વસમી વિદાય:કોમર્સ કોલેજની ફૂટપાથ પર 40 વર્ષથી પ્રેમથી જમાડતા જયભવાની પૂરી-શાકવાળા ચંદ્રગિરિ ગોસ્વામીનું નિધન

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના નવરંગપુરાની કોલેજોમાં ભણતા-હોસ્ટેલમાં રહેતા ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીએ ચંદ્રાદાદાને ત્યાં પૂરી-શાક નહીં ખાધા હોય
  • આજુબાજુની ઓફિસના મધ્યમવર્ગીય કર્મચારીઓ-શ્રમજીવી પત્રકારોએ પણ પ્રેમથી જમાડતા ચંદ્રાદાદાને ગુમાવ્યા

અમદાવાદ શહેરમાં અને તેમાં પણ ખાસકરીને નવરંગપુરા વિસ્તારની કોલેજોમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા બહારગામના મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા સંખ્યાબંધ લોકોને છેલ્લા ચાર દાયકાથી અત્યંત વાજબી ભાવે ભરપેટ પૂરી શાક જમાડતા જયભવાની પૂરીશાકવાળા ચંદ્રગિરિ વિસનગિરિ ગોસ્વામી ઉર્ફે ચંદ્રાદાદાનું શુક્રવારે નિધન થયું છે. ચંદ્રાદાદાની ખાસિયત એ હતી કે દિવાળી હોય કે હોળી, જન્માષ્મી હોય કે રામનવમી તેમની પૂરી-શાકની લારી કદી બંધ રહેતી નહોતી. વર્ષમાં એકમાત્ર શીતળા સાતમે ટાઢી શેરી કરવાની હોય એટલે જયભવાની પૂરી-શાક બંધ રહેતા હતા. છેલ્લા ચાર દાયકા દરમિયાન અમદાવાદમાં ભણીને અત્યારે જીવનની સફરમાં ખૂબ ઊંચા સ્થાને પહોંચેલા પણ આજે કપરા-કાળમાં ચંદ્રાદાદાએ પેટ ભરીને પૈસા પૂરા ના હોય તો પણ જમાડેલા પૂરી-શાકને ભૂલ્યા નહીં હોય.

40 વર્ષ પહેલાં ફક્ત અઢી રૂપિયામાં પૂરી-શાકની શરૂઆત કરી હતી
ચંદ્રગિરિ ગોસ્વામી એટલે કે ચંદ્રાદાદાએ કોમર્સ કોલેજ સર્કલ પાસેની ફૂટપાથ પર આજથી 40 વર્ષ પહેલાં પૂરી-શાકની લારી શરૂ કરી હતી. તે સમયે પણ ચંદ્રાદાદા પૂરી-શાક-સલાડ-છાશનો ગ્લાસ માત્ર અઢી રૂપિયામાં જ આપતા હતા. જયભવાની પૂરી-શાકની સૌથી મોટી ખાસિયત એ છે કે આટલા વર્ષોમાં મોંઘવારી પૂષ્કળ વધી હોવા છતાં તેઓ વાજબી કિંમતે અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળા પૂરી-શાક જમાડતા હતા. સંખ્યાબંધ લોકો તેમના રોજિંદા ગ્રાહક હતા અને ભાગ્યે જ તેમને ત્યાં ટેબલ ખાલી હોય તેવું બનતું. બાકી તો મોટાભાગે અડધો કલાક સુધી રાહ જોવી પડે તે નક્કી હતું.

વિદ્યાર્થીઓ પાસે પૈસા ન હોય તો કહેતા, “ભૂખ્યો ન રહેતો બેટા..”
સ્વાભાવિક છે કે સેમેસ્ટર પૂરું થવા આવ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓ પાસે પૈસા ખૂટી પડ્યા જ હોય. હોસ્ટેલમાં રહેવાનો નિભાવ ખર્ચ માંડ-માંડ નિકળતો હોય ત્યારે ક્યારેક ખિસ્સું ખાલી હોય પણ પેટ તો માંગે ને.. ચંદ્રાદાદામાં એક ગજબની સેન્સ હતી કે તેમને ગલ્લા પર બેઠા-બેઠા કોઈ છોકરાના ખાલી ખિસ્સાનો અંદાજ આવી જતો. આવા વિદ્યાર્થી કચવાટ સાથે ચંદ્રાદાદા પાસે જઈને કહે કે, દાદા આજે પૂરતા પૈસા નથી તો ચંદ્રાદાદા કહેતા, “બેટા કાંઈ નહીં.. જે હોય તે આપ.. અને ના હોય તો પણ વાંધો નહીં.. પણ કાલે આવી જજે.. ભૂખ્યો ના રહેતો.”

ગુણવત્તાશીલ પૂરી-શાક-પુલાવ-છાશ-પાપડની થાળી અને તે પણ 60 રૂપિયામાં
ચંદ્રાદાદાએ કદી ગુણવત્તા સાથે સમાધાન કર્યું નહોતું અને તે કારણે જ તેઓ ફક્ત 60 રૂપિયામાં પણ પૂરી સાથે બટાટાનું રસાવાળું શાક, પુલાવ, છાશ અને પાપડ જમાડતા હતા. લોકોને સૌથી વધુ આત્મીયતા ચંદ્રાદાદાની સાથે તેમના પરોપકારી સ્વભાવને કારણે જ થઈ હતી. તેમનું કાયમનું સૂત્ર હતું કે, ખિસ્સું ભલે ખાલી હોય પણ પેટ ખાલી ન રહેવું જોઈએ.. કદી તેમણે કોઈની પાસેથી મદદની આશા પણ રાખી નહોતી અને ખુમારીથી લારી ચલાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...