શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપીઓ બેંક લોન લેનારા અમેરિકી નાગરિકોને ઈ-મેલ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરી રૂપિયા પડાવતા હતા. આ કૌભાંડની જાણ પોલીસને થતાં પોલીસે મુદ્દામાલ સહિત ફેક કોલ સેન્ટર ચલાવતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ અમેરિકન નાગરિકો પાસે મની પેક કાર્ડમાં ચાર્જ વસૂલ કરતા હતા.
ઈ-મેલ કરીને નાણાં પડાવતા હતા
રખિયાલ પોલીસે પકડેલા ભેજાબાજ આરોપીઓ અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવતાં હતા. ઈ-મેલ કરીને બેંકમાંથી લોન લેનાર અમેરિકન લોકોને રૂપિયા નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપતા હતા. પોતાની વાતોમાં ભરમાવીને તેમની પાસેથી નાણાં પડાવતા હતા. અમેરિકન ડોલર પેટે ચલણી નાણાં મેળવવા માટે MONEY PACK કાર્ડનો ઉપયોગ કરાવી નાણાં મેળવતા હતા. આ ભેજાબાજ ટોળકીની કરતૂતો રખિયાલ પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર અને રૂપિયા કરવાના મશીન સાથે ઝડપી પાડ્યા છે.
બે આરોપીઓ પકડાયા બે ફરાર
રખિયાલ પોલીસે ઝડપેલા બંને આરોપીઓના નામ સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા છે. આ બંને આરોપીઓ છેલ્લા છ મહિનાથી રખિયાલ વિસ્તારના રાજીવનગરમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર કોલ સેન્ટરનું કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં લેપટોપની સાથે સાથે નાણાં ગણવાનું મશીન પણ મળ્યું છે.
મકાન ભાડે રાખીને કોલ સેન્ટર ચલાવતાં
અમેરિકન નાગરિકોને લૂંટીને આ ટોળકી બેફામ કાળું ધન ભેગું કર્યું હોવા શક્યતા છે. હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરિતોએ પકડવા પોલીસે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ જે મકાનમાં ભાડે રહેતા હતા. ત્યાં તેમણે મકાનમાલિકને કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ હોવાનું કહી મકાન ભાડે રાખ્યું હતું.
વિદેશી નાગરિકોને છેતરવાના કિસ્સા વધી રહ્યા છે
વિદેશી નાગરિકો પાસેથી બોગસ કોલ સેન્ટરની આડમાં રૂપિયા પડાવવાનું આ નેટવર્ક કોઈ નવું નથી. અગાઉ પણ અનેક ટોળકીઓ બોગસ કોલ સેન્ટરમાં ઝડપાઈ ચૂકી છે. પરંતુ, નોંધનીય છે કે વિદેશી નાગરિકોને છેતરીને નાણાં પડાવવાના કૌભાંડમાં હવે 18થી 25 વર્ષના યુવાનો જોડાવાનો રેશિયો વધી ગયો છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો જણાવે છે કે યુવા વર્ગ પર પરિવાર કે વડીલો દ્વારા નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં યુવા પેઢી આ પ્રકારની ગુનાખોરીના ફસાતી જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.