ઓનલાઈન છેતરપિંડી કરતી ગઠિયા ટોળકીએ થલતેજ - શીલજ રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી એક ખાનગી કંપનીના બેંક એકાઉન્ટમાંથી 22 ટ્રાન્ઝેકશનથી રૂ.1.19 કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. જો કે પૈસા ટ્રાન્સફર કરવા માટે પહેલા ગઠિયા ટોળકીએ બેંકમાં રજિસ્ટર્ડ કંપનીના ડાયરેકટરનું સિમકાર્ડ બંધ કરાવી દીધું હતું અને નવું સિમકાર્ડ મેળવી લીધું હતું. ત્યારબાદ તેની મદદથી પૈસા ઉપાડી લીધા હતા.
ખાનગી કંપનીના બેંક એકાઉન્ટમાંથી ગઠિયા ટોળકીએ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
થલતેજ - શીલજ રેલ્વે ક્રોસિંગ પાસેના આર્યન કોર્પોરેટ પાર્કમાં પ્રકાશભાઈ મહેતાની કલેકટિવ ટ્રેડ લિંકસ કંપની આવેલી છે. તેમની કંપનીમાં અમિત જાની (55) 20 વર્ષથી એચાર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનું બેંક એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકની થલતેજ - શીલજ બ્રાંચમાં આવેલુ છે. જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરવા માટે પ્રકાશ મહેતાનો મોબાઈલ નંબર 15 વર્ષથી રજિસ્ટર્ડ કરાવેલો છે. દરમિયાનમાં 11 માર્ચે સાંજે 4.20 વાગ્યે વોડાફોન કંપનીમાંથી પ્રકાશ મહેતાની કંપની ઉપર એક મેલ આવ્યો હતો. જેમાં તેમનું સિમકાર્ડ રિપ્લેસ કરવા માટેની રિકવેસ્ટ હતી.
ગઠિયા ટોળકીએ બેંકમાં રજિસ્ટર્ડ સિમકાર્ડ બંધ કરાવી દીધું
જો કે પ્રકાશભાઈ કે તેમની કંપની દ્વારા સિમકાર્ડ રિપ્લેસ કરવા માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી જ ન હતી. જેથી શંકા ગઈ હતી. પરંતુ તા.13 માર્ચના સાંજના 7.30 વાગ્યા સુધીમાં પ્રકાશભાઈની કંપનીના બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા 22 ટ્રાન્જેકશનથી કુલ રૂ.1.19 કરોડ ઉપડી ગયા હતા. જેથી આ અંગે અમિત જાનીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીના ઈમેલ એડ્રેસ તેમજ બેંક એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી હતી.
ઈમેલનું પગેરું શોધવા પોલીસે તપાસ શરૂ કરી
પ્રકાશભાઈની કંપનીના ઇમેલ આઇડી પર સિમકાર્ડ બદલવાની રિકવેસ્ટ વોડાફોન કંપનીના મેલ પરથી આવી હતી. જેથી પોલીસ ફરિયાદની સાથે તે ઇ-મેલ આઇડીની માહિતી પણ આપવામાં આવી છે જેના આધારે પોલીસે તે ઇ-મેલ આઈડી કોનું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
એકાઉન્ટની માહિતી માટે બેન્કમાં તપાસ
પ્રકાશભાઈના કંપનીના એકાઉન્ટમાંથી 22 ટ્રાન્ઝેક્શનથી રૂ.1.19 કરોડ સીધા જ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા જેથી તે એકાઉન્ટ કોના નામનું છે તેની માહિતી મેળવવા માટે પોલીસે બેંકને લેખિતમાં જાણ કરી છે. પોલીસનું કહેવું છે કે બેંક પાસેથી માહિતી આવ્યા પછી ખાતેદારનું નામ જાણી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.