રાજ્યમાં ઠેર ઠેર માવઠું:દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડ્યા ધરતીપુત્રો ચિંતિત બન્યા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હવામાન વિભાગની આગાહીના પગલે શનિવારે અમરેલીમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. નીચાણવાળા ભાગમાં પાણી ભરાયા હતા - Divya Bhaskar
હવામાન વિભાગની આગાહીના પગલે શનિવારે અમરેલીમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. નીચાણવાળા ભાગમાં પાણી ભરાયા હતા
  • દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડ્યા

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના આધારે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 4થી 8 માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફને કારણે શનિવારે રાજ્યભરમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત સુધી ઠેર-ઠેર માવઠું પડ્યુ હતું. ઉનાળાના પ્રારંભે જ કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતામાં મૂકાઇ ગયા છે. અમદાવાદમાં સાંજે વીજળીના તડાકા થયા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા, અંબાજી, અમીરગઢ, ઇકબાલગઢ, પાંથાવાડા, દાંતીવાડા, ધાનેરામાં શનિવારે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લઇ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા.

માવઠાથી ખેડૂતોને બેવડો માર પડ્યો
સરસ્વતીના વાગદોડ પંથકમાં અચાનક વાતાવરણ વાદળછાયું થતાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગ્યાના સમયે વરસાદી છાંટણા શરૂ થતાં ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.સરસ્વતી તાલુકાના મોરપા, એંદલા, નાયતા,કાનોસણ, નાના નાયતા, અજુજા જેવાં ગામડાઓના ખેડૂતોએ એરંડાની વીણી અને જીરાના પાકને બચાવવા માટે ખેડૂતોએ દોડધામ કરવી પડી હતી. ડુંગળી, ઘઉં, ચણા, બાજરી જેવા તૈયાર પાકોને મોટું નુકસાન થયાની દહેશત છે. આ અગાઉ પાકના ભાવ ઓછા મળ્યા હતા તે પ્રશ્ન હતો ત્યા માવઠાથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે.

કેરી ઉત્પાદકો પણ ચિંતિત બન્યા
હવામાન વિભાગ દ્વારા કરાયેલી હળવા વરસાદની આગાહીને પગલે આજે ધારી, બગસરા, સાવરકુંડલા, બાબરા સહિતના વિસ્તારોમા કમોસમી વરસાદ ખાબકયો હતો. જેને પગલે માર્ગો પરથી પાણી દોડવા લાગ્યા હતા. વિસાવદર,લાલપુર,હસનાપુર,ગોવિંદપરા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોની મૌલાતને નુકસાન થયું હતું. તેમજ કેરી ઉત્પાદકો પણ ચિંતિત બન્યા હતા.

સંભવિત નુકસાનથી બચવાના આગોતરા પગલાં લીધા
દાહોદમાં પણ શનિવારના રોજ જિલ્લાના ગરબાડા અને ફતેપુરા તાલુકામાં તેની અસર જોવા મળી હતી. ફતેપુરા તાલુકા મથક સહિત કેટલાંક વિસ્તારોમાં પરોઢના સમયે વરસાદ તૂટી પડ્યો હતો.દાહોદની એપીએમસીમાં ખુલ્લામાં પડેલું અનાજ ઢાંકી દઇને વેપારીઓએ સંભવિત નુકસાનથી બચવાના આગોતરા પગલાં લીધા હતાં.

વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વચ્ચે જેસર અને ગઢડા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ડુંગળી, ઘઉં, ચણા, બાજરી જેવા તૈયાર પાકોને મોટું નુકસાન થયાની દહેશત છે.

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમા ખુલ્લામાં પડેલા ઉત્પાદનને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. સતત ચોથા વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ ઉનાળાના પ્રારંભિક સમયમાં માવઠાના માર સહન કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેત પેદાશો તેમજ અન્ય જે ઉત્પાદિત વસ્તુઓ છે, તે સલામત સ્થળે રાખવા માટે પણ ખેડૂતોને અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...