તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની મનમાની:મચ્છરોનો ઉપદ્રવ રોકવા ફોગિંગ માટે વેપારીઓ પાસેથી 2 હજાર રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણેકચોક, રતનપોળ, ન્યૂ ક્લોથ, મસ્કતી સહિતના માર્કેટના વેપારીઓની ફરિયાદ
  • ​​​​​​​ઘરોમાં ફોગિંગ માટે મ્યુનિ. ઘરદીઠ રૂ.13નો ચાર્જ એજન્સીને ચૂકવે છે પણ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જના નામે વસૂલાત થાય છે
  • મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીની ઓળખાણ હોય તો મફતમાં ફોગિંગ થઈ જાય છે

શહેરમાં કોરોના બાદ પાણી અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે ત્યારે કોર્પોરેશનની રોગચાળા અટકાયતી પગલા મુદ્દે બેવડી નીતિ સપાટી પર આવતા વેપારીઓ રોષે ભરાયા છે. મ્યુનિ. ઘરોમાં ફોગિંગ માટે મહત્તમ રૂ.13 ચાર્જ વસૂલે છે જ્યારે દુકાન અથવા ફેક્ટરી પાસેથી ફોગિંગનો બે હજાર રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે. આ કારણે વેપારીઓમાં મ્યુનિ. વિરૂદ્ધ નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં ફોગિંગ મુદ્દે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ભારે હોબાળો થયો હતો.

માણેકચોક, રતનપોળ, માંડવીની પોળ, ન્યુ ક્લોથ માર્કેટ, મસ્કતી માર્કેટ, ઘી-કાંટા, જેવા શહેરના મોટા બજારોમાંથી કોઈ વ્યાપારી કોર્પોરેશનમાં ફોગિંગ કરવા મ્યુનિ.માં ફરિયાદ કરે તેની પાસે રૂ.500થી બે હજાર સુધીનો વહીવટી ચાર્જ વસૂલાય છે જ્યારે ઘરો માટે આ ચાર્જ બિલકુલ નહીંવત્ છે. વેપારીઓ કહે છે કે, તેઓ મ્યુનિ. નો તમામ પ્રકારનો ટેક્સ ચૂકવે છે ત્યારે ફોગિંગ જેવી નજીવી બાબતના તેમની પાસેથી કેમ બે હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલાય છે.

ભલામણ મુજબ કાર્યવાહી થાય છે
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીને ઓળખતા હોવ તો તમારી ફેક્ટરી, દુકાન કે કારખાનામાં વિના મૂલ્યે ફોગિંગ થઈ જશે. ફોગિંગ કરતા કર્મચારીનું કહેવું છે કે, તેમને દરરોજ આરોગ્ય વિભાગના ચોક્કસ ઉચ્ચ અધિકારી તરફથી ભલામણો આવે છે. આવા વ્યાપારીઓ પાસેથી એક પણ રૂપિયો ચાર્જ વસૂલવામાં આવતો નથી.

મ્યુનિ. એક્ટ મુજબ જ ચાર્જ વસૂલ કરાય છે
કોમર્શિયલ એકમોમાં ફોગિંગ માટે મ્યુનિ. ના એક્ટ મુજબ નક્કી કરેલા 500થી 1500 રૂપિયા સુધી વહીવટી ચાર્જ રોક્ડ અથવા ચેકથી વસૂલાય છે જ્યારે ઘરોમાં ફોગિંગ માટે એક પણ રૂપિયો ચાર્જ લેવાતો નથી. હેલ્પલાઈનમાં થઈ રહેલા છબરડા બાબતે ફરિયાદો મળી છે તેનો ત્વરિત નિકાલ લાવવા પગલા ભરાશે. > પ્રકાશ ગુર્જર, ડે. ચેરમેન, હેલ્થ કમિટી

મ્યુનિ. ની હેલ્પલાઈનમાં પણ છબરડા
રોગચાળા સંબંધિત ફરિયાદ કરવા મ્યુનિ. એ હેલ્પલાઈન શરૂ કરી છે જેના ઉપર મહત્તમ ફોગિંગ કરાવવા બાબતે જ ફરિયાદો આવી રહી છે. ઘીકાંટામાં ગેરેજ ચલાવતા રાજુ પંચાલે મચ્છરો વધી જતા ફોગિંગ કરાવવા ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, હેલ્પલાઈનમાં કોલ કરે ત્યારે ફરિયાદ મળ્યાનો ઓટોમેટિક મેસેજ મળે છે અને કોઈ કામગીરી થઈ ના હોય તો પણ બીજા દિવસે કમ્પલેન ક્લોઝનો મેસેજ આવી જાય છે.
ઈન્ડોર ફોગિંગ માટે શહેરમાં 300 મશીન
મ્યુનિ. પાસે 300 ઈન્ડોર ફોગિંગ મશીન, 9 લીકો મશીન છે, પણ સ્ટાફ નથી. ઈન્ડોર ફોગિંગ મશીનમાં એક વખત પાંચ લિટર ડીઝલ ભરવામાં આવે તે 35 મિનિટ ચાલે છે. જે માત્ર 70 મકાનોમાં જ ફોગિંગ કરી શકે છે. જ્યારે છોટા હાથીમાં આવતા લીકો મશીનમાં 200 લિટર ડીઝલ ભરવું પડે છે જે 1.30 કલાક ચાલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...