સ્કૂલનું બ્લેકમેઇલિંગ:પ્રવેશપ્રક્રિયા પહેલાં તપાસ કરી, એડમિશન થતાં જ રદ કરવા દબાણ, આનંદ નિકેતન સ્કૂલની મનમાનીથી વાલી કંટાળ્યા

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • સ્કૂલે વાલીઓનાં જૂનાં આઇટી રિટર્ન, વાલીનાં માતા-પિતાને રિટર્ન અને સંપત્તિ બતાવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા RTEમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વાલીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. સ્કૂલને કારણે વાલીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને એના ત્રાસથી એડમિશન કેન્સલ કરાવવા સુધી તૈયાર થઈ ગયા છે. સ્કૂલ દ્વારા જૂના ડોક્યુમેન્ટ અને જૂનાં આઇટી રિટર્ન બતાવીને વાલીઓને પોલીસ કેસ કરવાની તથા અન્ય ધમકી આપીને એડમિશન કેન્સલ કરાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ખાનગી રીતે પુરાવા ભેગા કર્યા
RTEની પ્રવેશપ્રક્રિયા દરમિયાન આનંદ નિકેતન સ્કૂલ દ્વારા ખાનગી રાહે વાલીઓની સંપત્તિ, આઇટી રિટર્ન, લાઈટ બિલ સહિતની વિગતો તપાસીને ફાઇલ બનાવી હતી. આ ફાઇલ RTEની પ્રવેશપ્રક્રિયા પૂરી થતાં જ ખુલ્લી કરવામાં આવી અને વાલીઓને ખોટી રીતે હેરાન કરીને એડમિશન રદ કરવા દબાણ કરવામાં આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓના ઘરે પણ ખાનગી મોકલીને RTEમાંથી આવ્યા હોવાનું કહીને તપાસ કરાવવામાં આવી હતી. વાલીઓનાં ઘરના વીડિયો, ફોટા અને બેંકની વિગતો પણ મેળવવામાં આવી હતી, જેને લઈને વાલીઓ પણ પરેશાન થયા છે.

એડમિશન રદ કરવા પહેલાં પ્રેમથી પછી ધમકી અપાઈ
સ્કૂલ દ્વારા 15 જેટલા વાલીની ફાઇલ બનાવીને સૌપ્રથમ શાંતિથી એડમિશન રદ કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ સ્કૂલ દ્વારા અન્ય સ્કૂલમાં એડમિશન અપાવીને ત્યાં ફી ભરવાની લાલચ આપવામાં આવી હતી. તેમાં પણ વાલી તૈયાર ન થતાં આખરે સ્કૂલ દ્વારા પોલીસ સ્ટેશન અને DEO કચેરી અરજી કરવામાં આવી હતી. સ્કૂલ દ્વારા વાલીને પોલીસ કેસ અને અન્ય કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે વાલીએ હાર ના માનતાં અંતે સ્કૂલે DEO કચેરીનો સહારો લીધો છે, જેમાં આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી છે.

વ્હીકલ કે પ્રોપ્રટી નથી છતાં એડમિશન રદ કરવા દબાણ
માજીદ ખાન નામના વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલે મને કહ્યું કે તમારું બાળક RTE હેઠળ એડમિશન મેળવવા લાયક નથી. મારા નામે વ્હીકલ નથી, બેન્ક બેલેન્સ નથી, પ્રોપર્ટી નથી છતાં સ્કૂલ દ્વારા ઘરે આવીને તપાસ કરવામાં આવી હતી. અને કહ્યું કે, તમારું ઘર છે, તમારા વ્હીકલ છે. સ્કૂલ દ્વારા અમને એવું પણ કહેવામાં આવ્યું કે તમે એડમિશન કેન્સલ કરાવી દો. અમે તમને બીજી સ્કૂલમાં એડમિશન પણ અપાવી દઈએ છીએ અને તમારા બાળકની ફી પણ ભરીશું.

4 વર્ષ પહેલાં મકાન લેવા રિટર્ન ફાઈલ કર્યું, હાલ બીમાર
રણજિતભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે હું વર્ષ 2017-18માં કડિયાકામ અને અન્ય મજૂરી કરતો હતો. એ સમયે મારે પોતાનું મકાન લેવાનું હતું, જેથી મેં 13 લાખની લોન લેવા 2017-18માં 3 લાખનું આઇટી રિટર્ન ભર્યું હતું. અત્યારે સ્કૂલે મારું 4 વર્ષ જૂનું આઇટી રિટર્ન કાઢીને એડમિશન કેન્સલ કરવા કહ્યું છે. 4 વર્ષ પહેલાં મારી આવક હતી. એ બાદ કોરોના આવ્યો, એને કારણે કામ નથી મળતું અને મારી તબિયત સારી નથી. અત્યારે મારી 12,000 આવક છે. બીજું કોઈ રિટર્ન ભરેલું નથી છતાં સ્કૂલ દ્વારા દબાણ કરીને એડમિશન રદ કરવા કહેવામાં આવે છે. હવે એવું થઈ ગયું છે કે સ્કૂલની હેરાનગતિ સહન કરવા કરતાં એડમિશન જ રદ કરી દઉં.

પ્લમ્બરની માતાનું જૂનું આઈટી રિટર્નને આધાર બનાવ્યો
ગૌતમ પ્રજાપતિ નામના વાલીએ જણાવ્યું હતું કે હું અત્યારે પ્લમ્બરની દુકાનમાં નોકરી કરીને 12,000 પગાર મેળવું છે. મારાં માતા-પિતા ઘરડા છે, જે કરિયાણાની દુકાન ચલાવે છે. મારાં માતાના નામે 3.32 લાખનું આઇટી રિટર્ન ભરવામાં આવ્યું હતું. એ રિટર્નના આધારે સ્કૂલ દ્વારા મને કહેવામાં આવ્યું કે તમારા રેશનકાર્ડમાં માતા-પિતાનું નામ છે. તમે રિટર્ન ભર્યું છે, જેથી એડમિશન રદ કરાવો, નહીં તો પોલીસ કેસ થશે.

2005માં 3 લાખનું મકાન ખરીદ્યું, એને આજે દોઢ કરોડનો બંગલે કહે છે
સાયરાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે મારા પૌત્રને RTEમાં એડમિશન મળ્યું છે. મારા પતિએ 2005માં 3 લાખમાં મકાન લીધું હતું. મકાન મારા પતિના નામે છે અને અત્યારે એની કિંમત સારી આવે છે. 17 વર્ષ જૂના મકાનને આધાર બનાવીને સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું કે તમે દોઢ કરોડના બંગલામાં રહો છો. તમારા ઘર એસી છે. મારા દીકરા વસીમની આવક તો 12,000 જ છે અને અમારા ઘરની સ્થિતિ એટલી સારી નથી. તો અમારું ઘર જોઈને કેવી રીતે અંદાજ લગાવી શકાય કે અમે ધનિક છીએ.

RTE એડમિશન રદ થાય તો સ્કૂલને નવા એડમિશનથી લાખોની આવક થાય
RTEના નિયમ મુજબ જે બાળકને એડમિશન મળ્યું હોય તેનાં માતા-પિતાની વાર્ષિક આવક 1,50,000થી વધુ ના હોવી જોઈએ. ભૂતકાળમાં તેમની આવક કે તેમનું બેન્ક બેલેન્સ અથવા તેમનાં માતા-પિતાની સંપત્તિ ધ્યાનમાં લેવામાં આવતી નથી. RTEમાં આવકનો દાખલો મહત્ત્વનો છે. આવકના દાખલાના આધારે જ એડમિશન આપવામાં આવે છે, તો આનંદ નિકેતન સ્કૂલ દ્વારા જૂના ડોક્યુમેન્ટ, પુરાવાના આધાર બનાવી વાલીઓને પરેશાનકરીને એડમિશન રદ કરાવવા દબાણ કરવામાં આવે છે. જેથી હવે RTEની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. તો RTEના એડમિશન રદ થાય તો સ્કૂલને તે માટે અન્ય વાલી મળે અને સ્કૂલને લાખો રૂપિયાની ફીની આવક થાય.

સ્કૂલની ફરિયાદ બાદ DEO નિર્ણય કરશે
આ અંગે DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે સ્કૂલે અમને જે ફરિયાદ કરી હતી એના પરાવા આપ્યા છે. અમારી કચેરી દ્વારા આ મામલે નિયમ અને કાયદાકીય રીતે થતો નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...