હાઇકોર્ટની ટકોર:'સ્કૂલમાં કાર્યરત શિક્ષકોના બાળકોની ફી અન્ય બાળકો પર કેવી રીતે નાંખી શકો,પુસ્તક ખરીદવાની બાબત મરજિયાત હોવી જોઈએ'

2 મહિનો પહેલા
  • કેટલાક સ્કૂલ સંચાલકો શિક્ષકોના બાળકોની ફીને ખર્ચ તરીકે સમિતિ સમક્ષ દર્શાવે છે

વિવિધ પ્રકારના ખર્ચ બાળકો પર નાખવાના સ્કૂલ સંચાલકોના વલણ સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યની વિવિધ સ્કૂલઓ જે-તે ઝોનની સમિતિ સમક્ષ દરખાસ્ત મંજૂર કરાવવા માટે હિસાબ મુકે છે. જેમાં કેટલીક બાબતો ગુજરાત હાઇકોર્ટના ધ્યાને આવતા ટકોર કરી છે. મહત્વની વાત એ છે, કેટલીક સ્કૂલના શિક્ષકોના બાળકો પણ તે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ તેની ફી નથી વસૂલાતી. જેથી કેટલાક સ્થાન પર સ્કૂલ સંચાલકો શિક્ષકોના બાળકોની ફીને ખર્ચ તરીકે સમિતિ સમક્ષ દર્શાવે છે. જેથી કોર્ટે સવાલ કર્યો કે, 'આ રકમ ખર્ચ કેવી રીતે કરી શકાય. શિક્ષકોના બાળકોની ફીની રકમ અન્ય બાળકો પર કેમ નાંખી શકાય?

'માત્ર વાઉચર મૂકવુંએ પૂરતું નથી': કોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી નિયમન સમિતિના ઓર્ડરને પડકારવામાં આવ્યા છે. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્કૂલ સંચાલકો તરફથી ફી નિર્ધારણ સમિતિ સમક્ષ જે-તે બાબતના ખર્ચ અંગેની વિગત તો મૂકે છે પરંતુ તે ખર્ચ અંગેની વિસ્તારપૂર્વક સમજણ નથી આપી. જેથી કોર્ટે કહ્યું કે 'માત્ર વાઉચર મૂકવુંએ પૂરતું નથી, તેમાં કયો ખર્ચ ક્યાં કર્યો, કેમ કર્યો તેની વિગત પણ આપવી જરૂરી છે. સાથે સાથે કોર્ટે પણ ટકોર કરી કે શિક્ષણના પ્રચાર માટે જે જાહેરાત કરવામાં આવી છે, તે ખરેખર શિક્ષણ માટે જરૂરી છે ખરી?

સ્કૂલમાંથી જ પુસ્તક લેવાના આગ્રહ સામે કોર્ટનો વાંધો
આ ઉપરાંત કોર્ટે સ્કૂલ દ્વારા સ્કૂલમાંથી જ ફરજિયાત પણે પુસ્તક લેવાનો આગ્રહ રાખવા વલણ સામે પણ વાંધો ઉઠાવ્યો. સ્કૂલએ પ્રાથમિક વિભાગમાં તેમના દ્વારા તૈયાર કરેલ પુસ્તકના ખર્ચ પણ સમિતિ સમક્ષ મુક્યો છે. જેથી સુપ્રીમ કોર્ટના ઓર્ડર ટાંકતા કોર્ટે કહ્યું કે, 'પુસ્તક ખરીદવાની બાબત ફરજિયાત ન હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...