આપઘાત:ચાંદખેડાની પરિણીતાએ પતિ અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સસરા કહેતા, તારામાં ખામી હશે એટલે મારો દીકરો બીજે જાય છે
  • પતિની ફરિયાદ સસરાને કરીતો તેમણે પુત્રવધૂને જ ખખડાવી

પતિ અને સસરાના અસહ્ય ત્રાસથી કંટાળેલી ચાંદખેડાની પરિણીતાએ અનાજમાં નાખવાની દવાની ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો. મકાન ખરીદવા માટે પતિ સસરા પાસેથી પૈસા લાવવા દબાણ કરતો હતો, જ્યારે પતિના પરસ્ત્રી સાથેના સંબંધ વિશે સસરાને ફરિયાદ કરતાં સસરા પુત્રવધૂને કહેતા કે, તારામાં ખામી હશે એટલે જ મારો દીકરો બીજા પાસે જાય છે, તું પણ ક્યાંક જા. તેમ કહીને હેરાન પરેશાન કરતા હતા.

રાજસ્થાનમાં રહેતા અને ધનલક્ષ્મી માર્બલની ફેક્ટરી ધરાવતા રાજેન્દ્ર પ્રજાપતિ(55)ની દીકરી વંદના(32)ના લગ્ન ચાંદખેડાના પંચશ્લોક રેસિડેન્સીમાં રહેતા ભરત શાંતિલાલ પ્રજાપતિ સાથે 2009માં થયા હતા. તેને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. ભરત જુદી જુદી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કરતો હતો. લગભગ 5 વર્ષ પહેલાં તેણે ચાંદખેડા મકાન ખરીદ્યું હતું. વંદના જ્યારે પિયર જાય ત્યારે પૈસા લાવવા દબાણ કરતાં જેથી રાજેન્દ્રકુમાર પૈસાની મદદ પણ કરતા હતા.

20 દિવસ પહેલાં વંદના પિયર ગઈ ત્યારે પિતાને કહ્યું કે, ભરતે 1 લાખ રૂપિયા મગાવ્યા છે. જેથી રાજેન્દ્રકુમારે કહ્યું, હાલ મારી પાસે સગવડ નથી સગવડ થશે એટલે આપીશ. 28 મેએ સવારે વંદનાએ અનાજમાં નાખવાની દવાની ગોળીઓ ખાઈ લીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજેન્દ્રકુમારને વંદનાના સસરા અને વંદનાની વાતનું એક રેકોર્ડિંગ મળ્યું હતું, જેમાં વંદનાએ સસરા શાંતિલાલ પુનમાજી પ્રજાપતિને ફરિયાદ કરી હતી કે, તમારો દીકરો ભરત મને અને મારા મા-બાપને ગાળો બોલીને મારઝૂડ કરે છે, તેમજ ભરત કોઈ બીજી સ્ત્રી સાથે વાત કરે છે અને ગંદા મેસેજ-ફોટા તેના ફોનમાં છે. તેમ કહેતાં શાંતિલાલે વંદનાને કહ્યું કે, તારામાં ખામી હશે એટલે મારો દીકરો બીજાની પાસે જાય છે, તું પણ ક્યાંક જા. આ અંગે રાજેન્દ્રકુમારે ભરત અને તેના પિતા શાંતિલાલ સામે ચાંદખેડામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પૌત્રએ નાનાને ફોન કરીને જાણ કરી
28 મેએ સવારે 9 વાગ્યે વંદનાની દીકરીએ નાના રાજેન્દ્રકુમારને ફોન કરીને કહ્યું કે, અમે સૂતાં હતાં અને મમ્મી બહાર હોલમાં સૂતી હતી અને તેના મોઢામાંથી ફીણ જેવું નીકળે છે અને તે બેભાન છે, ત્યારે ભરત નોકરીએથી છૂટીને આવતાં તેમજ સોસાયટીના રહીશો ભેગા થઇ જતાં વંદનાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...