવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ભેટ રૂપે અપાઈ
વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ કર્યુ છે તેની અવશ્ય મુલાકાત લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયલ કોન્સ્યુલ જનરલને આગ્રહ કર્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ 2022માં ઇઝરાયલ સહભાગી થાય તેવું નિમંત્રણ આપતાં અગાઉની વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયલના પ્રતિનિધિમંડળોની મુલાકાત તેમજ પૂર્વ વડાપ્રધાન નેતન્યાહૂની ગુજરાતની સફળ મુલાકાતની સ્મૃતિ તાજી કરી હતી. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ ઇઝરાયલ કોન્સ્યુલ જનરલને સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.