મકાન કે ફ્લેટ લેનાર સાવધાન!:અમદાવાદમાં અસ્તિત્વમાં નહોતો એવો ફ્લેટ ટોળકીએ વેચી માર્યો, એલિસબ્રિજ પોલીસની ગિરફ્તમાં ટોળકીનો સભ્ય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એલિસબ્રિજ પોલીસે અસ્તિત્વમાં ન હોય તેવો ફ્લેટ વેચનાર ટોળકીના સભ્યને પકડ્યો - Divya Bhaskar
એલિસબ્રિજ પોલીસે અસ્તિત્વમાં ન હોય તેવો ફ્લેટ વેચનાર ટોળકીના સભ્યને પકડ્યો
  • પોલીસે પકડેલો એક આરોપી ઘોડાસર વિસ્તારનો રહીશ અને સાયન્સનો અભ્યાસ કર્યો છે
  • અસ્તિત્વમાં ન હોય તેવા ફ્લેટ વેચવાનો મુખ્ય આરોપી વિજય ઢાંચા ફરાર

અમદાવાદમાં મકાન કે ફ્લેટ લેનાર સાવઘાન! અમદાવાદ પોલીસે એક એવી ટોળકીના સભ્યને ઝડપી પાડ્યો છે, જે ભૌતિક રીતે અસ્તિત્વમાં જ ન હોય તેવા ફ્લેટનું વેચાણ કરીને એક વ્યક્તિને ચૂનો લગાવી ચૂક્યો છે. છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટોળકીના એક સભ્યને દબોચી લીધો છે. જ્યારે મુખ્ય આરોપી હાલ ફરાર છે.

ઠગબાજોના લોકોને છેતરવાના પેંતરા
ઠગબાજો લોકોને છેતરવામાં અવનવાં પેંતરા રચી રહ્યા છે અને લોકો પાસેથી નાણા પડાવી રહ્યા છે. ત્યારે એલિસબ્રિજ પોલીસે યગ્નેશ શાહ નામના ઘોડાસરના એક આરોપીને ઝડપી પાડ્યો છે. તેણે અને વિજય ઢાંચા નામના શખસે મળીને લોકો પાસેથી ફ્લેટ વેચીને નાણા પડાવ્યા હતા. લોકોને છેતરીને નાણા તો પડાવી લીધા પરંતુ હકીકતમાં વેચેલા ફ્લેટનું કોઈ અસ્તિત્વ ન હતું.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન

ઠગબાજોના લોકોને છેતરવાના પેંતરા
આ ટોળકીનો શિકાર બનેલા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવીપ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ગોપાલ કારિયાના પુત્રને અમદાવાદમાં હેંડીક્રાફ્ટનો વ્યવસાય વિકસાવવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. જેમાં દલાલ મારફતે પોષ વિસ્તાર એવા આંબાવાડી વિસ્તારમાં દલાલોએ એક ફ્લેટ પહેલા બતાવ્યો હતો. જેની કિંમત રૂ. 17.50 લાખ જણાવી સોદો નક્કી કર્યો હતો. એટલું જ નહીં તે સમયે આરોપી યગ્નેશ શાહ અને વિજય ઢાંચા સહિતના લોકોએ એક ખોટું બાનાખત બનાવ્યું હતું. સાથે સાથે કાગળ પર ખોટો ફ્લેટ ઉભો કર્યો હતો, ખોટા દસ્તાવેજ બનાવી ખોટા શેર સર્ટિફિકેટ બનાવીને ખોટા એલોટમેન્ટ સુદ્ધાં બનાવી નાખી હતી. ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ઠગ ટોળકીએ ફરિયાદીને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

ફ્લેટનો કબજો લેવા પહોંચ્યા તો બેંકનું સિલ હતું
ગોપાલ કારિયા પરિવાર સાથે ફ્લેટ પર કબ્જો લેવા માટે પહોંચતા ફ્લેટ પર બેંકનું સિલ લાગેલું હતું અને જે બ્લોકના નામથી ફ્લેટ બુક કરાવ્યો હતો તે બ્લોક જ નહોતો. આસપાસના વ્યક્તિઓને પૂછતાં લોકોએ જણાવ્યું કે, સી-302ની કોઈ વિંગ જ સોસાયટીમાં નથી. ગોપાલ કારિયાને છેતરાયાનો અનુભવ થયો હતો અને ત્યારે તેમણે યગ્નેશ શાહ અને વિજય ઢાંચાને સંપર્ક કરતા આ ઠગ ટોળકીએ ફ્લેટ વેચવામાં અમારાથી ભૂલ થઈ હોવાનું કહી થોડો સમય આપવાની વાત કરી હતી. ત્યારબાદ ગોપાલ કારિયાએ પૈસા પરત આપવાનું કહેતા યગ્નેશ શાહે પોતાના ઘરે બોલાવી પત્ની મારફતે અપહરણની ખોટી ફરિયાદ ઇસનપુરમાં કરાવી હતી.

અનેક લોકોને ચૂનો લગાવ્યો હોવાની પોલીસને શંકા
એક આરોપી હાલ પોલીસ ગિરફતમાં આવી ગયો છે, પણ મુખ્ય આરોપી હાલ ફરાર છે. જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ ટોળકીએ આવા એક નહીં પણ અનેક લોકોને અસ્તિત્વમાં ન હોય એવી મિલકત બતાવી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...