તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB રિયાલિટી ચેક:અમદાવાદમાં ભારે વરસાદ પડે તો ચેતજો માત્ર ભૂવા નહીં ગટરમાં પણ પડી શકો, સાડા ત્રણ કિ.મી. વિસ્તારમાં જ ગટરના 8 ઢાંકણા તૂટેલા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • જનતાનગર ચાર રસ્તાથી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ચાર રસ્તા સુધીનું રિયાલિટી ચેક
  • મહેસાણા અર્બન કો.ઓ. બેંક પાસેના વળાંકમાં જ આવેલી ગટરનું ઢાંકણું તૂટેલું

અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલી કેચપીટના ઢાંકણાઓ તૂટેલા અને સાવ હલકી ગુણવત્તાના હોવાની કોર્પોરેટરોની ફરિયાદ બાદ શહેરમાં આવેલી કેચપીટની જાળીઓનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. શહેરમાં કેચપીટ અને ઢાંકણાઓ તૂટેલી હાલતમાં હોવાની ફરિયાદ બાદ DivyaBhaskarએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મોડલ રોડ એવા ન્યૂ સીજી રોડ પર આવેલી ગટરના ઢાંકણાઓની હાલત વિશે રિયાલિટી ચેક કર્યું હતું.

DivyaBhaskarની ટીમે ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર જનતાનગર ચાર રસ્તાથી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ચાર રસ્તા સુધીના લગભગ સાડા ત્રણ કિલો મીટર વિસ્તારમાં આવેલા ગટરના ઢાંકણાઓની જાત તપાસ કરી હતી.

સાકાર સ્કૂલ ચાર રસ્તા પાસે આવેલા ગટરના ઢાંકણાની આસપાસમાં જ ખાડા
સાકાર સ્કૂલ ચાર રસ્તા પાસે આવેલા ગટરના ઢાંકણાની આસપાસમાં જ ખાડા

115માંથી 8 ઢાંકણા તૂટેલા
દિવ્યભાસ્કર ન્યૂઝ એપની આ તપાસમાં ન્યુ સીજી રોડ પર બંને તરફ નાના-મોટા કુલ 115 જેટલા ગટરના ઢાંકણા આવેલા છે. જેમાં 8 ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અથવા નીચે બેસેલા જોવા મળ્યા હતા. કેટલાક ઢાંકણાની આસપાસ ખાડા કરેલા જોવા મળ્યા હતા. ન્યૂ સીજી રોડ પર આવેલા મહેસાણા અર્બન કો.ઓ. બેંક પાસે આવેલા ચાર રસ્તા પાસે વળાંકમાં જ આવેલી ગટરનું ઢાંકણું આસપાસથી તૂટેલું જોવા મળ્યું હતું.

ત્યાંથી આગળ જતાં રાજધાની પાન પાર્લર ચાર રસ્તા પાસે ગટરનું ઢાંકણું એક તરફ નમી ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું. જો આ ઢાંકણા પર ભારે વાહન કે વધુ માલસામાન ભરેલું વાહનનું ટાયર પડે તો ચોક્કસ ટાયર આખું ખાડામાં ઉતરી જાય તેવી હાલતમાં જોવા મળ્યું હતું.

મહેસાણા અર્બન કો.ઓ. બેંક પાસે આવેલા ચાર રસ્તાની નજીક આવેલી ગટરનું ઢાંકણું આસપાસથી તૂટેલું
મહેસાણા અર્બન કો.ઓ. બેંક પાસે આવેલા ચાર રસ્તાની નજીક આવેલી ગટરનું ઢાંકણું આસપાસથી તૂટેલું

વિશ્વકર્મા એન્જિ.કોલેજ ચાર રસ્તાઃ રોડની વચ્ચે જ દબાયેલું ઢાંકણું
ન્યૂ સીજી રોડ પર આવેલી અને જાણીતા ચાર રસ્તા એવા સાકાર સ્કૂલ પાસે તપાસ કરી ત્યારે રોડ પર જ આવેલા ગટરના ઢાંકણાની આસપાસમાં જ ખાડા પડી ગયેલા જોવા મળ્યા હતા. આખા ખાડા પડેલા હોવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા હતા. ત્યાંથી આગળ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ચાર રસ્તા પહોંચતાં પહેલા જ અને બમ્પની આગળ એક ગટરનું ઢાંકણું આવેલું છે જે રોડની બરાબર વચ્ચે જ છે. જે એક તરફ દબાયેલું જોવા મળ્યું હતું. જો આ ઢાંકણા પર પણ ભારે વાહનનું ટાયર પડે તો ગટરમાં ટાયર ફસાઈ શકે છે.

સ્વાગત બંગ્લોઝ પાસેની ગટરનું ઢાંકણું જ ઉંચકાયેલું હતું
સ્વાગત બંગ્લોઝ પાસેની ગટરનું ઢાંકણું જ ઉંચકાયેલું હતું

માત્ર નામનો ન્યૂ સીજી રોડ, સીજી રોડ જેવું કંઈ નથી
કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સીજી રોડ મોડલના નામે કરોડોના ખર્ચે બનાવેલા ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર સીજી રોડ જેવી કોઈ સુવિધાઓ કે કશું છે જ નહીં માત્ર નામ સીજી રોડ આપવામાં આવ્યું છે. DivyaBhaskar દ્વારા કરવામાં આવેલી તપાસમાં રોડ પરની ગટરના ઢાંકણાઓ તો તૂટેલી હાલતમાં જોવા મળ્યા જ છે. આ ઉપરાંત તેની સમાંતર આવેલી કેચપીટના ઢાંકણા પણ તૂટેલા જોવા મળ્યા હતા. કુલ 10 જેટલી કેચપીટના ઢાંકણા પણ તૂટેલા જોવા મળ્યા હતા. જ્યારે અનેક કેચપીટની હાલત ખરાબ જોવા મળી હતી.