ભાસ્કર એક્સક્લૂસિવ:અમદાવાદથી નવી 8 ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઈ; ચેક ઇન, બોર્ડિંગ પોઇન્ટ વધશે, નવું વેઇટિંગ લૉન્જ બનશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2026 સુધી ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બનશે
  • અમદાવાદ એકપોર્ટ પર વર્ષે 1.68 કરોડ મુસાફરની અવરજવર

ભાવિન પટેલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને 2026 સુધી નીચેના ભાગે ડિપાર્ચર અને ઉપર એરાઇવલ એમ નવું ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ મળશે. મુસાફરોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે એ માટે એરલાઇનના ચેક ઇન કાઉન્ટર અને સિક્યોરિટી બોર્ડિંગ પોઇન્ટમાં પણ વધારો કરાશે. આ ઉપરાંત વેઇટિંગ લૉન્જ સહિત વિવિધ સુવિધાનો સમાવેશ થશે. એરપોર્ટ ઓપરેટરે વાર્ષિક આશરે 1.68 કરોડ મુસાફરને સમાવવા હાલના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર વિસ્તરણ શરૂ કરી દીધું છે. નવું ટર્મિનલ બિલ્ડિંગ હાલના ડોમેસ્ટિક ટર્મિનલ, T-1ની બાજુમાં હશે.

નવા ટર્મિનલની સ્થાપનાનો નિર્ણય
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, જેણે નવા ટર્મિનલના સંચાલન અને વિકાસનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે, તેણે એરપોર્ટ આર્થિક નિયમનકારી સત્તા સમક્ષ એની રજૂઆતમાં પ્રોજેક્ટ માટે વાર્ષિક રૂ. 3,130 કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરી છે. નવા ટર્મિનલની સ્થાપનાનો નિર્ણય આગામી ચાર વર્ષમાં વધુ મુસાફરોના ટ્રાફિકના અંદાજને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2022માં એરપોર્ટ ઓપરેટર (AIAL)એ રજૂઆત કરી હતી કે એર પેસેન્જર ટ્રાફિક નાણાકીય વર્ષ 2022માં અંદાજિત 61 લાખથી 224% વધીને નાણાકીય વર્ષ 2026 માં 1.98 કરોડ થવાની ધારણા છે, જે હાલની ટર્મિનલ ક્ષમતા વાર્ષિક 1.6 કરોડ મુસાફરને સમાવવા માટે વિસ્તરણ કરે છે, તોપણ એ અપેક્ષા મુજબ 1.98 કરોડના પેસેન્જર ટ્રાફિકને હેન્ડલ કરવા માટે પૂરતું નથી,” એરપોર્ટ ઓપરેટરે આગામી ચાર વર્ષમાં રૂ. 11,107.4 કરોડની કુલ બહુવર્ષીય ટેરિફ દરખાસ્ત સબ્મિટ કરી છે, જેમાં અન્ય નવીનીકરણ અને વિસ્તરણનાં કામનો સમાવેશ થાય છે.

ફ્લાઇટના સંચાલન માટે ATC ટાવર.
ફ્લાઇટના સંચાલન માટે ATC ટાવર.

અમદાવાદથી જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિત નવી 8 ફ્લાઈટ શરૂ થઈ
વિન્ટર શેડ્યૂલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની નવી 8 ફ્લાઈટ શરૂ કરાઈ છે અને એક ફ્લાઈટ બંધ કરાઈ છે, જ્યારે બે આંતરરાષ્ટ્રીય રૂટમાં ફ્રિકવન્સી વધારાઈ છે. અનેક ફ્લાઇટોના સમયમાં 10થી 15 મિનિટનો ફેરફાર કરાયો છે. એરલાઈન્સોએ 23 ઓક્ટોબરથી 23 માર્ચ એમ 6 મહિના સુધીનું વિન્ટર શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં ઈન્ડિગોની 4, સ્પાઇસ જેટની 2, ગો ફર્સ્ટ અને સ્ટાર એરની 1-1, ડોમેસ્ટિક સેક્ટરની 8 ફ્લાઈટ શરૂ કરાઈ છે. સ્પાઈસ જેટે અમદાવાદથી દેહરાદૂન ફ્લાઈટ સોમવારથી બંધ કરી છે. આ સેક્ટરમાં એરલાઈન કંપની બોમ્બર્ડિયર ક્યુ 400 સિરીઝનું 89 સીટર એરક્રાફ્ટ ઓપરેટ કરાતું હતું. એર ઈન્ડિયા અમદાવાદથી નૈરોબી ફ્લાઈટ ત્રણને બદલે ચાર દિવસ તેમજ લંડન ફ્લાઈટ ત્રણને બદલે ચાર દિવસ ઓપરેટ થશે. વિસ્તારા અને અકાશાએ વિન્ટર શેડ્યૂલમાં એકપણ નવી ફ્લાઈટ શરૂ કરી નથી, કેમ કે થોડા દિવસ પહેલાં વિસ્તારાએ મુંબઇની નવી ત્રણ ફ્લાઇટ અને અકાશાએ દિલ્હી અને બેંગલુરુ ફ્લાઈટ શરૂ કરી હતી.

સતત વધતા ટ્રાફિકને પહોંચી વળવાનો માસ્ટર પ્લાન શું છે?
એરપોર્ટ ઓપરેટરે તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે રૂ. 4.66 કરોડના ખર્ચે નવા પેસેન્જર ટર્મિનલ માટે રોડ-વે પણ બનાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ માસ્ટર પ્લાનના ભાગરૂપે પ્રસ્તાવિત અન્ય મુખ્ય પ્રોજેક્ટમાં નાણાકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 72.86 કરોડના ખર્ચે નવા સબસ્ટેશન બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. અન્ય વિસ્તરણમાં રન-વેનું નવીનીકરણ, ટેક્સીવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એરસ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અન્ય ઉપયોગિતાનાં કાર્યોનો સમાવેશ થાય છે.

ચેકઇન પોઇન્ટ.
ચેકઇન પોઇન્ટ.

અમદાવાદમાં 2025 સુધી 100 ફ્લાઇટનો ટ્રાફિક વધી જશે
સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વર્ષો જૂનું એરટ્રાફિક કન્ટ્રોલર (એટીસી) નવું આકાર પામશે. એનું કારણ એ છે કે વધતા જતા એરટ્રાફિકનું સારી રીતે સંચાલન થઇ શકે એ માટે હાલના ટાવરથી ત્રણ ગણું ઊંચું ટાવર બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદનું નવું એટીસી ટાવર દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ અને બેંગલુરુ પછી દેશના ટોપ ફાઇવ સૌથી મોટા એટીસીમાં સામેલ થશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર 250 ફ્લાઈટનું સંચાલન થાય છે, જ્યારે વર્ષ 2025 સુધી પ્રતિદિન 350 ફ્લાઇટનાં સંચાલન કરવું પડશે, એટલે કે રોજની 100 ફ્લાઈટનો ટ્રાફિક વધી જશે. આમ, વાર્ષિક 1.68 કરોડ મુસાફરની અવરજવરને પહોંચી વળવા નવું ટાવર કાર્યન્વિત કરાશે. આ માટે રૂ. 180 કરોડનો ખર્ચનો અંદાજ હોવાનું એરપોર્ટનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર સતત ટ્રાફિક વધી રહ્યો હોવાથી મુસાફરોએ ચેક ઇન અને બોર્ડિંગ માટે લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડે છે.
અમદાવાદ એરપોર્ટ પર સતત ટ્રાફિક વધી રહ્યો હોવાથી મુસાફરોએ ચેક ઇન અને બોર્ડિંગ માટે લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડે છે.

સંચાલન માટે 212 મીટર ઊંચું એટીસી ટાવર બનાવાશે
અમદાવાદ એરપોર્ટ પર હાલનું એટીસી ટાવર પાંચ માળનું છે, જેની ઊંચાઈ 65 મીટર છે. આટલી ઊંચાઈએથી એરપોર્ટ કે રન-વેનો સંપૂર્ણ એરિયા કવર થતો નથી, એટલે કે ફલાઇટોની થતી મૂવમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન રાખી શકાતું નથી. જોકે નવું ટાવર 212 મીટર ઊંચું હશે, જેની મદદથી રન-વે, એપ્રોન અને ટેક્સી વે 360 ડીગ્રી જોઈ શકાશે. એટલું જ નહીં, તે ટાવર પરથી એરપોર્ટનો સંપૂર્ણ એરિયા અને ફલાઇટ મૂવમેન્ટ પર બારીકાઈથી નજર રાખી શકાશે. ઊંચા ટાવર પરથી રન-વે, એપ્રોન અને ટેક્સી-વે 360-ડીગ્રીએ જોઈ શકાશે. નવું એટીસી ટાવર વધુ ઊંચું બનાવવાનું છે, જેમાં કોઈ અડચણ ના આવે એ માટે એરપોર્ટ પર પાંચ લોકેશન નક્કી કરાયાં છે. આગામી સમયમાં એરપોર્ટ ઓથોરિટી સરવે કરીને કોઈ એક સ્થળે ટાવર બનાવવાની અંતિમ મંજૂરી આપશે.

વેઇટિંગ લોન્જ.
વેઇટિંગ લોન્જ.

અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ રડાર કાર્યરત
અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના રડાર છે. એક મુખ્ય અને બીજું નાનું ગ્રાઉન્ડ રડાર. મોટા રડારમાં વિઝ્યુલાઇઝ ન થઈ શકે, એ કામ નાનું રડાર કરે છે. એ રન-વે પરની નાનામાં નાની ચીજવસ્તુઓને વિઝ્યુલાઇઝ કરી શકે છે અને એ એકદમ તેજ ગતિથી ફરવા સક્ષમ છે. અમદાવાદ એરપોર્ટ પર હાઇટેક રડાર છે, જેમાંથી પ્રતિદિન 600 ફલાઇટ પસાર થાય છે. જોકે આ બધી જ ફ્લાઈટ અહીં લેન્ડ થતી નથી. અહીં રોજ ડોમેસ્ટિક- ઇન્ટરનેશનલ 250થી વધુ ફલાઇટના ટેકઑફ-લેન્ડિંગ થાય છે. આ સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના વખતે અહીં ફક્ત 145 ફલાઇટનું સંચાલન થતું હતું.

અન્ય સમાચારો પણ છે...