ગુજરાતમાં અન્ડરવર્લ્ડ:ગોરધન ઝડફિયા પર હુમલો કરવા આવેલા છોટા શકીલના શાર્પશૂટરના CCTV સામે આવ્યા, હોટેલમાં એન્ટ્રી સમયે બેગ ચેક થઈ હતી

અમદાવાદએક વર્ષ પહેલા
શાર્પશૂટર ઈરફાનની બેગ ચેક કરી રહેલો હોટેલ મેનેજર

19 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને ATSની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટેલ વિનસમાંથી ઝડપી પાડ્યો હતો. વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા ATS ટીમે ત્યાં રેઈડ કરી હતી. ઈરફાન શેખ નામનો આ શાર્પશૂટર2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે. આજે શાર્પશૂટરના CCTV સામે આવ્યા છે. આ CCTVમાં જોવા મળે છે કે, શાર્પશૂટર ઈરફાન જ્યારે હોટેલમાં રોકાવા માટે આવ્યો ત્યારે તેની બેગ ચેક કરવામાં આવી હતી પરંતુ ત્યારે કંઈ મળ્યું નહોતું.

ક્રાઇમ બ્રાન્ચના DCP ભદ્રન(ગ્રે ટીશર્ટ), ATS ડીઆઈજી હિમાંશુ શુકલા(બ્લુ ટીશર્ટ) અને DYSP ભાવેશ રોઝીયા(ડાર્ક ગ્રીન ટીશર્ટ) અને DYSP કે.કે પટેલ(બ્લુ ચેક શર્ટ)
ક્રાઇમ બ્રાન્ચના DCP ભદ્રન(ગ્રે ટીશર્ટ), ATS ડીઆઈજી હિમાંશુ શુકલા(બ્લુ ટીશર્ટ) અને DYSP ભાવેશ રોઝીયા(ડાર્ક ગ્રીન ટીશર્ટ) અને DYSP કે.કે પટેલ(બ્લુ ચેક શર્ટ)

ક્રાઇમ બ્રાન્ચના DCP ભદ્રન સહિતની ટીમે રાત્રે પહોંચી મેનેજર પાસેથી માહિતી મેળવી
જ્યારે રાત્રે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ ત્યારના CCTVમાં ક્રાઇમ બ્રાન્ચના DCP ભદ્રન અને DYSP ભાવેશ રોજીયા અને DYSP કે.કે પટેલ દેખાઈ રહ્યા છે. આ અધિકારીઓ હોટેલના મેનેજર સાથે પૂછપરછ કરતા અને રજીસ્ટર તપાસતા જોવા મળે છે.

ATSની ટીમ અને શાર્પશૂટર ઈરફાન
ATSની ટીમ અને શાર્પશૂટર ઈરફાન

કયારે શું શું બન્યું એક એક પળનો ચિતાર

 • 10 PM: એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમને બાતમી મળી કે, મુંબઈથી એક શાર્પશૂટર રાજ્યના એક નેતાની હત્યા કરવા માટે આવ્યો છે અને તે અમદાવાદના ભદ્ર વિસ્તારની એક હોટેલમાં રોકાયો છે.
 • 10:30 PM: બાતમીના પગલે એટીએસ અને ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની વચ્ચે ટેલી કોન્ફરન્સ થઈ અને તમામ અધિકારીઓ તથા સ્ટાફને એટીએસની ઓફિસે પહોંચી જવાની સૂચના આપવામાં આવી.
 • 11 PM: મોટા ભાગના અધિકારીઓ અને સ્ટાફ એટીએસના કોન્ફરન્સ હોલમાં એકત્ર થયા, જ્યાં તેમની વચ્ચે બાતમી અંગે ચર્ચા થઈ અને લોકેશન સર્ચ કર્યું. શાર્પશૂટર જ્યાં રોકાયો છે તે હોટેલનું નામ વીનસ હોવાનું જાણી ટેક્નિકલ સર્વેલન્સ વિભાગ ગૂગલ પર હોટેલ સર્ચ કરી. જોકે ક્યાંય આ હોટેલનું લોકેશન ન મળ્યું.
 • 11:30 PM: ક્રાઇમ બ્રાંચની એક ટીમને ખાનગી રાહે ભદ્ર વિસ્તારમાં મોકલાઈ, જેણે હોટેલ વિનસ શોધી કાઢી અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. આ સાથે હોટેલનું લોકેશન કેવું છે તે અંગની માહિતી આપી.
 • 12 PM: એટીએસ અને ક્રાઇમના અધિકારીઓ સહિતની ટીમો આ ઓપરેશન પાર પાડવા માટે નીકળી પડી.
 • 12:30 AM: ભદ્રમાં આવેલી હોટેલ વિનસની આસપાસ પોલીસની ટીમો ખાનગી વેશમાં ગોઠવાઈ ગઈ. આ પહેલા એટીએસ અને ક્રાઇમ બ્રાંચની પાંચથી વધુ ટીમોને સૂચના આપી દેવાઈ કે કોણ ક્યાં રહેશે.
 • 1 AM: એટીએસના વડા હિમાંશુ શુક્લા, ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રન, એટીએસના ડીવાયએસપી બી. પી. રોજિયા અને કે. કે. પટેલની એક ટીમ હોટેલ વીનસમાં પ્રવેશી. હોટેલના સ્ટાફને વિશ્વાસમાં લઈને પોલીસ ટીમને મદદ કરવા માટે કહી દેવાયું.
 • 1:10 AM: અત્યંત ચુપકીદીથી હોટેલમાં ઘૂસેલી ઉચ્ચ અધિકારીઓની ટીમને જાણવા મળ્યું કે, હોટેલમાં હાલમાં માત્ર બે રૂમ જ બુક છે, જેમાં કયા રૂમમાં શાર્પશૂટર છે તે નક્કી ન હતું. ટીમે એક રૂમ ખખડાવી તપાસ કરી, તેમાંથી રાજસ્થાનની એક વ્યક્તિ મળી આવી, પણ તે બાતમીવાળી વ્યક્તિ ન હોવાથી તેને ચૂપ રહેવાનું કહી ટીમ આગળ વધી.
 • 1:25 AM: ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે હોટેલ વીનસના રૂમ નં. 105 પાસે પહોંચી રૂમનો દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, કૌન હૈ? એક અધિકારીએ જવાબમાં કહ્યું, મહેમાન. ત્યાર પછી રૂમનો દરવાજો ખૂલ્યો, જેમાં ગંજી અને જિન્સ પહેરેલો એક યુવક હતો. દરવાજો ખૂલતાં જ અધિકારીઓની ટીમ રૂમમાં અંદર જઈ તેની આસપાસ ગોઠવાઈ ગઈ.
 • 1:35 AM: રૂમ નંબર 105માં રોકાયેલો યુવક એકસાથે આટલા લોકોને પોતાના રૂમમાં આવેલા જોઈ ચોંકી ગયો. એક અધિકારી કહ્યું કે, પોલીસ છીએ. આટલું સાંભળતાં જ યુવક ધીમે ધીમે પાછો ગયા અને પેન્ટની પાછળના ભાગે છુપાવી રાખેલી રિવોલ્વર એક અધિકારી સામે તાકી દીધી.
 • 1:40 AM: રિવોલ્વર તાકેલી જોઈને અધિકારીએ પળનો વિચાર કર્યા વિના યુવકને ધક્કો મારી દીધો, જેથી યુવક ટેબલ સાથે અથડાઈની નીચે પડ્યો અને ફાયરિંગ કર્યું, પણ નીચે પડી ગયો હોવાથી ગોળી રૂમની બારીની ઉપર તરફની દીવાલમાં ઘૂસી ગઈ. જ્યારે પોલીસની ટીમ તેની તરફ ધસી જઈ તેના હાથમાંથી રિવોલ્વર છીનવી લીધી અને પકડી લીધો પછી પેન્ટના ખિસ્સામાંથી બીજી રિવોલ્વર મળી.
 • 1:45 AM: પોલીસની ટીમના અન્ય લોકો પણ ફાયરિંગનો અવાજ સાંભળી હોટેલમાં ધસી ગયા. જોકે યુવક પોલીસ ટીમના કબજામાં આવી ગયો હોવાથી બધાએ રાહતનો શ્વાસ લીધો અને યુવક ફરી હુમલો ન કરે તે માટે તેની આસપાસ પોલીસની ટીમો ગોઠવાઈ ગઈ.
 • 2:30 AM: હોટેલના એક રૂમમાં પોલીસે પૂછપરછ શરૂ કરી. પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, જો કે, ત્યારબાદ ભાંગી પડ્યો અને ઝડફિયાની હત્યા માટે આવ્યો હોવાની કબૂલાત કરી. તેણે એમ પણ કહ્યું કે, તેની સાથે અન્ય એક વ્યક્તિ સલમાન સામેલ છે, જે આવવાનો બાકી હતો. આ હત્યા કરવા માટે છોટા શકીલે સૂચના આપી હતી.
અન્ય સમાચારો પણ છે...